Abtak Media Google News

રાજ્યની 1157 ગ્રામ પંચાયતો સમરસ: કાલથી પ્રચાર-પ્રસારનો માહોલ જામશે

અબતક-રાજકોટ

રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતોની આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન પૂર્વ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આવતીકાલથી પ્રચાર-પ્રસારનો માહોલ બરાબરનો જામશે. આવતીકાલથી ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન ફાળવી દેવામાં આવશે. હવે 10 દિવસ મતદારોને રિઝવવા માટે ચૂંટણી લડતા ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવશે.રાજ્યની 10879 ગ્રામ પંચાયતો માટે ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. ગત શનિવાર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલ્યા બાદ ગઇકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી.

આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. બપોર બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે, રાજ્યની 1157 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાની 97 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં વધારો થઇ શકે તેમ છે. વર્ષ-2016માં 1400 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી.

રાજકોટ જિલ્લાની 97 ઉપરાંત કચ્છની 97 પંચાયત, મોરબી જિલ્લાની 91 પંચાયત છે. સૌથી ઓછી ડાંગ જિલ્લાની 1 પંચાયત, ખેડા અને નર્મદા જિલ્લાની 7, છોટા ઉદેપુરની 6, અરવલ્લી જિલ્લાની 9 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

જે ગ્રામ પંચાયતના સરપંચ કે વોર્ડ સભ્યોની બેઠક માટે માત્ર એક જ ફોર્મ ભરાયુ હોય અને ઉમેદવારો બિનહરિફ થાય ચૂંટણી ન યોજાઇ તેને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે.

2016માં 1400 પંચાયત સમરસ જાહેર થઇ હતી. આ વખતે તેના કરતા 243 ઓછી ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે. સમરસ થતી પંચાયતો માટે ગ્રાન્ટની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો હોવા છતા સંખ્યામાં ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.