આજનું શિક્ષણ નોકરી માટે કે જીવન જીવવા માટે બધાને ડિગ્રી જોઇએ છે પણ એ શું કામ આવશે ‘ડોન્ટ નો’

બોર્ડની પરીક્ષા પછી કોલેજ કે ઉચ્ચ શિક્ષણ મેળવે પણ અંતે નોકરી જ કરવાનો હેતુ હોય છે: ઘણા કોર્ષમાં તો ભાઇબંધ ગયો એટલે હું પણ જાવ પણ અંતે તો ‘જૈસે થે’ જેવી સ્થિતિ

પ્રાચીનકાળ કે ગુરૂકુળ-આશ્રમમાં સર્વપ્રકારની વિદ્યાનું જ્ઞાન અપાતું હતું જે આજની શિક્ષણ પ્રથામાં જોવા મળતું જ નથી: સૌથી મોટી નબળાઇમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં મોટા ભાગે છાત્રો નબળા જોવા મળે છે

આજના શિક્ષણ વિશે ઘણા પ્રશ્ર્નો થાય કે ગમે તેટલું ભણ્યા પછી નોકરી જ કરવાની કે તેના માટે જ ભણવાનું હોય છે. સુખી સંપન્ન હોય તો ધંધો કરીને પણ જીવન આગળ વધારી શકાય કે પિતાના ધંધે બેસીને આગળ વધી શકાય પણ આ બંનેમાંથી કાંઇ ન હોય અને ખાલી ભણતર હોય તો આજના મોંઘવારી યુગમાં તમો કેટલી મુશ્કેલી વચ્ચે તમારો પરિવાર સંભાળી શકો એવા પ્રશ્ર્નોના જવાબ સૌ-સૌ પોતે જ આપી શકે છે. જે આપણને કેળવી શકે તેજ સાચી કેળવણી કહેવાય પણ આજના ભણતરોમાં આવતા વિષયો કે ડિગ્રીઓ જીવનમાં ક્યાંય કામે લાગતી નથી.

બોર્ડની 10-12 પછી કોલેજ કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ નોકરીનો જ ધ્યેય હોય પણ પછી શું ? શિક્ષણ મુંઝવતા પ્રશ્નો ભર્યા જીવનમાં કેટલું કામ આવે છે તે યક્ષ પ્રશ્ન છે. આજના યુવાન પોતે કોર્ષમાં ભણે છે. તે શું કામ આવશે કે ધ્યેય મેળવી શકશે તે જ ખબર નથી. આજે તો છોકરા કરતાં છોકરી ખૂબ જ હોશિંયાર જોવા મળે છે પણ તેને વિચારો થકી આગળ વધવાની આઝાદી કેટલા પરિવાર આપશે. ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા પણ બીજુ કશુંજ આવડતું નથી તો શું તે આગળ વધી શકશે?

રસ-રૂચિ આધારિત આજના યુવાનોએ શિક્ષણની લાઇન પસંદ કરવી જરૂરી છે. દરેક ક્ષેત્રનો અભ્યાસ મેળવ્યા બાદ જીવનમાં ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. આઝાદી બાદ શિક્ષણમાં ઘણા બદલાવ આવ્યા પણ હજી યુવાધન ગડમથલમાં જ છે. ભણેલ-ગણેલ યુવાન પણ શું કરવું ? તેવા પ્રશ્ર્નો કરે છે. ભણ્યો હોય એટલે જ અમુક જ કામ જોઇએ તેવા આગ્રહથી નાના કામમાં શરમ આવે છે.

જ્યારે અભણને આવુ કશુંજ ન હોવાથી મોટાભાગે નોકરી કરતાની સામે અભણો વધુ કમાય છે. આજનું શિક્ષણ એટલે આર્થિક ઉપાર્જન એવું ન હોય. શિક્ષણની સાથે ઇત્તર પ્રવૃતિ કે અન્ય કલાઓ જીવન-કૌશલ્યોનો વિકાસ થવો જરૂરી છે. આવા યુવાનો જ જીવનમાં કશુંક ઉકાળી શકે છે. બાકીના 10-15-20 હજારના મહિને નોકરીનો ઢસરડો આખી જીંદગી કર્યે રાખે છે.

આપણા જીવનમાં દરેક શિખાતી ક્ષણ શિક્ષણ છે. સૌના જીવનમાં અત્ર-તત્ર-સર્વત્ર ફેલાયેલું શિક્ષણ છે પણ એક્સનો ધન કે વાયનો વર્ગ જીવનમાં ક્યાં કામ આવે છે તે મોટો પ્રશ્ન છે. આજે બધાને ડોક્ટર, સી.એ., એન્જિનીયર કે મોટો હોદ્ો મેળવવો છે પણ મહેનત કેટલા કરે છે. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન પણ આજે કેટલાને તેમાં રસ છે. અંગ્રેજી માધ્યમવાળાને ગુજરાતીને ગુજરાતી માધ્યમવાળા અંગ્રેજી બરોબર આવડતું નથી ત્યાં સર્વાંગી વિકાસની વાત ક્યાં કરવી?

બધા એમ કહે કે જૂની શિક્ષણ પધ્ધતી કે તે ભણવાનું સારૂં હતું પણ 1930-40ની સાલમાં ધીમેધીમે ભારતીય લોકો ભણવા લાગ્યા હતાં. આઝાદી બાદ આપણી શિક્ષણ પધ્ધતી ચાલી જે આજે 21મી સદીમાં પણ ચાલે છે, હા…..નાના-મોટા થોડા ફેરફાર થયા બસ નઇ તાલિમની વાત કે બુનિયાદી શિક્ષણને વાયરો આવ્યો પણ સામાન્ય જન-જનની વિવિધ આવડતોને ક્યારેય એમાં તક ન મળી કે પ્રોત્સાહન ન અપાયું. તેને કારણે જ આજે ભણતરની કોઇ કિંમત રહી નથી ને બધા ડિપ્લોમાં કોર્ષ કરીને કે કોમ્પ્યુટરના પીજીડીસીએ જેવા કોર્ષ કરીને નાની મોટી નોકરી કરવા લાગે છે.

આજે વિદેશી શિક્ષણની બોલબાલા છે પણ એક સમયે ભારતીય શિક્ષણની વિશ્ર્વભરમાં બોલબાલા હતી. નાલંદા-તક્ષશીલા જેવી વિદ્યાલયો વિશ્ર્વભરમાં જાણીતી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે 1811માં ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા શરૂ કરાય હતી પણ એ વખતે આપણાં દેશમાં તો સાત લાખથી વધુ ગુરૂકુળમાં શિક્ષણ અપાતું હતું. ગુરૂકુળના પોતાના નિયમો-અભ્યાસક્રમ સાથે તમામ વ્યવસ્થા પોતાની જ હતી. શિક્ષક પણ ઉચ્ચ કોટીના હતાં. આજની હોસ્ટેલવાળી બોર્ડિંગ શાળા એટલે એ જમાનાના ગુરૂકુળ અહિંથી શિક્ષણ મેળવેલ છાત્ર 16 કલાકમાં પારંગતતા મેળવતો હતો. દુનિયાના કોઇપણ પ્રશ્નોનો સચોટ જવાબ તે આપી શકે તેવી તેવડ વાળો હતો.

આજે તો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સમાજવિદ્યા, હિન્દી, કોમ્પ્યુટર, સંસ્કૃત જેવા વિવિધ 7 કે 8 વિષયો જ ભણાવાય છે પણ એ જમાનાના ગુરૂકુળમાં ધાતુશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, પવન, પાણી, પર્યાવરણ, ધાતુશાસ્ત્ર, પૃથ્વીવિદ્યા, ઉર્જા, ખગોળ, ભૂગોળ, પ્રકાશવિદ્યા જેવા વિવિધ 26થી વધારે વિષયોનું તલસ્પર્શી જ્ઞાન અપાતું. વૈજ્ઞાનિક શિક્ષણ સાથે વેપાર, વાણિજ્ય, પશુપાલન, પક્ષીશાસ્ત્ર, રંગ, માટી કામ, શિલ્પકલા, વન વિદ્યા, વાહન વિદ્યા, જળમાર્ગનું સંચાલન જેવા 20થી વધુ વિષયો  શિખવવામાં આવતા હતાં.

ત્યારે અત્યારની જેમ વિવિધ પ્રવાહો પણ ન હતા બધાએ આ બધા વિષયો ફરજીયાત ભણવાના રહેતા હતાં. અંગ્રેજોના શાસન આવતા ધીમેધીમે આ ગુરૂકુળોનો અસ્થ થવા લાગ્યો તેનું તમામ રેકોર્ડ પણ અંગ્રેજોના કબ્જામાં આવી જતાં કાગળ ઉપર અંગ્રેજી હુકુમતની શિક્ષણ પ્રણાલી આપણા દેશમાં લાગુ પડવા લાગી હતી. જો કે એ ગાળામાં પણ ગાંધીજી જેવા અનેક લોકો વિદેશ ભણવા જતા હતાં. આપણાં દેશમાં કોન્વેન્ટ શિક્ષણ પ્રથા દાખલ થતાં ગુરૂકુળો સાથે આપણાં ભવ્ય શૈક્ષણિક વારસાનો અંત આવી ગયો હતો. અંગ્રેજોએ એ જમાનામાં કરેલા શિક્ષણ સર્વેમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં 100 ટકા શિક્ષણ જોવા મળ્યું હતું.

ઇ.સ.1850માં 7 લાખ 32 હજાર ગુરૂકુળ અને 7 લાખ 50 હજાર ગામડાં હતા મતલબ કે દરેક ગામમાં ગુરૂકુળ હતાં. આ ગુરૂકુળો આજની ભાષામાં જોઇએ તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હતી. ગુરૂકુળો 18 થી વધુ વિષયો ભણાવતાને તેનું સમાજના લોકો સાથે મળીને ચલાવતા જેમાં રાજાઓનો સહયોગ મળતો હતો. ગુરૂકુળના બૂદીબાદ કોલકત્તામાં પ્રથમ કોન્વેન્ટ સ્કૂલ ચાલુ થઇ તેને ફ્રી સ્કૂલ પણ કહેતા હતા. અંગ્રેજી શિક્ષણને કાયદેસર કરાયુંને કોલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં યુનિવર્સિટીની સ્થાપના કરાય હતી. આ ત્રણ ગુલામ યુગની યુનિવર્સિટી આજે પણ દેશમાં મોજૂદ છે. “જે સમાજ તેની માતૃભાષાથી અળગો થાય તે ક્યારેય ખીલી શકતો નથી”

ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઇ.સ.1811માં શરૂ થઇ એ પહેલા ભારતમાં સાત લાખ ગુરૂકુળો હતા!!

ભારતીય શિક્ષણ અધિનિયમની રચના ઇ.સ.1835માં કરવામાં આવી અને ઇ.સ.1858માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ જમાનામાં કરેલ શિક્ષણ સર્વેમાં ઉત્તર ભારતનમાં 97 ટકા અને દક્ષિણ ભારતમાં 100 ટકા સાક્ષરતા દર જોઇને અંગ્રેજી હુકૂમત ચોંકી ઉઠી હતી. આપણાં દેશમાં 1850ના સમયમાં પણ ગામડે-ગામડે ગુરૂકુળો હતા જે આજની ભાષામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થા કહેવાય છે. 18થી વધુ વિષયો શિખવતા ગુરૂકુળો મફ્ત શિક્ષણ આપતાં હતાં. કોલકત્તા શહેરમાં દેશની પ્રથમ કોન્વેન્ટ શરૂ થઇ હતી. અંગ્રેજી શિક્ષણને કાયદેસર કર્યું હતું. એ ગાળામાં કોલકત્તા, મદ્રાસ અને બોમ્બેમાં યુનિવર્સિટીની સ્થાપના કરાય હતી. ગુલામી યુગની આ ત્રણેય સમાજના લોકો સાથે મળીને ચલાવતા હતાં.

રસ, રૂચિ, વલણો, આવડત આધારિત શિક્ષણનો વ્યાપ વધારવો જરૂરી

આજે કોઇને ડોક્ટર બનવું છે પણ ટકા ઓછા હોવાથી તે ન થઇ શકે, ટકા સિવાયની તમામ લાયકાતો તેમનામાં 100 ટકા છે પણ ન થઇ શકે. શિક્ષણ રસ, રૂચિ, વલણો, આવડતને આધારિત વ્યાપ વધશે ત્યારે જ શ્રેષ્ઠ નાગરિકો સાથે સમાજના તમામ ક્ષેત્રના નિષ્ણાંતો  દેશને બહોળી સંખ્યામાં મળશે. જેને જેમાં રસ હોય કે આવડત હોય કે તેમનામાં વિશિષ્ટ શક્તિ હોય તે દિશામાં તેને આગળ વધવાની સંપૂર્ણ તકો સાથેની સિસ્ટમ હોવી જરૂરી છે. નવી શિક્ષણ નિતિ-2020માં ઘણી સારી વાતો, વિચારો સાથે સ્કિલબેઝ એજ્યુકેશનની વાત પણ કરી છે. છાત્રોને શ્રેષ્ઠ રીતે કેળવીને સંપૂર્ણ વિકાસ થાય તેવું શિક્ષણ આજના યુગની તાતી જરૂરીયાત છે. શિક્ષણ થકી જ ભાવી નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતર થશેને દેશ સુદ્રઢ બનશે.