હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે આજે SPLની ફાઇનલ

અંતિમ લીગ મેચમાં હાલારે ગોહિલવાડને પરાજય આપ્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની સીઝન-2માં આજે હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. સાંજે 7 વાગ્યાથી ફાઇનલ મેચનો આરંભ થશે. ગઇકાલે આ બંને ટીમો વચ્ચે અંતિમ લીગ મેચ રમાયો હતો. જેમાં હાલારની ટીમે ગોહિલવાડને હરાવ્યું હતું. ગત બીજી જૂનથી એસપીએલ-2નો આરંભ થયો છે. જેમાં પાંચ ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. પોઇન્ટ ટેબલમાં પ્રથમ બે નંબરે રહેલી ટીમો ફાઇનલમાં પહોંચી છે. ગઇકાલે હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે રમાયેલા અંતિમ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતી ગોહિલવાડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટો ગુમાવી 121 રન બનાવ્યા હતા. જ્યોતિન્દ્ર પુરોહિતે 37 રન અને નિહાર વાઘેલાએ 28 રન ફટકાર્યા હતા. હાલાર વતી સુનીલ યાદવ અને કુલદિપ યાદવે બબ્બે વિકેટો ઝડપી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્પીત વસાવડા અને પાર્થ ચૌહાણે એક-એક વિકેટ ખેડવી હતી.

122 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી હાલાર હિરોઝની ટીમે આઠ વિકેટ ગુમાવી વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કિશન પરમારે 45 રન અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 25 રન બનાવ્યા હતા. ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા. આજે સાંજે 7 વાગ્યાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે એસપીએલ-2નો ફાઇનલ મેચ રમાશે. ગઇકાલે જે ટીમો વચ્ચે અંતિમ લીગ મેચ રમાઇ હતી. તેના વચ્ચે જ આજે ટાઇટલ જીતવા માટે જંગ જામશે.