Abtak Media Google News

Chalte Chalate સ્વામી વિવેકાનંદ આપણા ભારત દેશનો એવો  “કોહિનૂર હીરો” છે, કે જેની ચમક દુનિયાભરમાં ઝળહળે છે. 12 જાન્યુઆરી 1863 ના દિવસે કલકત્તા હાઇકોર્ટના વકીલ વિશ્વનાથ દત્ત ના ઘરે તેમનો જન્મ થયો હતો. તેનું નામ નરેન્દ્રનાથ રાખ્યું. પિતા વિશ્વનાથના પ્રગતિશીલ વિચારો અને માતા ભુવનેશ્વરી ના ધાર્મિક વિચારોનાં સમન્વય એ નરેન્દ્રનાથ ને સ્વામી વિવેકાનંદ બનાવ્યા.

બાળપણથી જ નરેન્દ્રનાથ ભણવામાં ખૂબ હોશિયાર હતા. ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન દરેક વિષયમાં તેમને રુચિ હતી. નરેન્દ્રનાથે શાસ્ત્રીય સંગીત પણ શીખ્યું હતું, ચિત્રકળા પણ તેઓ શીખ્યા હતા. તેમની બહુમુખી પ્રતિભા જોઈને તેમના પ્રિન્સિપાલ તેમને જીનીયસ કહીને સંબોધતા હતા.

નરેન્દ્રનાથની જ્ઞાન માટેની ભૂખ ક્યારેય સંતોષાતી ન હતી. તેઓ હંમેશા ઈશ્વરને શોધતા હતા. એકવાર કોલેજના પ્રોફેસરે તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળવાનું કહ્યું. 1881 માં તેઓ રામકૃષ્ણ પરમહંસને મળવા દક્ષિણેશ્વર ના કાલી મંદિરે ગયા. નરેન્દ્રનાથ બધાને જે પ્રશ્ન પૂછતા હતા તે, “તમે ભગવાનને જોયા છે?” એ પ્રશ્ન સ્વામી રામકૃષ્ણ પરમહંસને પૂછતા, તેમણે કહ્યું હા મે ભગવાનની જોયા છે. હું જેમ તને જોઈ શકું છું, એમ જ ભગવાનને પણ જોઈ શકું છું.

સ્વામી રામકૃષ્ણના જવાબથી નરેન્દ્રનાથ પ્રભાવિત થયા. ત્યાર પછી ઘણીવાર તેમના દર્શને જતા, પરંતુ તેમના વિચારોને સમજી શકતા નહીં. તેઓ સ્વામી રામકૃષ્ણ સાથે તર્ક વિતર્ક કરતા તેમનો વિરોધ પણ કરતા. ત્યારે તેમને એ જ જવાબ મળતો કે સત્યને દરેક બાજુએથી જોવાની કોશિશ કરો.

1884 માં તેમના પિતા ગુજરી ગયા. અચાનક તેઓ અમીર માંથી ગરીબ બની ગયા. પોતે કશું કમાતા ન હતા ત્યારે ઘરની હાલત સુધારવાની માંગણી કરવા “કાલીમાં” પાસે આવતા પરંતુ જ્ઞાન અને ભક્તિ માંગીને ચાલ્યા જતા. ત્યારબાદ સાંસારિક મોહ છોડીને સ્વામી રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માની લીધા નરેન્દ્રનાથના જ્ઞાનની રોશની પર ગુરુનો પ્રકાશ પૂંજ પડવાથી તે મહાજ્ઞાની બની ગયા. 16 ઓગસ્ટ 1986 માં ગુરુ રામકૃષ્ણ પરમહંસ નું નિધન થતા નરેન્દ્રનાથ ભારત ભ્રમણ માટે નીકળી ગયા.

નરેન્દ્રનાથ મદ્રાસમાં હતા ત્યારે અખબારમાં વાંચ્યું કે શિકાગોમાં ધાર્મિક સભા છે. કહેવાય છે કે ત્યારે નરેન્દ્રનાથના સ્વપ્નમાં આવીને ગુરુ રામકૃષ્ણ પરમહંસે વિશ્વ ધર્મ સંમેલનમાં જવાનો સંદેશ આપ્યો. નરેન્દ્રનાથ પાસે અમેરિકા જવા માટે પૈસા ન હતા ત્યારે રાજસ્થાનના ખેતડી ના રાજા અજીતસિંહ એ શિકાગો જવા માટે જહાજ ની ટિકિટ નો બંદોબસ્ત કરી દીધો, અને તેનું નામ વિવેકાનંદ રાખવાનો અભિપ્રાય આપ્યો. અજીતસિંહ તેમના અંગત મિત્ર હતા, જેથી તેના કહ્યા પ્રમાણે નરેન્દ્રનાથે શિકાગો વિશ્વ ધર્મ સભાના ફોર્મમાં પોતાનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું. તેમને સાફો પણ રાજસ્થાની રીતથી અજીતસિંહે પહેરાવ્યો હતો જે તેમનો કાયમી પહેરવેશ બની ગયો.

61 દિવસ પછી સ્વામી વિવેકાનંદ શિકાગો પહોંચ્યા ત્યારે તે જાણીને પરેશાન થયા કે આ વિશ્વ ધર્મ સભામાં ફક્ત જાણીતી સંસ્થાઓના પ્રતિનિધિઓને જ બોલવાની તક મળશે. વિવેકાનંદે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નો સંપર્ક કર્યો તેમણે વિવેકાનંદને હાર્વર્ડ માં પ્રવચન આપવાનું કહ્યું. વિવેકાનંદ ના પ્રવચનથી હાર્વર્ડના પ્રોફેસર પ્રભાવિત થયા પરંતુ તેમણે જાણ્યું કે વિશ્વધર્મ સભા માટે સ્વામીજી પાસે કોઈ સંસ્થા નો પરિચય નથી ત્યારે તેમણે કહ્યું કે સ્વામીજી તમારો પરિચય પૂછવો એટલે એવું લાગે કે જેમ સૂર્યને પૂછીએ, કે તે આકાશમાં કયા અધિકારથી ચમકે છે? તેમ કહી, તે પ્રોફેસરે વિશ્વ ધર્મ સભાના ચેરમેનને ચિઠ્ઠી લખી. જેમાં એમણે લખ્યું હતું કે આ વ્યક્તિ આપણા બધા પ્રોફેસરોના જ્ઞાન કરતા પણ વધારે જ્ઞાની છે. આમ સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ સંમેલનમાં કોઈ સંસ્થા કે પંથ નહીં પરંતુ ભારતના પ્રતિનિધિ તરીકે જોડાયા.

11 સપ્ટેમ્બર 1983 ના શિકાગો વિશ્વ ધર્મ સંમેલનના મંચ પર પહોંચતા જ સ્વામી વિવેકાનંદ નું પહેલું વાક્ય હતું ’અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો’, આ સાંભળતા જ લગભગ બે મિનિટ સુધી સતત ત્યાં તાળીઓનો ગડગડાટ ગુંજયો ત્યાર પછી સ્વામીજી નો તેજસ્વી ચહેરો અને જ્ઞાનથી ભરેલું ઓજસ્વી પ્રવચન દુનિયાના ઇતિહાસમાં અમર બની ગયું.

શિકાગોથી ભારત પાછા ફર્યા બાદ 1 મેં 1897 ના રોજ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. 1898 માં બેલુર મઠની સ્થાપના કરી ત્યારબાદ 4 જુલાઈ 1902 ના દિવસે બેલુર મઠ માં જ સ્વામીજીનું નિધન થઈ ગયું. સ્વામી વિવેકાનંદ યુવાનોના આદર્શ નેતા બની ગયા. આજે પણ તેમના વિચારો અને તેમના કહેલા શબ્દો યુવાનો માટે પ્રેરણાદાયી છે તેમનો મૂળ મંત્ર ’ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરો’.

ભારતના યુવાનોમાં સ્વામીજીના વિચારો પ્રેરણા આપે તેવા છે, યુવાનો માટે સ્વામી વિવેકાનંદ થી શ્રેષ્ઠ બીજા કોઈ નેતા હોય જ ન શકે. 1984 માં સરકારે ઘોષણા કરી કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી 12 જાન્યુઆરી ના દિવસ ને “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે મનાવવમાં આવશે. સ્વામીજીએ આપણને આપેલી વિરાસત એટલી અમૂલ્ય છે કે જેનાથી આપણને ગર્વ થાય.

સ્વામી વિવેકાનંદ ના વિચારો આજે 121 વર્ષ પછી પણ દેશના વિકાસ માટે અમૂલ્ય ફાળો આપી રહ્યા છે

 

” જેટલો વધારે સંઘર્ષ, સફળતા એટલી વધારે.

” જેવું તમે વિચારશો એવા જ તમે બનશો.

” પોતાની જાતને કમજોર માનવું એ સૌથી મોટું પાપ છે.

” જ્યાં સુધી પોતાની જાત પર વિશ્વાસ ન કરીએ ત્યાં સુધી ભગવાન પર વિશ્વાસ નથી કરી શકતા.

” સચ્ચાઈ અપનાવો કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે.

” શિક્ષા બાળકનો શારીરિક માનસિક નૈતિક તથા આધ્યાત્મિક વિકાસ કરે છે.

“શિક્ષાથી બાળકનું ચરિત્ર ઘળાય છે, મનનું બળ વધે છે તેમજ બુદ્ધિ ખીલે છે જેનાથી તે પોતાના પગ પર ઉભો રહી શકે છે.

“શિક્ષાથી ચરિત્ર નિર્માણ થાય છે.

“બહાર દેખાતો સ્વભાવ ફક્ત અંદરના સ્વભાવનું મોટું રૂપ છે.

“બ્રહ્માંડ ની બધી શક્તિ આપણી અંદર જ રહેલી છે.

“વિશ્વ એક સૌથી મોટી વ્યાયામ શાળા છે જ્યાં આપણે આપણી જાતને મજબૂત કરવા આવ્યા છીએ.

“મન અને બુદ્ધિ આ બંનેમાંથી મનનું સાંભળો.

“શક્તિ જીવન છે અશક્તિ મૃત્યુ છે, વિસ્તાર જીવન છે સંકુચિતતા મૃત્યુ છે, પ્રેમ જીવન છે દ્વેષ મૃત્યુ છે.

“જ્યારે તમારી સામે કોઈ સમસ્યા ન આવે ત્યારે સમજી જજો કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો.

“સફળતા માટે એક સમયે એક કામ કરો, બાકી બધું ભૂલીને તે કામમાં ડૂબી જાવ.

“જેવું તમે વિચારશો તેવા તમે બનશો, નિર્બળ વિચારથી નિર્બળ બનશો શક્તિશાળી વિચારથી શક્તિશાળી બનશો.

“જે તમને કમજોર બનાવે છે તેનો તરત જ ત્યાગ કરી દો, તેને ઝેર સમજીને છોડી દો.

“બીજા પર નિર્ભર રહેવું બુદ્ધિમાની નથી બુદ્ધિમાન વ્યક્તિ પોતાના પગ પર જ દ્રઢતાથી ઉભો રહે છે ગમે તેવી તકલીફો નો સામનો કરી શકે છે.

“જે સત્ય છે તેને સાહસિક બનીને ડર્યા વગર બધાને કહી દો તેનાથી કોઈને તકલીફ પડે છે કે નહીં તે વિચારો નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.