Abtak Media Google News

અબતક,રાજકોટ
શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુએનએઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, જાતિ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી વિવિધ અસમાનતાને સમાપ્ત કરવા તેમજ જાગૃતિ લાવવા માટે શૂન્ય ભેદભાવ દિવસ મહત્વપૂર્ણ છે.

ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ઉંમર, લિંગ, લૈંગિકતા, રાષ્ટ્રીયતા, વંશીયતા અને રંગને ધ્યાનમાં લીધા વગર, બધાના અધિકારોને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ મહિલાઓ અને યુવતીઓના શિક્ષણ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે તકની સમાનતા તેમજ ગૌરવ સાથે જીવન જીવવાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનો છે. આજે ભારતમાં આઝાદીનાં 75 વર્ષો પછી પણ વિભિન્ન પ્રકારનાં ભેદભાવો જોવા મળે છે. ભારતમાં વિવિધ જાતિ, જ્ઞાતિ અને ધર્મનાં લોકો રહે છે. તમામને પોતાની સંસ્કૃતિ છે, પહેરવેશથી લઈને બધાનું ખાનપાન પણ જુદા જુદા પ્રકારનું હોય છે. આમ તો ભારત દેશને વિવિધતામાં એકતાનાં સૂત્રથી બાંધી રાખવામાં આવ્યો છે, પરંતુ આ બંધન મનથી કેટલે અંશે છે ? લોકો શું ખરેખર બધાને સમાન માને છે ?

આખરે તો બધા માણસ જ ને તો માણસાઈનો ધર્મ બધાં ધર્મ કરતાં ઉચ્ચ છે એવું સમજનારો અને પછી તેને અનુસરનારો વર્ગ હજુ પણ ઓછો છે.જો કે ભારત એક એવો દેશ છે જ્યાં યુવા વર્ગ સૌથી વધુ છે અને તેઓ શિક્ષિત છે. ભવિષ્યની પેઢી સમજતી થઈ છે, સર્વને સમાન ગણતી થઈ છે એમાં નકારવા જેવું નથી, પરંતુ યુવાનીનાં જોશમાં તરત જ હોંશ ગુમાવી બેસતા યુવાનો વિવાદોમાં પણ ક્યાંક મોખરે આવી જાય છે. દેશને એકસૂત્રમાં બાંધવા માટે સર્વને સમજવાની જરૂર છે અને બીજું કશું જ યાદ ન રાખતા તમામ માણસ જ છે એ સત્યને અંતરમનથી સ્વીકારવું જોઈએ.
સમાનતા એ જ મહાનતા મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.