મુખ્યમંત્રી વિજયભાઈ અને અંજલીબેન રૂપાણીની આજે મેરેજ એનિવર્સરી

facebook.com/anjali.rupani.9

વાહ વાહ રામજી જોડી કયા બનાઈ… અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કામ કરતી વેળાએ બન્નેની આંખો ચાર થઈ અને બની ગયા જીવનભરના સાથી

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી તથા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી આજે પોતાના સુખી લગ્ન જીવનના ચાર દાયકા પૂર્ણ કરી રહ્યાં છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી કામ કરતી વેળાએ વિજયભાઈ અને અંજલીબેનની આંખો ચાર થઈ, પ્રેમ પાંગર્યો અને પરિવારની સંમતી બન્ને જીવનસાથી બની ગયા. મેરેજ એનિવર્સરી નિમીતે આજે સવારથી બન્ને પર અનરાધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

બાળપણથી જ રાષ્ટ્ર સેવાના રંગે રંગાયેલા વિજયભાઈ રૂપાણીને ૧૯૭૭માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. નિયમ મુજબ ૩ વર્ષ માટે તમામ અન્ય પ્રવૃતિ છોડી ફૂલટાઈમ એબીવીપીને આપવો પડે છે અને હેડ કવાર્ટર અમદાવાદ રાખવાનું હોય છે. આવામાં વિજયભાઈ રાજકોટ છોડી ત્રણ વર્ષ માટે અમદાવાદ સ્થાયી થઈ ગયા. મુળ મહારાષ્ટ્રીય બ્રાહ્મણ અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થઈ ગયેલા અંજલીબેન તે સમયે એબીવીપીના સક્રિય કાર્યકર હતા. વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમોમાં વારંવાર મળતા હોવાના કારણે બન્નેની આંખો ચાર થઈ ગઈ અને ધીમે ધીમે પ્રેમ પાંગરવા લાગ્યો. પરિવારોની સહમતીથી ૧૯૮૧માં વિજયભાઈ અને અંજલીબેન લગ્નગ્રંથીથી જોડાયા. સુખી લગ્નજીવનના ફળ સ્વરૂપ તેઓના આંગણે ત્રણ સંતાનોની પ્રાપ્તી સમયચક્રમાં પુજીત રૂપાણીનું બાળપણમાં જ અકાળે અવસાન થયું. પુત્રી રાધીકા અને પુત્ર રિષભ હાલ પોતાના માતા-પિતાના સંસ્કારોને ચીલે ચાલી સમાજ સેવા કરી રહયાં છે. વિદ્યાર્થી કાળથી જ શરૂ થયેલી વિજયભાઈ રૂપાણીની રાજકીય યાત્રામાં અંજલીબેને સતત તેઓને સમર્થન આપ્યું. રાજકોટના નગરસેવક, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, મેયર, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી, રાજયસભાના સાંસદ, ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી અને છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓની આ સફરમાં અંજલીબેન રૂપાણીએ તેમના પરિવારની અને સામાજીક જવાબદારીઓ ઉપાડી એક અર્ધાંગ્નીની ભૂમિકા ખરા અર્થમાં સાર્થક કરી છે. આજે સુખી લગ્નજીવનના ચાર દાયકાઓ રૂપાણી દંપતિ પૂર્ણ કરી રહી છે ત્યારે ‘અબતક’ પરિવાર પણ તેઓને ખોબલા મોઢે અભિનંદન પાઠવે છે અને આ સફર ૧૦૦ વર્ષ સુધી અવિરત ચાલ્યા કરે તેવી શુભેચ્છા અર્પે છે.