ટોક્યો ઓલિમ્પિક: દેશની નજર નિરજ ચોપરા પર,રચી શકે છે ઇતિહાસ

૧૨૧ વર્ષના ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતીય ખેલાડીને ટ્રેક એન્ડ ફિલ્ડમાં મળી શકે છે મેડલ

ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦માં ભારતના ખેલાડીઓની નાવ કાંઠે આવીને ડૂબી રહી છે. ત્યારે આજે સૌની નજર ભારતીય જેવલિન થ્રોવર નિરજ ચોપરા પર રહેલી છે. નિરજ ચોપરા પાસે હાલ ૧૨૧ વર્ષ જુના ઇતિહાસને ફેરવવાની સુવર્ણ તક મળી છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં હજુ ભારત તરફથી કોઈ પણ ખેલાડીએ હજુ સુધી મેડલ જીત્યો નથી.

ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે કે એથ્લેટિક્સ કોઇપણ ઓલિમ્પિક ગેમ્સનું મુખ્ય આકર્ષણ છે, પરંતુ આજ સુધી કોઇ ભારતીય આ ઇવેન્ટ્સમાં મેડલ જીતી શક્યો નથી. બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિટચાર્ડે વર્ષ ૧૯૦૦ના ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ અંગ્રેજ હતા, ભારતીય નહીં. જેવલિન થ્રોઅર (ભાલાફેંક) નિરજ ચોપરા પાસે શનિવારે ભારતની ૧૨૧ વર્ષની પ્રતીક્ષાનો અંત લાવવા માટે ગોલ્ડન તક મળી છે.

ભારતીય સેનામાં કામ કરનારા નિરજ ચોપરાએ પોતાની કારકિર્દીમાં અત્યારસુધીમાં ૫ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ગેમ્સ અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

નિરજ ચોપરાએ પોતાની થ્રોઇંગની કુશળતા સુધારવા માટે જર્મનીના બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્તોનિટ્ઝ પાસેથી તાલીમ લીધી છે, ત્યારથી તેના પ્રદર્શનમાં સાતત્ય આવ્યું છે.

ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોક એક સ્ટ્રોકથી મેડલ ચુકી

ભારતીય ગોલ્ફર અદિતિ અશોક શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં માત્ર એક સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઇ. તેની પાસે એક મોટી તક હતી. કુલ ૪ દિવસમાં થનાર ૪ રાઉન્ડમાંથી ૩ રાઉન્ડ સુધી તે બીજા સ્થાને રહી હતી. શનિવારે, ચોથા દિવસે એટલે કે અંતિમ રાઉન્ડ અદિતિ માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. ભારે કસમકસ બાદ ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ એક સ્ટ્રોકથી જ મેડલની રેસમાંથી નીકળી ગઈ હતી. અદિતિએ ચોથા સ્થાન પર આવ્યાનો અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઓલિમ્પિક છે જેમાં ચોથા સ્થાન પર રહેવું વ્યાજબી નથી.