આજનો વેલેન્ટાઇન ડે… દેશ પ્રેમને નામ: સત્ય, સમર્પિત અને શ્રેષ્ઠત્તમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર સૃષ્ટિ પ્રત્યેનો હોય….

 

આ દુનિયામાં એકપણ એવો સજીવ નથી કે જેને પ્રેમ ન કર્યો હોય: આજના યુવાધનને પ્રેમની સાચી પરિભાષા સમજવાની જરૂર છે: દરેક નાગરિક પોતાના દેશ કે તેની માતૃભૂમિને અફાટ પ્રેમ કરતો હોય છે

આજે પુલવામાં હુમલાની ત્રીજી વર્ષગાંઠ છે ત્યારે એ 40 વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પીને ભારતીય સંસ્કૃતિ મુજબ તેને વંદન કરીએ એજ આજના દિવસનો સાચો દેશપ્રેમ ગણાય

 

સમગ્ર વિશ્ર્વમાં પ્રેમનો માસ એટલે ફેબ્રુઆરી. આ દિવસ પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ છે. પૃથ્વી પર વસતી દરેક સજીવ તેની જીવનયાત્રા દરમ્યાન પ્રેમ કરે જ છે. પ્રેમ વગર માનવનું જીવવું શક્ય નથી. તેની અધુરી કે ન મળવું તે બન્ને જીવનને બરબાદ કરે છે. પ્રેમ-હૂંફ અને લાગણી આ ત્રણ શબ્દો સુખી જીવનની ચાવી છે. 14 ફેબ્રુઆરીએ પ્રેમનો દિવસ છે. જેમાં એક બીજાના પાર્ટનરને ગુલાબ આપીને પ્રેમ અભિવ્યક્ત કરે છે. જીવનમાં માતા-પિતા, પુત્ર-પુત્રી કે ભાઇ વિગેરેને પણ આપણે પ્રેમ કરતાં જ હોઇએ છીએ.

સત્યનું આચરણ કરનાર તેની દ્રઢતારૂપી પ્રેમ કે કોઇને સમર્પિત થવાનો પ્રેમએ ઇશ્ર્વર પ્રત્યેનો પણ હોય શકે છે. ગમતા પાત્ર પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત પણ યુવા વર્ગ કરે છે. પોતાની જાતને પ્રેમ કરવો સૌથી ઉત્તમ ગણાય છે. બધાને ચાહો કે દુનિયાને એ પહેલા તમારી જાતને પ્રેમ કરતાં શીખવું પડશે. વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણે આજનો યુવાવર્ગ ઘણું દેખાદેખીમાં સેલિબ્રેશન કરવા લાગ્યો છે, વાસ્તવમાં સૌએ પ્રથમ પ્રેમની પરિભાષા સમજવી જરૂરી છે. વિવિધ દિવસો ઉજવવીએ પણ તેનો હાર્દ સમજવો જરૂરી છે. પારિવારિક પ્રેમ સૌથી ટોચે ગણાય છે.

રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમીસ ડે, હગ ડે, કિસ ડે ના સેલીબ્રેશન બાદ આજે વેલેન્ટાઇન ડે આવ્યો જે વાસ્તવમાં એક-બીજા પ્રત્યેનો પ્રેમભાવ દર્શાવે છે. આ તહેવાર ચર્ચના એક ખ્રિસ્તી પાદરી કે સેન્ટ કે સંત વેલેન્ટાઇનની યાદમાં ઉજવાય છે. ત્રીજી સદીમાં આ સંત પ્રેમનો મહિમા જાણતો કે સમજાવતો હતો સાથોસાથ તે પ્રેમીઓને સહકાર આપતો હતો. તેના મૃત્યુ બાદ આ દિવસ ઉજવવા લાગ્યો. અમુક જગ્યાએ આ પરંપરાનો તહેવાર બની ગયો તો વિશ્ર્વના ઘણા દેશો પ્રેમની સાથે સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાવસાયિક ઉજવણીનો ભાગ પણ બની ગયો છે. એક દિવસની ઉજવણી ઘણા વર્ષો ચાલ્યા બાદ નવા યુગમાં નવા રંગરૂપ સાથે ટેડી ડે જેવા આખા વિકના તહેવારો ઉજવવા લાગ્યા જે આંધળું અનુકરણ છે. દરેક માનવનો પ્રથમ તેની સૃષ્ટિ પ્રત્યેનો હોય કે પોતાના વતન કે દેશ પ્રત્યેનો હોય છે.

સેન્ટ વેલેન્ટાઇન વિશે ઘણી લોકવાયકા, દંત કથા પ્રચલિત છે. છેલ્લી આઠ સદીથી આ તહેવાર વિદેશોમાં ઉજવાય છે ત્યારે આપણા ભારતમાં પણ છેલ્લા 20 કે 25 વર્ષથી આનું જોર વધ્યું છે જેમાં ખાસ યુવા વર્ગ વધુ જોડાય રહ્યો છે. 14મી સદીમાં પણ રોમેન્ટિક પ્રેમની વાત હતી. આપણી વસંત ઋતું પણ સૃષ્ટિના પ્રેમની ઋતું છે. આપણી ફિલ્મોએ પ્રેમને મહત્વ વધુ આપતા યુવા વર્ગ આ તરફ વધુ આકર્ષાયો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ વર્ગ આ તરફ વધુ આકર્ષાયા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ તેથી બધા તહેવારો ઉત્સાહ-ઉમંગથી ઉજવવીએ છીએ.

“હે પ્રીત જર્હાં કી રીત સદા, મે ગીત વર્હાં કે ગાતા હું, ભારત કા રહનેવાલા હું ભારત કી બાત સુનાતા હું” ફિલ્મમાં આ ગીતે વિદેશીઓ વચ્ચે વર્ષો પહેલા ગવાયેલા જેના શબ્દો જ ભારતીય સંસ્કૃતિની તાકાત બતાવે છે. આપણા દેશની રીત જ “પ્રેમ” જ છે જેથી સમગ્ર વિશ્ર્વે આજે નહી તો કાલે ભારતને શરણે આવવું જ પડશે કારણ કે પ્રેમથી દુનિયા જીતી શકાય છે. અઢી અક્ષરનો નાનકડો શબ્દ ઘણો તાકાતવાળો છે. પ્રેમ આપણુ સમગ્ર અસ્તિત્વ છે, આપણો સ્વભાવ છે. પ્રેમની લાગણી વ્યક્ત કરવી સરળ નથી. આપણી ભાવનાઓ બીજા પ્રત્યે દર્શાવીને પણ તેની અનુભૂતિ કરી શકો છે.

પ્રેમ મૌનની ભાષા છે તેનાં કોઇ શબ્દો હોય કે ન હોય પણ તે બધા સમજી શકે છે. મૂંગો કે બહેરો માણસ પણ દયા અને પ્રેમની ભાષા સમજી શકે છે. આજનો યુવાવર્ગ આકર્ષણને પ્રેમ સમજી બેઠો છે. ખરેખર તો દિવ્ય પ્રેમની અનુભૂતિ જ શ્રેષ્ઠ પળ છે. આજે તો વેલેન્ટાઇનના વીકમાં થયેલો પ્રેમ અઠવાડીયું પણ ટકતો નથી. પ્રેમમાં સમજદારી, વફાદારી, સહનશિલતા જેવા વિવિધ ગુણોની જરૂર પડે છે જે આજનો યુવાવર્ગ સમજતો નથી. આકર્ષણ ઝડપથી ઉત્પન થાય અને તેટલી જ ઝડપે ઓગરી જાય છે.

આજના પ્રેમ દિવસે મારે જુદા એન્ગલથી ખાસ યુવાધન માટે વાત કરવી છે. આજના દિવસે 2019ના રોજ જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભારતીય સુરક્ષા કર્મચારીઓને લઇ જા વાહન કાફલા ઉપર આત્મઘાતી બોમ્બર હુમલો કરાયો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. તે દિવસથી આ દિવસ માતૃભૂમિની રક્ષા કરનાર શહિદ વિર જવાનોને નામ સમગ્ર દેશ ઉજવે તેજ તેમને સાચી શ્રધ્ધાંજલિ છે. પ્રેમ દિવસે સ્વના પ્રેમ સાથે દેશપ્રેમી અને માતૃભૂમિને પ્રેમ વંદના જ આજની સાચી શ્રધ્ધાંજલિ ગણાશે. 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી અને આજનો દિવસ આ ત્રણ દિવસ દરેક ભારતીય માટેના મહત્વના દિવસો છે. જન ગણ મન અધિનાયક જય હેં…….ભારત ભાગ્ય વિધાતા…..આ રાષ્ટ્રગાન સાથે આપણા આજના દિવસે શહિદ થયા તેની યાદમાં ગાન કરીને દેશનો દરેક યુવાન ‘છોડો કલ કી બાતે, કલ કી બાત પૂરાની…..નયે દૌર મે લિખેગે મિલકર નઇ કહાની’ ‘હમ હિન્દુસ્તાની’ આ યુવાવર્ગ માટે દેશ વિકાસમાં એક યુવા વર્ગ કેવી રીતે બદલાવ લાવીને બધા સાથે મળીને ભારતની એક નવી વાત, નવો વિકાસ લખે તેજ આજના દિવસનો સંકલ્પ હોય શકે છે.

 

કોઇપણ ભારતીય ક્યારેય ન ભૂલી શકે એવી પુલવામાં આતંકી હુમલાની આજે ત્રીજી વરસી

આજના દિવસે દેશના વીર શહીદોને યાદ કરીને તેમના બલિદાનને સલામ કરીએ. ત્રણ વર્ષ પહેલા આજના દિવસે જ ભારત માતાએ પોતાના વીર સપૂત ગુમાવ્યા હતા. 2019માં આજના દિવસે થયેલા હુમલામાં 40 જવાનોએ શહીદી વહોરી હતી. આજના દિવસે દેશના બધા નાગરિકો શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે એ જ આજના ‘પ્રેમ દિવસ’ની સાચા દેશપ્રેમીની નિશાની છે. “અપની આઝાદી કો હમ હરગીઝ મીટા શકતે નહી, સરકટા શકતે હે લેકીન સર ઝુકા શકતે નહી”