Abtak Media Google News
  • હાલ વિશ્વનો બીજો સૌથી મોટો રોગ માનસિક બિમારી છે, જેનાથી દુનિયામાં 450 મિલિયન લોકો પીડાય છે: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નજીકથી જોડાયેલા છે
  • દેશના વિકાસ માટે આરોગ્ય મહત્વનું છે: વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા અનુસાર ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી અવસ્થા અને માત્ર રોગ કે અશક્તિની ગેરહાજરી એટલે આરોગ્ય: આજની આપણી જીવનશૈલીને કારણે પણ ઘણી સમસ્યાને સામેથી આમંત્રણ આપેલ છે

સુખ-શાંતિ એટલે શું? એ કેમ મેળવી શકાય આવા વિવિધ પ્રશ્ર્નોના જવાબમાં પહેલું સુખ તે જાતે નર્યા એક જ વાત મહત્વની છે. આજના યુગમાં શરીર બરોબર ચાલી શકે તે ઘણી સારી બાબત કહેવાય છે. નાની ઊંમરમાં હાર્ટ એટેક કે કેન્સર જેવી બિમારી પાછળ આપણી બગડેલ જીવનશૈલી જવાબદાર છે. શારીરિક, માનસિક સ્વાસ્થ્ય શ્રેષ્ઠ હોવું જોઇએ. આ માટે જીવનશૈલીનો બદલાવ પ્રથમ આવશ્યક છે. શરીર સારૂ છે એ તમે કેમ નક્કી કરી શકોએ પણ પ્રશ્ર્ન છે. દવા ન લેતો માનવી તંદુરસ્ત જ છે તે નક્કી ન કરી શકાય. માનસિક સ્વાસ્થ્ય આજના યુગમાં સૌથી જરૂરી બાબત છે. વૈશ્ર્વિક લેવલે 450 મિલિયન લોકો તેનાથી પીડાય રહ્યા છે તો તે વિશ્ર્વના બીજા સૌથી મોટા રોગમાં ગણતરી થાય છે. તંદુરસ્ત શરીર સાથે મગજ તંદુરસ્ત હોય અને સામાજીક સ્તરે પણ માનવી એકબીજા સાથે આનંદથી હળી-મળી શકતો હોય ત્યારે જ બરોબર ગણાય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એકબીજાથી નજીકથી જોડાયેલા છે.

5

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા અનુસાર ભૌતિક, માનસિક, સામાજીક અને આધ્યાત્મિક સુખાકારી અવસ્થા અને માત્ર રોગ કે અશક્તિની ગેરહાજરી એટલે આપણું આરોગ્ય. તન, મન અને મગજ પ્રફૂલ્લિત રહે તેવું કામ દિન ચર્યા સાથે જીવનશૈલી હોય તો જ આજના યુગમાં તંદુરસ્ત ગણી શકાય. આ ત્રણેય પાસા સાથે સૌથી વિશેષ વ્યક્તિની આર્થિક સધ્ધરતા પણ મહદઅંશે અસર કરતી હોય છે પણ ઘણીવાર તો શ્રીમંતો પણ શારીરિક અને માનસિક પીડાથી પીડાતા હોય છે ત્યારે સાવ ગરીબ ઓછી આમદાનીમાં પણ સ્વસ્થ-મહેનતવાળી જીંદગી જીવતો હોય છે. તાણ વગરની જીંદગી ઘણી મુશ્કેલીથી બચાવ કરે છે. નાનકડા બાળકો શારીરિક, માનસિક અને સામાજીક વિકાસ થતો હોય છે તેને આર્થિક બાબતની કશી ચિંતા ન હોવાથી તે ત્રણેય પાસાથી સદાય હસતાં સ્વસ્થ જીવન જીવી શકે છે. પરિવારના મોટેરાને કુટુંબના ઘણા ટેન્શનોને કારણે ઘણીવાર તેની માનસિક સમતુલા ગુમાવી દે છે.

આપઘાત કરનાર માનવી માનસિક રીતે હારી ગયો છે, તેના વિવિધ કારણોમાં શારીરિક મુશ્કેલીથી કંટાળીને, આવી પડેલી મુશ્કેલીના તાણને કારણે કે સામાજીક રીતે બહિષ્કાર કે આર્થિક સંકળામણ હોય છે. આજના યુગનો આપણો ખોરાક ઘર કરતાં બહારનો વધુ હોવાથી શારીરિક મુશ્કેલી પારાવાર હોય છે, બેઠાડું જીવનને કારણે હૃદ્યરોગ, ડાયાબીટીશ જેવી ઘણી સમસ્યાઓ ઘર કરી જતાં કંટ્રોલવાળી લાઇફ થઇ જતા પણ ઘણા માનસિક બિમાર થઇ જાય છે. માનસિક બિમારી એટલે ગાંડપણ નહી આ વાત સૌએ સમજવી પડશે. જે વ્યક્તિ તેની ક્ષમતાનો અહેસાસ કરાવે. સામાન્ય જીવનનો સામનો કરી શકે, પોતાના સમુદાય માટે કામ કરી શકે તેને માનસિક સ્વાસ્થ્ય કહેવાય છે. વ્યક્તિગત સારો આધાર અને સમુદાય માટે અસરકારક કામગીરી.

8

અતિશય ચિંતા પણ હૃદ્ય અને રક્તવાહિનીઓના રોગ તરફ દોરી જાય છે. માનસિક બિમાર સ્વાસ્થ્ય સામાજીક સમસ્યા તરફ દોરી જાય છે. જેમ કે બેરોજગારી, ગરીબી, ભગ્ન પરિવારો વિગેરે.

શરીરને તંદુરસ્ત રાખવા અને શારીરિક રીતે મજબૂત બનવા માટે દરેક વ્યક્તિએ પોતે કાળજી લેવી ફરજીયાત છે. જીવન ટકાવવા અને સાજા રહેવા પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. સાત્વિક ખોરાક જ લાંબુ આયુષ્ય આપી શકે છે. ઉંમર વધવા લાગે અને અશક્તિ અનુભવાય સાથે રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગતા ઘણી બિમારીના ઇન્ફેક્શનો લાગવા માંડે છે. લીલા શાકભાજી, ફળો અને પ્રોટીન-વિટામીનથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે. હાલના યુગમાં 30 કે 35 વર્ષના યુવાનને બીપી, હૃદ્યરોગ, ડાયાબીટીશ જેવા ઘણા રોગ જોવા મળે છે. 40 વર્ષે તો પગ દુ:ખવા લાગે કે ચાલી નથી શકતા ત્યારે સૌએ હવે ચેતવાની જરૂર છે. સવારનો કુણો તડકો લેવાથી જ વિટામીન ડી મળી જતું હોય છે. રાત્રે વ્હેલા સુઇ જઇને વ્હેલા ઉઠવું ફરજીયાત છે. આ બધી ઘણી વાતો તમને શ્રેષ્ઠ તંદુરસ્તી આપે છે.

આજના યુગમાં વાહનો-લીફ્ટ જેવા વિવિધ સાધનો આવી જતાં આજે કોઇ ચાલતું જ નથી, તેથી જ મુશ્કેલી વધી રહી છે. આજના ઇન્ટરનેટ યુગ અને સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને કારણે માનવ-માનવથી દૂર થઇ જતાં સામાજીક સંબંધો તૂટી રહ્યા છે. આજે આ દશા છે તો આવનારા ત્રીસ વર્ષોમાં 2050માં કેવી સ્થિતિ હશે તે નક્કી કરી લો. આજનો યુવા વર્ગ વ્યસનોના રવાડે ચડી જતાં નાની ઊંમરમાં મૃત્યુ પામે છે તો ટૂંકા રસ્તે રાતોરાત પૈસાવાળા થવાની લ્હાઇમાં પરિવારને મુશ્કેલીમાં મૂકીને આડી લાઇને ચડી જાય છે. આજના મા-બાપો પોતાના સંતાનોની પારાવાર ચિંતા કરે છે પણ યુવાનોના મનમાં તેજ સાચો એવું ભુસુ ભરાઇ જતાં પોતે અને પરિવારને માનસિક યાતના આપે છે.

જુના જમાનામાં માણસો લાંબુ જીવતા તેની પાછળ ખોરાકની સાથે તેના શારીરિક, માનસિક આરોગ્ય પણ સામેલ હતું. તેઓ બધા સામાજીક સંબંધોના શ્રેષ્ઠ વાતાવરણમાં ઉછર્યાં હતા. સંયુક્ત પરિવારમાં રહેતા હતા. આજે આ બધાથી ઉલ્ટું જીવન માનવી જીવન જીવી રહ્યો છે ત્યારે દિવસેને દિવસે આજનો માનવી શારીરિક, માનસિક અને સામાજીક એમ ત્રણેય રીતે તૂટતો જાય છે. જે સમાજ વ્યવસ્થા ઉપર ખતરો છે. આજના યુગમાં પણ માનવી ધારે તો આ ત્રણેય વસ્તુઓની સુખાકારી મેળવી શકે છે પણ તેને સ્ટેટ્સ અને તેની જીવનશૈલી બદલવી નથી તે વધુને વધુ હેરાન થતો જાય છે.

6 1

આજીવન તંદુરસ્તી જાળવવી હોય તો ઘણી બાબતે તકેદારી રાખવી પડે તેમ છે. દરરોજ નાની મોટી કસરત પણ શરીરનાં વિવિધ અંગો માટે શ્રેષ્ઠ છે. પુરતી ઊંઘ તો સૌથી શ્રેષ્ઠ બાબત છે જો આમાં મુશ્કેલી પડે તો માંદગી આવી નક્કી જ. મોડે સુધી ટીવી જોવાની ભયંકર ટેવ માનવીને ખોખલો કરી નાખશે. શરીર મજબૂત થાય તેવી તમામ વાતો તો અમલ જ શ્રેષ્ઠ બાબત છે. આજના યુગમાં તો બાળથી મોટેરા તમામને શારીરિક કૌશલ્યો બાબતે શિક્ષણ આપવાની જરૂર છે, જેનાથી તે સારી તંદુરસ્તી મેળવી શકે. શરીરનું તમે જેટલું ધ્યાન રાખો તેટલું શરીર તમારૂ ધ્યાન રાખશે, આ વાત યાદ રાખજો.

આપણા તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન આવેલું છે. જેની સીધી અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર છે. પ્રાચિન ગ્રીકના લોકો તેની શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ દરકાર લેતા હતા. શરીર વિજ્ઞાન સૌએ જાણવાની જરૂર છે. ગરીબ હોય કે શ્રીમંત, સુખ હોય કે દુ:ખ શરીર જાળવણી સૌથી અગત્યની બાબત છે. ગુણવત્તાસભર જીવન જીવવા માટે શારીરિક, માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય જરૂરી છે. આજના પ્રદૂષણ અને ભેળસેળના જમાનામાં તંદુરસ્ત જીવનશૈલીને અપનાવીને હૃદ્યની ભવિષ્યની થનારી સમસ્યા ટાળી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી જીવવાના ઘણા રસ્તા છે, થોડી કાળજી તમને લાંબુ અને તંદુરસ્તી સાથે જીવાડે છે.

અતિશય ચિંતા પણ હૃદ્ય અને રક્તવાહિનીઓના રોગ તરફ દોરી જાય છે

2 4

તન-મન સાથે મગજ પ્રફૂલ્લિત રહે તેવું કામ દિનચર્યા સાથે જીવનશૈલી હોય તો જ આજના યુગમાં તંદુરસ્ત રહી શકાય છે. અતિશય ચિંતા પણ માનવીને હૃદ્ય અને રક્તવાહિનીઓના રોગ તરફ દોરી જાય છે. આજના યુગમાં સાવ ગરીબ પણ ઓછી આમદાનીમાં સ્વસ્થ મહેનતવાળી જીંદગી જીવતો જોવા મળે છે. પરિવારનાં મોભીને ઘણા ટેન્શનો હોવાથી તે ઘણીવાર માનસિક સમતુલા ગુમાવે છે. આજના યુગમાં નાની-મોટી કસરતો, ચાલવાનું સાથે પરસેવો પડે તેવો શ્રમ શરીર માટે અતી આવશ્યક છે. આજના ઘણા યુવાનો સ્વછંદી બનતા મા-બાપને પારાવાર યાતના આપે છે. સારી તંદુરસ્તી જ અત્યારે શ્રેષ્ઠ સંપત્તિ ગણી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.