Abtak Media Google News

 

40 વર્ષના સમયગાળામાં અમર ગાયકે 26 હજારથી વધુ ફિલ્મીગીતો ગાયા: પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા

 

અબતક

અરૂણ દવે, રાજકોટ

ભારતીય પાર્શ્ર્વ ગાયક જેણે કારકિર્દીના ચાર દાયકા સુધી બોલીવુડમાં 26 હજારથી વધુ ફિલ્મી ગીતો ગાયને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતા. 24 ડિસેમ્બર 1924માં જન્મેલ રફીની આજે 97મી જન્મ જયંતિ છે. તેમના શાસ્ત્રીય ગીતો, દર્દભર્યા, રોમેન્ટિક, કવ્વાલી, ગઝલ અને ભજનો જેવા વિવિધ ગીતો થકી ચાહકોના દિલ ઉપર આજે પણ રાજ કરે છે. રફીની હિન્દી અને ઉર્દુ ભાષા ઉપર મજબૂત પકડ હતી.

મોહમ્મદ રફીએ હિન્દી ઉપરાંત કોકંણી, ઉર્દુ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, મઘી, મૈથિલી અને આસામી જેવી દેશની ભાષાના ગીતો સાથે અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ જેવી વિદેશી ભાષામાં પણ ગીતો રેકોર્ડ કર્યા હતાં.1941માં બનેલી પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચ’માં ઝિનત બેગમ સાથે ‘સોનિયેની, હીરીયેની’ પ્રથમ ગીત ગાયું હતું. જો કે ફિલ્મ 1944માં રજૂ થઇ હતી. મોહમ્મદ રફીએ લૈલા મજનુ અને જુગનું જેવી કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. લૈલામજનું ફિલ્મમાં ‘તેરા જલવા’ ગીતમાં તેમણે સમુહ ગાનમાં પણ ગાયું હતું.

મોહમ્મદ રફીએ હિન્દી ફિલ્મ જગતમાં અમીટ છાપ છોડી હતી. દેશમાં ફક્ત આપણાં ગુજરાતમાં અમદાવાદ ખાતે એકમાત્ર રફી મંદિર નિર્માણ થયેલ છે. હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં જ્યારે પણ ગીતોનો ઉલ્લેખ થશે ત્યારે સ્વર્ણિમ અક્ષરોમાં રફીનું નામ પ્રથમ જ આવશે. તેઓ આ સદીના હિન્દી સિનેમાના ઓલ ટાઇમ ગ્રેટ સિંગર- સુર સમ્રાટ તરીકે અમર થઇ ગયા હતા. રફીએ માત્ર 13 વર્ષની ઉંમરે લાહોરમાં પ્રથમ વખત ગાયન કૌશલ્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

મોહમ્મદ રફીએ 1945માં આવેલી ‘ગાંવ કી ગૌરી’ હિન્દી ફિલ્મથી ગાયક ક્ષેત્રે પ્રવેશ કર્યોે. 1948માં મહાત્મા ગાંધીની હત્યા બાદ રાજેન્દ્ર કૃષ્ણ અને હુસ્નલાલ ભગતરામ સાથે મળીને ‘સુનો સુનો એ દુનિયાવાલો’, ‘બાપુ કી અમર કહાની’ ગીત ગાયને સમગ્ર વિશ્ર્વમાં છવાય ગયા હતાં. મોહમ્મદ રફીએ સૌથી વધુ ગીતો આશા ભોંસલે સાથે ગાયા હતાં અને ગાયક કિશોર કુમાર માટે પણ ‘બર્ડ સરકાર’ અને ‘રાગિની’ ફિલ્મમાં અવાજ આપ્યો હતો. તેમને ‘ક્યા હુઆ તેરા વાદા’ ગીત માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1967માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. તેમને શોલે ફિલ્મ બહુ જ પસંદ પડી હતી. 30મી જુલાઇ 1980ના રોજ ‘આસપાસ’ ફિલ્મમાં ‘શામ ક્યુ ઉદાસ હે દોસ્ત’ અંતિમ ગીત ગાયું હતું.

રફીના જન્મદિને રાજકોટ લાઈવ

રેડીઓ પર આજે વિશેષ કાર્યક્રમ

અબતક,રાજકોટ: ફેસબુક પેઝ દિનેશ બાલાસરા ઓફીસિયલ ઉપર ચાલી રહેલ ચેનલ રાજકોટ લાઇવ રેડિઓ પર આજે મહાન ગાયક મોહમદ રફી સાહેબના 96’મા જન્મદિવસને અનુલક્ષીને એક વિશેષ કાર્યક્રમ પ્રસારિત થશે.જેમાં રાજકોટના કલાકારો રાજ પંજાબી અને દિનેશ બાલાસરા રફીસાહેબના રંગબિરંગી ગીતો રજૂ કરશે.કાર્યક્રમના સમયે ફેસબુક પર દિનેશ બાલાસરા ઓફીસિયલ સર્ચ કરવાથી આ કાર્યક્રમ માણી શકાશે એવું એક  યાદીમાં ચેનલના પ્રસ્તુતકર્તા દિનેશ બાલાસરા (મો. 90675 19776) એ જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.