આજે આત્મહત્યા નિવારણ દિવસ: તણાવ અને ખરાબ વિચારોમાંથી મુક્ત થવા આટલું કરો

આજે દિવસે દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાના કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જ જરૂરી છે. આ માટે લોકોને જાગૃત કરવા માટેના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. આત્મહત્યા પાછળ હંમેશા મનોચિકિત્સક, સામાજીક, આર્થિક, પરિવારિક અને વ્યક્તિગત કારણ હોય છે. આત્મહત્યાને રોકવા કે આત્મહત્યાનાં વિચારને રોકવા માટે જીવન પ્રત્યે સંતુલિત દ્રષ્ટિકોણ રાખવો ખુબ જરૂરી છે. સારા કે ખરાબ બંને જીવન જીવવા માટેના પાસા છે. જીવનમાં સુખ અને દુ:ખ બંને આવે છે, બંને એક સિક્કાની બે બાજુઓ જેવા જ છે. પોતાની ભૂલોમાંથી કાયમ શીખવું જોઈએ. ક્યારેક એવું થાય છે કે કાંઇ ગમતું નથી. ક્યારેક જીંદગી અટકી ગઈ હોય એવું લાગે છે. મન ખૂબ ઉદાસ થઇ જાય છે, પણ આ બધું શું નોર્મલ નથી?

આત્મહત્યાના વિચારને રોકવા માટે જીવન પ્રત્યે સંતુલિત દ્રષ્ટિકોણ રાખવો ખુબ જરૂરી

આપણે માણસ છીએ તો ખુશીની લાગણીની જેમ ઉદાસીની લાગણી પણ થાય જ. આપણે ખુશીઓ સ્વીકારવા કેટલા ઉત્સુક હોઈએ છીએ, તો એવી જ રીતે ક્યારેક ઉદાસીને પણ ગળે વળગાડી દઇએ. બસ એને પકડી ના રાખીએ. એને પણ એક આલિંગન આપીને જવા દઈએ. ઉદાસ હોવું કે દુ:ખી હોવું એ પણ આપણા માણસ હોવાની સાબિતી જ તો છે. બસ ઉદાસીને ડીપ્રેશનમાં પરિવર્તિત ન થવા દેવું જોઈએ. અત્યારની આ ગળાકાપ હરિફાઈની દુનિયામાં નિષ્ફળતા પણ મળવાની જ છે.

જો કોઇ એક પરીક્ષા માટે ૧૦૦ માણસ પ્રયત્નો કરતા હોય તો તેમાં તે બધા જ થોડા પાસ થવાના છે? કોઈક તો નાપાસ થશે જ. પણ તે નિષ્ફળતા કાયમી થોડી છે? અને દરેક જણ પરફેક્ટ અને પૂર્ણ જ થોડું હોય? જો એવું હોય, તો પછી કોઈ સામાન્ય (જ્ઞમિશક્ષફિુ) રહેશે જ નહીં. દુનિયાની કોઈપણ કિતાબમાં જવાબો શોધી લો. પણ જીંદગી તો રોજ તમને સિલેબસ બહારનાં જ સવાલો પૂછવાની! તો ચાલો પોતાની જાતને નિષ્ફળ કે નબળા સમજવાને બદલે, જીંદગીએ પૂછેલા સવાલોનો ખુલ્લા મને અને ખુલ્લા દિલે હિંમતભેર જવાબ આપીએ.જો મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ.

૧. કોઈ સાથે વાત કરો:

કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ- સહકારની જરૂર હોય છે. જો તમે દુ:ખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની અને જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી પણ ઉચિત છે.

૨. એકલા બિલકુલ ન રહો:

આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લેવા જોઈએ.

૩. થેરાપી અને ઉપચાર લો:

જો તમને મહેસુસ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો થેરાપીસ્ટને ક્ધસલ્ટ કરવા જોઈએ.

૪. યોગ,સૂર્યપ્રકાશ,શાકાહાર,સંતુલિત જીવન શૈલી અપનાવો. ખોટી હાય વોય છોડી દો. રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, મત્સર, કામ, ક્રોધ, વ્યસન જેવાં દુષણોથી દુર રહો.