Abtak Media Google News

બધાજ ધર્મોનું સન્માન કરનાર શિવાજી જબરદસ્તી ધર્મ પરિવર્તનના પ્રખર વિરોધી હતા

સાલ ૧૬૩૦ એવો સમય જ્યારે ભારતભરમાં મુઘલ સામ્રાજ્ય બહુ મોટા પાયે પથરાયેલું હતું, ઉત્તરમાં શાહજહાં અને બીજાપુર એટલે મહારાષ્ટ્ર બાજુ સુલતાન આદિલશાહની હુકુમત ચાલતી હતી. એ આદિલશાહની સેનામાં શાહજી ભોંસલે એક ઊંચા હોદ્દા પર બિરાજમાન હતા. ૧૯ ફેબ્રુઆરી ૧૬૩૦ના રોજ શિવનેરીના કિલ્લા પર શિવાજીનો જન્મ થયો જે આગળ જતા છત્રપતિ શિવાજીના નામે ઓળખાયા. શિવાજીના પિતા શાહજી કામકાજના કારણે ઘરથી ઘણો સમય દૂર રહ્યા જેના લીધે શિવાજીનું પ્રાથમિક શિક્ષણ તેમના માતા જીજાબાઈ અને દાદોજી કોંડદેવ દ્વારા મળ્યું હતું. શિવાજીને નાનપણથી જ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું જ્ઞાન તેમનાં માતાએ આપ્યું હતું તેની સાથે રાજનીતિ અને યુદ્ધ કૌશલ્ય દાદોજી કોંડદેવએ તેમને શીખવાડ્યું હતું. શિવાજી પર મહારાષ્ટ્રના લોકપ્રિય સંત રામદાસ અને તુકારામ નો ખૂબ જ પ્રભાવ હતો. સંત રામદાસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા. સંત રામદાસે જ તેમને દેશપ્રેમ અને દેશ ઉદ્ધાર માટે પ્રોત્સાહિત કર્યા હતા. શિવાજી મહારાજનાં લગ્ન ૧૪ મે ૧૬૪૦ના રોજ સઈ બાય નિબાલ્કર સાથે લાલ મહેલ પુણેમાં થયા હતા.

૧૬૪૫ આસપાસ બીજાપુર સલ્તનતમાં અંદરો અંદર લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા તેની સાથે મોગલનું બીજાપુર પર આક્રમણ પણ શરૂ થઈ ગયું હતું. જેના લીધે બીજાપુર સુલતાને ઘણા બધા કિલ્લા પરથી પોતાની સેનાઓ હટાવી એ કિલ્લાનો કારભાર ત્યાંના સ્થાનિક શાસકોને સોંપી દીધો હતો. આ દરમિયાન શિવાજીએ તકનો લાભ લઇ માત્ર પંદર વર્ષની ઉંમરે પહેલું આક્રમણ તોરણ કિલ્લા પર કર્યું હતું અને ૧૭ વર્ષની ઉંમરે તેમણે આસપાસના લોકોને સંગઠિત કરી પોતાની સેના બનાવીને આજુબાજુના ઘણા બધા કિલ્લાઓ કબજે કર્યા હતા. શિવાજીની વધતી જતી કીર્તિને લીધે બીજાપુર સુલતાનની આંખમાં તેઓ ખટકતા હતા જેના લીધે તેમણે શિવાજીના પિતા શાહજીને કેદ  કરી લીધા.ત્યારબાદ શિવાજી એ સાત વર્ષ માટે આદિલ શાહ સાથે મળીને કામ કર્યું. તેમણે તેમનું અસલી વિજય અભિયાન ૧૯૫૬માં શરૂ કર્યું હતું. તેમાં તેણે મરાઠા સરદાર ચંદ્ર રાવ મોરે પાસેથી જાવલી લીધા પછી એક એક કરીને અનેક કિલ્લાઓ જીત્યા હતા. જેમાં સિંગર, કોંકણ, રાજગઢ, ઔરંગાબાદ અને સુરતના કિલ્લાઓ પ્રચલિત છે.

શિવાજીએ ૧૬૫૭ સુધી મુઘલ સામ્રાજ્ય સાથે શાંતિપૂર્ણ સંબંધો રાખ્યા હતા શિવાજી મહારાજે પોતે ઔરંગઝેબને બીજાપુર જીતવા માટે મદદ કરી હતી, તેના બદલામાં બીજાપુરના કિલ્લાઓ અને ગામોમાં હક તેમને મળ્યો હતો. શિવાજીને મોગલો સાથે તકરાર ૧૬૫૭માં મોગલોના અહેમદનગરના હુમલા બાદ થઈ હતી. શિવાજીની આમ નિરંતર વધતી જતી તાકાતને કારણે બીજાપુરનો સુલતાન આદિલ શાહ ખોફમાં હતો, તે કોઈ પણ કિંમતે શિવાજીને રોકવા માંગતો હતો. ૧૯૫૯માં આદિલશાહે પોતાના અનુભવી અને જૂના સેનાપતિ અફઝલખાનને શિવાજીને ખતમ કરવા માટે એક લાખ વીસ હજાર સૈનિકો સાથે મોકલ્યો હતો. ત્યારબાદ અફઝલ ખાનને કૃષ્ણ જી ભાસ્કર નામના એક વ્યક્તિને શિવાજી પાસે સંદેશો આપવા મોકલ્યો હતો, સંદેશા મા શિવાજીને બીજાપુરની આધીનતા સ્વીકારવાનો પ્રસ્તાવ હતો શિવાજીને કહેવામાં આવ્યું હતું કે જો તે બીજાપૂરની આધીનતા સ્વીકારે તો તેને બીજાપુર રાજ્યમાં એક સન્માનિત પદ આપવામાં આવશે. સંદેશો સાંભળ્યા બાદ શિવાજીએ તદ્દન વિપરીત કાર્ય કર્યું હતું.તેમણે કૃષ્ણજી ભાસ્કર નામના વ્યક્તિને પોતાના રાજદરબારમાં યોગ્ય સ્થાન આપી અને ત્યાં જ રાખી લીધા હતા. ત્યારબાદ શિવાજીની સેના અને અફઝલ ખાનની સેના વચ્ચે પ્રતાપગઢના જિલ્લામાં ૧૦ નવેમ્બર ૧૯૫૯ના રોજ યુદ્ધ થયું હતું તે યુદ્ધમાં મળેલી હાર પછી અફઝલખાનએ શિવાજી સાથે શાંતિમંત્રણા કરવા માટે શિવાજીને આમંત્રણ આપ્યું હતું. શિવાજીને આ શાંતિ મંત્રણા માં વિશ્વાસઘાતની શંકા પહેલેથી જ હતી તેથી તેણે પૂરતા હથિયારો સાથે રાખ્યા હતા. ત્યારે તેઓ અફઝલ ખાનને મળવા ગયા હતા ત્યારે અફઝલખાન એ શિવાજીને ગળે મળવાના બહાને દબોચીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શિવાજી પાસે વાઘ નખ  હતા તેથી તેઓ વાઘ નખ દ્વારા અફઝલ ખાન ને મારી નાખવામાં સફળ થયા હતા. આ વિશ્વાસઘાત પછી શિવાજી મહારાજે પોતાના સૈનિકોને બીજાપુર માં આક્રમણ કરવા માટેના આદેશો આપ્યા હતા ૨૦ ડિસેમ્બર ૧૯૫૯ના રોજ બહાદુરી સાથે તેમના સેનાપતિ રુસ્તમ એ હુમલો કર્યો. તેમણે ધીમે ધીમે ગોરીલા યુદ્ધના પ્રયોગો પણ શરૂ કર્યા હતા. ભારતમાં નૌસેનાના જનક તરીકે શિવાજીને ગણવામાં આવે છે. શિવાજી મહારાજની વધતી જતી તાકાત જોઈને સમ્રાટ ઔરંગઝેબે જયસિંહ અને દિલીપ ખાનને શિવાજીને રોકવા માટે મોકલ્યા હતા. તે યુદ્ધમાં શિવાજી ની હાર થઇ હતી જેમાં તેણે ૨૪ કિલ્લા અને ૪૦ લાખ મુદ્રા આપવી પડી હતી.  તે યુદ્ધમાં સંધિની શરતે શિવાજી અને તેમના પુત્ર સંભાજીને આગરા જવું પડ્યું હતું. ત્યાં શિવાજીનું અપમાન કરવામાં આવ્યું અને તેને નજરકેદ  કરવામાં આવ્યા.ત્યાંથી  તેઓ એક કાવતરું કરીને નીકળી ગયા હતા. ત્યારબાદ ૧૬૭૧થી લઈને ૧૬૭૪ સુધી શિવાજીને આધીન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.આ સમયગાળા દરમિયાન ૧૬૭૨માં આદિલ શાહનું  મૃત્યુ થયું અને બીજાપુર શિવાજીએ જીત્યું. ૬ જૂન ૧૬૭૪ના રોજ શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેમને છત્રપતિનું બિરુદ આપવામાં આવ્યું. ત્યારબાદ ૧૬૮૦માં તેમની તબિયત લથડતા ૫ એપ્રિલ ૧૯૮૦ના રોજ મૃત્યુ પામ્યા હતા.

શિવાજીને બાળપણથી જ સર્વધર્મ સમભાવની ભાવના તેમની માતા જીજાબાઈએ શીખવાડી હતી. શિવાજી મહારાજ બધા જ ધર્મો નું સન્માન કરતા હતા પરંતુ જબરદસ્તી ધર્મ પરિવર્તનના પ્રખર વિરોધી હતા. તેમની સેનામાં નાનાથી લઈ અને મોટા દરજ્જાના અધિકારીઓમાં મુસ્લિમો પણ ઘણી બધી સંખ્યામાં હતા. ઇબ્રાહિમ કરીને એક મુસ્લિમ તેમની સેનામાં તોપોના પ્રમુખ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.