આજે શનિ જયંતિ નિમિતે કરો હાથલા મંદિરના દર્શન, જ્યાં દર્શન કરવાથી ક્યારેય નથી નડતી પનોતી

સૌરાષ્ટ્રના દ્વારાકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે. લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે. અહીં અંદાજે 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.

વૈશાખ વદ અને અમાસ એટલે શનિ જયંતિ. આ દિવસે ભાણવડ તાલુકાના હાથલા ગામે હજારો ભકતોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ગત વર્ષે કોરોનાના સંક્રમણને પરિણામે શનિ જન્મસ્થળ મંદિર ભકતો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું ન હતું. ત્યારે આ વર્ષે પણ ભકતો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. મંદિરના પૂજારી સહિતના સંચાલકો દ્વારા લોકોને આ મંંદિરે દર્શનાર્થે ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

શનિદેવ મંદિરનો ઇતિહાસ

આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે. પ્રાચિન શનિકુંડમાં અંદર ઉતરવા માટે પગથિઓ બાંધવામાં આવી છે. આ મંદિરનો બાંધણી કાલ જેઠવાઓના ઘુમલી રાજ્ય પહેલા મૈત્રકકાલીન માનવામાં આવે છે.

શાસ્ત્રોક રીતે શનિદેવનાં દશ સ્વરુપ છે. જેના દશ વાહનો અને દશ પત્નીઓ છે. જેમાં એક નામ છે પિપ્લાશ્રય જે સ્વરુપમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. આ સ્વરુપ હાથલા સ્થિત મંદિરમાં જોવા મળે છે. હાથલા સિવાય સમગ્ર ભારતમાં અન્ય કોઈ સ્થળે શનિદેવ હાથી પર જોવા મળતા નથી. જેથી હાથલા જ પૈરાણિક હસ્તિનસ્થલ હોવાનું ઇતિહાસકારો માને છે.

શનિદેવ સૂર્ય અને દેવી છાયાના પુત્ર છે. તેમને યમરાજ, યમુના અને તાપીના મોટા ભાઈ કહેવાયા છે. આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટી દૂર થાય છે.

શનિદેવની પનોતી નડતી નથી

હાથલામાં શનિદેવના પ્રાચીન મંદિર સાથે તેમની પત્નિ પનોતી દેવીનું પણ પ્રચીન મંદિર આવેલું છે. જેથી અહીં આવેલ કુંડમાં મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા વિધિ કરે તેમને ક્યારેય જીવનમાં શનિદેવની પનોતી નડતી નથી. આ કારણે જ અહીં આવતા લોકો પોતાના પગરખા પણ મંદિરે જ છોડી દે છે. પ્રાચીન માન્યતા છે કે પનોતી રુપી પગરખાને મંદિરે ઉતારી દેવાથી પનોતી તે વ્યક્તિના જીવનમાં પરત આવતી નથી.