સદાબહાર અને બહુમુખી પ્રતિભાના માલિક કિશોર કુમારની આજે જન્મ જયંતિ

ગાયક ઉપરાંત અભિનેતા, સંગીતકાર, નિર્માતા અને લેખક જેવી ભૂમિકા ભજવનાર કિશોરદાએ સંગીતની કોઇ તાલીમ લીધી ન હતી

બોલીવુડના મહાન ગાયક કલાકાર કિશોર કુમારની આજે 93મી જન્મજયંતી છે. ફિલ્મ જગતમાં સદાબહાર અને બહુ મુખી પ્રતિભા ધરાવતા કિશોર કુમારે સંગીતની કોઇ પધ્ધતિસર તાલિમ લીધી ન હતી. બોલીવુડમાં સતત ચાર દાયકા કિશોરદાએ ગાયક ઉપરાંત અભિનેતા, સંગીતકાર, નિર્માતા અને લેખક સહિતની ભૂમિકા અદા કરી હતી. બોલીવુડમાં કિશોરદાનું અનેરૂં સ્થાન હતું.

કિશોર કુમારના ગીતો માત્ર જુની પેઢીના નહી આજની વર્તમાન પેઢી પણ તેના દિવાના છે. તેમના મોટાભાઇ અશોક કુમાર અને નાનાભાઇ અનુપ કુમાર પણ બોલીવુડમાં ખૂબ જ જાણીતું નામ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ મધ્યપ્રદેશના ખંડવા ગામે થયો હતો. હિન્દી ગીતો સિવાય કિશોર કુમારે બંગાળી અને તમિલ ભાષામાં પણ ઘણી બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી.

તેમણે મોટાભાઇ અને જાણિતા અભિનેતા અશોક કુમારની જીદના કારણે અભિનયમાં ઝંપલાવ્યું હતું, પણ તેમનો જીવ તો ગીત ગાવામાં જ વધુ લાગતો હતો. ખેમચંદપ્રકાશે 1948માં ‘જીદ’ ફિલ્મમાં પ્રથમ ગાયક તરીકે બ્રેક આપ્યો હતો. આજે તેમનાં લાખો ચાહકો તેમના મહાન ગીતોના દિવાના છે.

1950ના દાયકાની ભારતીય ફિલ્મો અને તેનો સુંદર અવાજ લગભગ ચાર દાયકાઓ સુધી સમગ્ર ચાહકોમાં ગુંજતો રહ્યો હતો. પ્રારંભની નોકરી, મુસાફિર અને નઇ દિલ્હી જેવી ફિલ્મોમાં અભિનય અને ગાયક તરીકે સફળ થયા બાદ 1958માં પોતાની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ નિર્માણ કરી હતી. જેમાં પોતે અને બંને ભાઇઓ અશોક કુમાર અને અનુપ કુમારે અભિનય આપ્યો હતો. પ્રારંભે સદાબહાર દેવ આનંદ માટે ઘણા શ્રેષ્ઠ ગીતો ગાયને સફળતા અપાવી તો 1969માં ફિલ્મ આરાધનાથી રાજેશ ખન્નાનો અવાજ બની ગયા હતા.

કિશોર કુમારે 1964માં ‘દૂર ગગનકી ર્છાંવમે’ અને 1971માં ‘દૂર કા રાહી’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેમના પુત્ર અમિત કુમાર પણ બોલીવુડમાં ગાયક તરીકે કાર્યરત છે. તેઓએ રમુજી, દર્દીલા અને રોમેન્ટીક ગીતો ગાયા હતા જે આજે પણ ચાહકો સાંભળી રહ્યા છે.