Abtak Media Google News

કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ શંકરસિંહ વાઘેલા મોટી જાહેરાત કરી શકે છે. બાપુ રાજનૈતિક જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પાર્ટી પોલિટિક્સ છોડી રહ્યા છે, પોલિટિકસ નહીં. વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય વિકલ્પો અંગે પણ બાપુ મૌન તોડી શકે છે.

આ ઉપરાંત જન વિકલ્પ અંગે પણ ખુલાસો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. બાપુ  એવી પણ જાહેરાત થઇ શકે છે કે, જન વિકલ્પ મોરચાના પથદર્શક બાપુ રહેશે. સૂત્રો મુજબ બલવંતસિંહની રાજ્યસભામાં થયેલી હારથી બાપુ અને ભાજપ વચ્ચેના સમીકરણો પણ બગડી ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહિત રાજ્યમાં જન વિકલ્પ પાર્ટીના હોર્ડિંગ્સ લાગ્યા છે. મળતી વિગતો મુજબ બાપુ એવું માનતા થયા છે કે, બલવંતસિંહના મામલે તેમને છેક સુધી અંધારામાં રાખીને ભાજપ અને કોંગ્રેસે એક-બીજાને સાચવી લીધા હતા. જેનો ભોગ બાપુ, બલવંતસિંહ અને મહેદ્રસિંહ બન્યા હતા.

સૂત્રો મુજબ, કોંગ્રેસના તમામ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા પરંતુ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ હજુ સુધી ભાજપમાં ભળ્યા નથી. કારણકે બાપુને ભાજપ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. સૂત્રો મુજબ, બાપુ પહેલા નોરતાથી નવ દિવસ માટે રાજ્યના પ્રસિદ્ધ તીર્થધામો સહિત રાજ્યના વિવિધ સ્થળોનો પ્રવાસ શરૂ કરશે.

જેમાં તેઓ મોરચા તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરશે તેમજ ધાર્મિક સ્થળોએથી આશીર્વાદ લેશે. તેની શરૂઆત બાપુ અંબાજી શકિતપીઠના દર્શન કરીને કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.