Abtak Media Google News

24 ઓગષ્ટ એટલે વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ ભાષા એટલે માત્ર સંવાદનો સેતુ નથી. પરંતુ ભાષા એટલે સંસ્કૃતિ, રીતીરિવાજો, પરંપરાની જાળવણી આજે વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસે વિશ્ર્વભરમાં વસતા ગુજરાતીઓ ‘વિશ્ર્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. આજે ગુજરાતનાં ગણમાન્ય કવિ નર્મદનો પણ જન્મદિવસ છે. જેઓ અંધવિશ્ર્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાના વિરોધી હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશેનો વિચાર કરનાર તેઓ પ્રથમ હતા.

આજે અંગ્રેજી માધ્યમનો વ્યાપ વધતા ગુજરાતી ભાષાનું મહત્વ ઘટયુ છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. શિક્ષણનો વ્યાપ વધીરહ્યો છે.

આજે અંગ્રેજી ભાષાના શિક્ષણ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે. જો ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાનું મહત્વ નહિ સમજે તો ગુજરાતી ભાષા જાળવશે કોણ? એટલે જ દરેક ગુજરાતી વાલીએ પોતાના સંતાનને ગુજરાતી ભાષાનું સચોટ શિક્ષણ આપવું.ખૂબ જરૂરી બન્યું છે. બાળકો અન્ય ગમે તેટલી ભાષાઓ શીખે પરંતુ પ્રથમતો ગુજરાતી ભાષાને જ મહત્વ આપવું જોઈએ.

ગુજરાતી ભાષા જ આપણી માતૃભાષા છે અને માતૃભાષામાં જ બાળકની સુઝબુઝ, સર્જનાત્મક શકિત ખીલે છે. જો આપણી માતૃભાષા ગુજરાતી નબળી પડશે તો તેના માટે પ્રથમ જવાબદાર ગુજરાતી જ હશે.

અંગ્રેજી મહત્વનું છે. પરંતુ આપણી ભાષા પણ એટલી જ મહત્વની છે. જો આ વાત દરેક ગુજરાતીઓ સમજી જાય તો આપણી ભાષા આપોઆપ જીવંત બની જશે.અનેક ગુજરાતી લેખકો, કવિઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવા પ્રયત્નો કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય, ગુજરાતી શબ્દો દરેક ભાષા કરતા ભવ્યતા ધરાવે છે. ગુજરાતી ભાષામાં એક જ વસ્તુના અનેક નામો રહેલા છે. આથી આ ભાષા ભવ્યતાથી ભરપૂર છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વરસાદ-વરસાદના ગુજરાતીમાં વિવિધ નામો રહેલા છે. જેમકે ઝરમર ધોધમાર, ફોરા, મુશળધાર, સાંબેલાધાર વગેરે વગેરે…

વિશ્ર્વની સૌથી વધુ માતૃભાષા ધરાવતી 30 ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન 23માં ક્રમે આવે છે. જે પણ આપણા માટે ગૌરવની વીત કહેવાય જો ભાષા સચવાશે તો જ આપણી ગુજરાતી પરંપરા, સંસ્કૃતિ, રીતિરિવાજો જળવાશે. અંતે દરેક ગુજરાતીએ ગુજરાતી ભાષાને પ્રેમ કરી તેનો વ્યાપ વધે તેવો પ્રયત્ન કરવો જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.