Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે આજે  રાજયભરમાં અન્નોત્સવ  તરીકે ઉજવવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ ખાતે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતીમાં ગર્વમેન્ટ એમ્પ્લોય સ્ટોર, જામટાવર રોડ ખાતે પી.એમ.જી.કે.વાય યોજના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બપોરે 12.30 કલાકે વર્ચ્યુઅલ સંવાદ કરશે. ત્યારબાદ કેબીનેટ મંત્રી ફળદુ અને મહાનુભાવોના હસ્તે વીનામુલ્યે રાશન કીટનું વિતરણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના કુલ 5 શહેરનોના લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. આ પાંચ શહેરોમાં મહેસાણા, દાહોદ, રાજકોટ, તાપી અને ગાંધીનગરનો સમાવેશ છે. જેમાંથી મહેસાણાના વડનગર તાલુકાના મજુર વર્ગીય નરસિંગભાઈ પ્રજાપતિ, જ્યારે દાહોદના વર્ષાબેન ભુરીયા, રાજકોટ શહેરના નયનાબેન જોશી, તાપીના ડોલવણ તાલુકાના જીતેન્દ્રભાઈ ચૌધરી તેમજ ગાંધીનગરના કલોલ તાલુકાના દિલીપભાઈ સુવાડીયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ સંવાદ કરશે.

કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ દ્વારા લાભાર્થીઓને રાશનકીટનું વિતરણ

કોરોના સંક્રમણને કારણે લોકડાઉનના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતે સંવેદના દાખવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે પી.એમ.જી.કે.વાય યોજના અન્વયે વીનામુલ્યે રાશન આપવાની યોજના અમલી બનાવાઇ હતી.

ઉલ્લેનીય છે કે ચાલુ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે મે અને જૂન -2021 માસ દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત રેશનકાર્ડ ધારકોને રાહત દરે મળવાપાત્ર નિયમિત રાશન લાભ ઉપરાંત પ્રતિમાસ વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી કુલ પાંચ કિલો અનાજના વધારાના રાશનનો લાભ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના 10 લાખ 60 હજાર લાભાર્થીઓને કુલ 3700 મે. ટન ઘઉં અને 1590 મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જુલાઈ થી નવેમ્બર 2021 સુધી વધુ પાંચ માસ માટે આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના અંદાજિત બે લાખ 85 હજાર  કુટુંબોની અંદાજિત 12 લાખની જનસંખ્યાને રેગ્યુલર રાહત ભાવથી મળવાપાત્ર રાશન ઉપરાંત પ્રતિમાસ પાંચ કિલો, પ્રતિ વ્યક્તિ એમ વધારાના રાશનનો વિનામૂલ્યે લાભ મળનાર છે. જેનો આગામી તા.7મી ઓગષ્ટથી પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, અગ્રણી રાજુભાઇ ધ્રુવ સાથે કોર્પોરેશનના વિવિધ સમીતીઓના ચેરમેનઓ, કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રાજકોટ જિલ્લામાં કાલે ચાર સ્થળે નારી ગૌરવ દિન નિમિતે કાર્યક્રમો યોજાશે

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં પૂર્ણં થયેલ પાંચ વર્ષના સફળ શાસનની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં કુલ 4 સ્થળોએ ચોથી ઓગસ્ટના રોજ “નારી ગૌરવ દિન” નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. મંત્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાનો સંયુકત કાર્યક્રમ યોજાશે.

જયારે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતિમાં જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે જસદણ અને વીંછીયા તાલુકાનો, ધારાસભ્ય ગીતાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગોંડલ ટાઉન હોલ ખાતે ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાનો તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં જેતપુર લેઉવા સમાજ ખાતે જેતપુર-ધોરાજી-ઉપલેટા તાલુકાઓનો સંયુકત કાર્યક્રમ યોજાશે.

જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મારફતે વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ તથા ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીનું વિતરણ કરવામાં આવશે તથા આટકોટ ખાતે સ્થપનાર સેનિટરી પેડના મેન્યુફેકચરીંગ યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અધિક કલેકટર એન.એફ.ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ આ કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે કામગીરી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.