Abtak Media Google News

જીવનની પરીક્ષા કે પરીક્ષાઓનું જીવન

વર્ષમાં બે વાર છ માસિક અને વાર્ષિક મૂલ્યાંકન સામે દર ત્રણ માસે છાત્રોનું મૂલ્યાંકન જરૂરી: જીવનરૂપી પરીક્ષા અને શૈક્ષણિક પરીક્ષામાં તફાવત: સર્વાંગી વિકાસના માપન માટે પણ ટેસ્ટ જરૂરી

આજે પણ ધોરણ 1 થી 5માં બધાને પાસ કરી દેવાય છે: બે વર્ષથી ધો.6થી નાપાસ કરવાની છૂટ મળી છે: છાત્રોમાં ક્ષમતા આધારિત કેટલી સમજ આવી તે મૂલ્યાંકન દ્વારા જ ખબર પડે

પરિવારને કે મા-બાપને સૌથી વધુ ચિંતા સંતાનોની પરીક્ષાની હોય છે. આજના ભાર વાળા  ભણતરમાં છાત્રો તો ટ્રેસમાં પરીક્ષા આપે છે, અમૂક તો તેના ભારણને કારણે આપઘાત પણ કરે છે. સૌને ધો.10-12ના બોર્ડની પરીક્ષાનું ટેન્શન જોવા મળે છે. જીવનની પરીક્ષા કે પરીક્ષાઓનું જીવન જેવી વ્યથા વચ્ચે સૌ આજે ભણી રહ્યાં છે, સરકારનું રાજ્ય પરીક્ષા બોર્ડ કાર્યરત છે. જે લગભગ બધી પરીક્ષાઓનું સંચાલન કરે છે. સૌથી દુ:ખદ બાબત તો એ છે કે 3 કે 4 વર્ષના ટબૂકડા બાળકોની પણ શાળા પ્રવેશે ટેસ્ટ લેવાય છે. આજની પરીક્ષા પધ્ધતી અંગે સૌ ચર્ચા અને ચિંતન કરે છે ત્યારે શૈક્ષણિક સંકુલો-શાળા પરિવાર છાત્ર નબળો પડ્યાની વાત કરે છે.

વર્ષોથી આપણે સૌ ભણતા ત્યારથી કાચી પરીક્ષા અને પાકી પરીક્ષા જેવા શબ્દો શિક્ષકોના મોઢેથી સાંભળતા તેનો સીધો અર્થ છ માસિક અને વાર્ષિક મૂલ્યાંકન થતો હતો. આજના યુગમાં બે પરીક્ષાથી મૂલ્યાંકન ચોક્કસ ન થઇ શકતું હોવાથી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જેવી સિસ્ટમ થકી દર માસે કે ત્રણ માસે બાળકોનું ચાલેલા અભ્યાસક્રમ પૈકી કસોટી લઇને મૂલ્યાંકન કરાય છે. વર્ષમાં લેવાયેલ ચાર કસોટીના એવરેજ ગુણ જ છાત્રની સાચી તુલના સાથે મૂલ્યાંકન ગુણાંક મળી શકે છે. જીવનરૂપી પરીક્ષા અને શૈક્ષણિક પરીક્ષામાં તફાવત ભલે રહ્યો પણ જીવન અને શિક્ષણ બંનેમાં અનુભવજન્ય મેળવેલ જ્ઞાન જ સંર્વાગી વિકાસ કરી શકે છે.

આજની તારીખે પણ ધો.1 થી 5માં નાપાસ કરી શકાતો નથી. જો નબળો હોય તો વેકેશનમાં વૈકિલ્પ શિક્ષણ વ્યવસ્થાના સથવારે તેને સક્ષમ કરીને આગળના ધોરણમાં જવા દેવાય છે. બે-ત્રણ વર્ષથી ધો.6 કે પછીના ધોરણમાં નાપાસ કરી શકાય છે. પહેલા તો હાજરીના દિવસો આધારે જ પરીક્ષા આપે કે ન આપે છાત્ર તેના આગલા ધોરણમાં ચડી જતો હતો. પરીક્ષા મૂલ્યાંનક કસોટી જેવા વિવિધ શબ્દો છાત્રોને અભ્યાસક્રમની કેટલી સમજ આવી તેના માપન માટે લેવાતી હોય છે. ઘણી શાળાઓ દર અઠવાડિયે  વીકલી ટેસ્ટ પણ લે છે. સરકારી શાળામાં પણ એકમ કસોટી શરૂ કરાય છે. શિષ્યવૃતિ માટે પરીક્ષા, એન.એમ.એન. પરીક્ષા જેવી વિવિધ પરીક્ષા પણ છાત્ર જો હોંશિયાર હોય તો ધોરણનું ભણતા-ભણતા પણ આવી શકે છે. અમુક પરીક્ષા પાસ કર્યે સ્કોલર વિદ્યાર્થીને વરસે બાર હજાર રૂપિયા જેવી સહાય ધો.12 સુધી રાજ્ય સરકાર આપે છે.

દરેક બાળકની ક્ષમતા અલગ-અલગ હોય તેમ તેનામાં સમજવાની શક્તિ પણ જુદી-જુદી હોય શકે છે. શિક્ષકોની રસમય શિક્ષણ પધ્ધતી સાથે શૈક્ષણિક રમકડાના માધ્યમ વડે શિક્ષણ આપવાથી બાળકોને ખૂબ જ ઝડપથી યાદ રહી જતાં મૂલ્યાંકન કસોટીમાં સારો દેખાવ કરે છે.

આજકાલ તો જીવનમાં દરેક જગ્યાએ ‘ટેસ્ટ’નું મહત્વ છે. ડ્રાયવીંગ લાયસન્સ માટે કે વિદેશ જવા માટે પણ ટેસ્ટ આપવી જરૂરી છે. આ બધી પરીક્ષાના કોચિંગ માટેના વર્ગો પણ શેરી ગલીએ ખૂલ્યા છે. ટૂંકમાં બાલમંદિરથી શરૂ કરીને તમો શિક્ષણ બંધ કરો ત્યાં સુધી ને પછી જીવન યાત્રા શરૂ કરો ત્યારે જીવનના અંત સુધી વિવિધ પરીક્ષાઓમાંથી સૌને પસાર થવું પડે છે. આજે શિક્ષણમાં પણ સ્પર્ધાત્મક યુગ છે.

તેથી કરન્ટ ટોપીકથી લઇને જનરલ નોલેજ માટે સતત વાંચન કરીને જ તમો પરીક્ષામાં સફળ થતા હોય છો. માતૃભાષા ગુજરાતી બાદ હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષા પરના પ્રભુત્વ સાથે કોમ્પ્યૂટર શિક્ષણ પાવરફૂલ હોય તો જ તમો ઉચ્ચશિક્ષણ કે તેને માટેની વિવિધ પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. સી.એ. કે આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. વિગેરે જેવી ટોપ ટેસ્ટ માટે તો સતત તૈયારીને સખત મહેનત તમોને સફળતા અપાવે છે. આર્ટસ-કોર્મસ અને સાયન્સ આ ત્રણ ફેકલ્ટી માટે આજે અલગ-અલગ માપન હોવાથી છાત્રો પોઇન્ટ ફેરના માર્કમાં પણ નાસીપાસ થતાં જોવા મળે છે.

બધી મહેનતને સારા માર્ક મળ્યા પછી એડમીશન કે નોકરી મળી જ જશે તેની કોઇ ગેરંટી નથી. આજની સદી જ્ઞાનની સદી છે. આજનો છાત્ર શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને જ ભાવી શ્રેષ્ઠ નાગરીક બની શકશે તેથી શાળા, શિક્ષકો, સમાજ, પરિવાર કે મા-બાપ સૌ તેના માટે અથાગ પ્રયત્નો કરે છે. ઘણીવાર તો મા-બાપો તેમના અધૂરા સપનાં સંતાનોમાં જોતા હોવાથી તેને રસ હોય કે ના હોય પણ આજ લાઇનને તેવો આગ્રહ રાખીને તેનું જીવન બરબાદ કરતાં હોય છે.

આજે સૌ માની રહ્યાં છે કે વિદ્યાર્થીમાં ખામી નથી પણ આજના શિક્ષણ અને તેની પરીક્ષા પધ્ધતીમાં ઉણપને કારણે વિદ્યાર્થીીના જીવન પણ બરબાદ થઇ રહ્યાં છે. બોર્ડની અન્ય મહત્વની પરીક્ષા છાત્રો માટે જીવન-મરણનો પ્રશ્ર્ન હોય છે ત્યારે તેના બદલાવ-ગેરરીતી વિગેરે ઘટનાથી ભાવી નાગરિકો ઉપર ઘણી મોટી અસર પડે છ.ે ટેસ્ટ દ્વારા સફળતા મેળવવાની તેમની શ્રધ્ધાના પાયા હચમચી જાય છે. આપણે ત્યાં એટલે જ છાત્રો સૌથી વધુ આપઘાત કરે છે. બધા જ ટૂંકા રસ્તાઓ ગોતીને પરીક્ષાનું પાસ સર્ટી લેવા માંગે છે. આમાં સૌથી વધુ નુકશાન હોંશિયાર છાત્રોને ફાળે આવે છે.

મૂલ્યાંકન કસોટી માટેના પેપર જ એવા નીકળે કે છાત્રો કદાચ પુસ્તક રાખી ને બેસે તો પણ પૂંછાયેલા પ્રશ્નોના જવાબ ન શોધી શકે. શિક્ષકોની ક્રિએટીવીટી જ એવી હોય સાથે પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ કંઇક નોખીને અલગ હોવાથી અભ્યાસક્રમમાંથી પૂંછાયેલા પ્રશ્નોનો જવાબ શોધતા છાત્રો વિચાર કરવા લાગે. જે લોકો રસથી ભણે છે તેને માટે કોઇ પ્રશ્ન ક્યારેય નડતો જ નથી. બુકના પ્રથમ પાનાથી અંત સુધીના પાના વચ્ચે તમામનું વાંચન-સમજ કેળવ્યા બાદ ગમે તે પ્રશ્નોના જવાબ આપવા તે સક્ષમ જ હોય છે. આમ છતાં આજની પરીક્ષા પધ્ધતીમાં મૂલ્યાંકન માટે ધરમૂળથી ફેરફાર આવશ્યક છે. ઘણીવાર તો પરીક્ષાના આગલા દિવસે પેપર ફૂટી જતાં પરીક્ષા રદ્ કરવી પડી હોય ત્યારે આખુ વર્ષ મહેનત કરેલ છાત્રએ શું સમજવું ? નવી શિક્ષણના વિવિધ પાસાઓ જોતા એવું લાગી રહ્યું છે કે જે છાત્રને ભણી ગણીને આગળ વધવું જ છે તેને ઘણી રાહત મળશે.

કોરોના મહામારીને કારણે 18 માસ શાળા બંધ રહીને હવે ગતમાસથી ચાલુ થઇ ત્યારે લાંબા કોર્ષમાં ઘટાડો કરીને છાત્રોની મૂલ્યાંકન કસોટી લેવાય તેવી માંગ સૌ કરી રહ્યાં છે. શાળા સંચાલક મંડળે તો આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતીમાં ફેરફારની માંગ કરી છે. 1930-40ના દાયકાથી શિક્ષણ શરૂ થયુંને આજે 21મી સદીમાં જ્ઞાન જ પૈસો ગણાય છે એ વચ્ચે વિવિધ શિક્ષણ પધ્ધતીઓ મૂલ્યાંકન કસોટી કે પરીક્ષા આવીને તેમાં દર વર્ષે નવીન સુધારો થાય છે પણ એક ચોક્કસ પરીક્ષાની નીતી ઘડાય નથી, તેથી આ પરત્વે સૌ વિચારે એ જ આજનો પ્રશ્ન છે.

છાત્રોના સંર્વાગી પાસાઓનું મૂલ્યાંકન જરૂરી

કોઇપણ છાત્ર વય-કક્ષા મુજબ ક્યાં છે તેના માપન માટે મૂલ્યાંકન થવું જોઇએ તો જ આપણને ખબર પડે છે. શિક્ષણની સિસ્ટમમાં સતત અને સંર્વાગી મૂલ્યાંકન અતિ આવશ્યક છે. આજે વિશ્ર્વભરમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રાથમિક શિક્ષણ કેવું હોવું જોઇએ. છાત્રોને નવા યુગમાં સર્વગ્રાહી શિક્ષણ આપવું અને તેનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી તેમનામાં એવી નિપુણતા ઉત્પન કરવી જેનાથી તે નવાયુગમાં તેમના જીવનનો સંર્વાગી વિકાસ સાધવામાં સફળ થાય. કેળવણી એ માનવ સશક્તિકરણની પ્રક્રિયા છે.

જેના થકી માનવ જીવન શ્રેષ્ઠ અને વિકાસવાળું બનાવી શકાય છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ જ છાત્રોના સંર્વાગી વિકાસમાં મદદરૂપ થાય છે. ગોખણપટ્ટીને ઉત્તેજન ન આપતાં છાત્રોના કૌશલ્યો થાય અને ભયમુક્ત, ચિંતામુક્ત, ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં મૂલ્યાંકન કસોટી આપી શકે તેવો સક્ષમ બનાવવાનો હેતુ એટલે જ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. નવા-નવા જ્ઞાન નિર્માણ બાળકોને પ્રોત્સાહિત કરવાની જવાબદારી શિક્ષકોની છે.

આજની મૂલ્યાંકન સિસ્ટમમાં રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સ્વઅધ્યયન સાથે છાત્રના વ્યક્તિત્વ વિકાસનું મોનીટરીંગ પણ દર વીકે કરવું જરૂરી છે. આર.ટી.ઇ.2009ની જોગવાઇમાં તેની એક્ટ કલમ 21ના અમલી કરણ બાદ રાજ્યની શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકન અંતગર્ત કામગીરી થઇ રહી છે. ધો.1 થી 8 વાંચન-ગણન-લેખન જેવી પાયાની બાબતનું મૂલ્યાંકન સતત શિક્ષકે કરતું રહેવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.