Abtak Media Google News

24 વર્ષની ભર યુવાન વયે પિતા સાથે દીક્ષા લીધી હતી: 40 વર્ષના સંયમ પર્યાયમાં સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારત સહિત અનેક નાના – મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી જબરદસ્ત શાસન પ્રભાવના સાથે ગોંડલ સંપ્રદાય એવમ જિન શાસનનો ડંકો વગાડ્યો છે

સૌરાષ્ટ્રના ભાણવડ તાલુકાના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધર્મ પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખમીરવંતા ખોરડે એક બાળકનું અવતરણ થયું. મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંતભાઈ અને સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ. પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સર્વત્ર આનંદ – હર્ષ છવાઈ ગયો. સમગ્ર માહોલ ધર્મમય બની ગયો. મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર. ધોમ – ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 24 વર્ષની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.

મણિયાર પરીવારના મોભી 500 વીઘા જમીનના માલિક અને સતત 50 વર્ષ સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂર્વક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ – જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું. ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.15/2/1982 સોમવારના શુભ દિવસે 80 વર્ષના પોપટભાઈ અને 24 વર્ષના ધીરજકુમાર એટલે ” પિતા – પુત્ર” બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂર્ણ અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ. દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.

દીક્ષા સમયે ચતુર્વિધ સંઘના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે.

પૂ.ધીર ગુરુદેવમાં  વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે, જે કાર્ય હાથમાં લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે. જૈન મુખપત્ર શાસન પ્રગતિના તંત્રી રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવની શાસન પ્રત્યેની રૂડી ભાવના કે તીથઁકર પરમાત્માની અણમોલ વાણી જન – જનના મન – મન સુધી પહોંચે તે હેતુથી પૂ.ગુરુદેવના અનુગ્રહથી બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી સ્મૃત્યર્થે જૈન આગમોનું પ્રકાશન કાયેમાં પૂ.ધીર ગુરુદેવે અનુગ્રહ પ્રદાન કરી અનંતો ઉપકાર કર્યો. ઈન્દ્રપ્રસ્થનગરના સેવાભાવી ટ્રસ્ટી જયશ્રીબેન શાહ કહે છે કે પૂ.ધીર ગુરુદેવના દો ફરમાન જ્ઞાન, દાન, શય્યાદાન પૂ.ધીરગુરુની પ્રેરણાથી અનેક શાતાકારી ધર્મ સ્થાનકોનું નિર્માણ થયું તથા જિર્ણોદ્ધારના સુકાયે થયા.પૂ. ધીર ગુરુદેવે વૈયાવચ્ચ ગુણધરાણં નમો નમ: સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે.

હાઈ – વે ઉપર ધર્મ સ્થાનક, ઉપાશ્રય,આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંઘને શાતા રહે એવમ પૂ.સાધ્વીજીઓની વિશેષ સુરક્ષા રહે તેવા શુભ આશયથી અનેક ધર્મ સંકુલોના નિર્માણ અને નૂતનીકરણ, જિર્ણોદ્ધારમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી સંયમી આત્માઓના સંયમ જીવનમાં સહાયક બન્યાં છે. ઘાટકોપર સંઘના ટ્રસ્ટી મુકેશભાઈ કામદારે જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સદા ચતુર્વિધ સંઘની ખેવના કરતાં હોય છે.પૂ.સાધુ – સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના – મોટા અનેક ક્ષેત્રોમાં પાટ – પાટલા ઉપલબ્ધ કરાવ્યા.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે. અનેક આત્માઓને દીક્ષાના દાન આપી શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાર્ય કરે છે. કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધર્મને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના જન્મ દિન અવસરે કોટિ કોટિ વંદન સહ અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.