Abtak Media Google News

થાઈરોઈડનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે: જાગૃતી અને જાણકારી ખુબજ  આવશ્યક

સમગ્ર વિશ્વમાં 25 મે નાં રોજ વિશ્વ થાઈરોઈડ ડે તરીકે ઓળખાય છે, આનો હેતુ થાઈરોઈડનાં રોગ વિશે જનજાગૃતિ કેળવવાનો છે, જેથી થાઈરોઈડ રોગોનું સમયસર નિદાન તથા સારવાર થઈ શકે. આપણા દેશની વાત કરીએ તો આશરે 4.5 કરોડ લોકો થાઈરોઈડના રોગથી પીડાય રહયા છે. આમાનાં આશરે 30 લાખ લોકો આપણા ગુજરાતમાં વસેલા છે.

થાઈરોઈડ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. (1) હાઇપોથાઈરોઈડ (લીલો થાઈરોઈડ ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ ઘટી જાય છે. (2) હાઈપર થાઈરોઈડ (સુકો થાઈરોઈડ ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ વધી જાય છે. (3) થાઈરોઈડની ગાંઠ – સાદી અને કેન્સરની કેવા કેવા લક્ષણો હોય તે માટે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.

હાઇપો થાઈરોઈડનાં મુખ્યત્વે લક્ષણોમાં પાચનતંત્રની ક્રિયા ધીમી પડતી જતી હોવાથી કબજીયાત થવુ , વજન વધી જવું , હૃદયનાં ધબકારા ધીમા પડી જવા, થાક લાગવો , વાળ ખરવા, ઠંડીમાં સહનશકિતમાં ઘટાડો, ચહેરો સોજી જવો, કોલેસ્ટ્રોલ વધી જવું , માસિકમાં અનિયમીતા વગેરે જેવી તકલીફો થાય છે જ્યારે હાઈપર થાઈરોઈડમાં આના કરતા વિપરીત અસર થાય છે જેમાં મુખ્યત્વે ગોઇટર , હાથ ધ્રુજવા , ચિડમીડીયાપણું આવવું , વજન ઘટવો , ગરમી સહન ન થવી તથા ઉંઘ ન આવવી વિગેરે લક્ષ્યો જોવા મળે છે.

થાઈરોઈડની દવાઓની વિશેષ કાળજીમાં થાઈરોઈડની દવા સામાન્યપણે ડોકટરની સલાહ વગર ડોઝ બદલવો કે બંધ કરવો અથવા કંપની બદલવી હિતાવહ નથી . ઉપરાંત હાઈપો થાઈરોઈડ માટેની લીવોથાઈરોકસીન નામની દવા રોજ સવારે ભુલ્યા વગર ભુખ્યા પેટે સાદા પાણી સાથે લેવી હિતાવહ છે . તે ઉપરાંત આ ગોળી લીધા પછી 45 40 મીનીટ સુધી ભોજનમાં કંઈ ન લેવુ તે વધુ હિતાવહ રહેશે.

કેટલાક પશ્ચિમી દેશોમાં બાળકના જન્મનાં તુરંત બાદ ટી.એસ.એચ. ટેસ્ટ કરવામાં આવે છે જેથી કોઈ તકલીફ હોય તો સમયસર સારવાર કરીને શરીરને થતું નુકશાન આગળ વધતું અટકાવી શકાય, જ્યારે આપણે ત્યાં આવી જાગૃતતા ન હોવાથી અનેક કિસ્સાઓમાં નિદાન – સારવારમા વિલંબનાં કારણે દર્દીનાં શારિરીક તથા માનસિક વિકાસ મોડો અથવા તો અટકી જાય છે.

જો થાઈરોઈડનાં રોગ વિશે પુરી માહીતી લેવામાં આવે, ડોક્ટરની સલાહનું યોગ્ય પાલન કરવામાં આવે અને જણાવ્યા પ્રમાણે બધી કાળજી લાવવામાં આવે તો થાઈરોઈડની તકલીફ હોવા છતાં પણ એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકાય છે. તેમ ડો. ક્રિષ્ના મોરી, એમ.ડી., ડી.એમ., એડોકિનોલોજી, મોરી ડાયાબીટીક એન્ડ એન્ડોક્રાઈન સેન્ટર , 20/26 ન્યુ જાગનાથ પ્લોટ , રાજકોટ , મો .81404 11110 ની એક યાદીમાં જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.