આવતીકાલે સાંજ પ્રચાર – પ્રચારના ભુંંગળા શાંત

સૌરાષ્ટ્ર-કચ્છની 48 સહિત ગુજરાત વિધાસનભાની 89 બેઠકો માટે ગુરૂવારે મતદાન: કાલ સાંજથી ઉમેદવારો મતદારોની રિઝવવા ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવશે

ગુજરાત વિભાનસભાની 18ર બેઠકો પૈકી પ્રથમ તબકકામાં આગામી 1 ડીસેમ્બરના રોજ સૌરાષ્ટ-કચ્છની 48 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. ચુંટણી પંચના નિયમાનુસાર મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ કોઇપણ રાજકીય પક્ષ કે ચૂંટણી લડતા ઉમેદવારો પ્રચાર-પ્રસાર કરી શકતા નથી. ગુરુવારે મતદાન થવાનું હોય આવતીકાલે મંગળવારે સાંજે પાંચ કલાકથી પ્રચારની કામગીરી બંધ કરી દેવી પડશે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓએ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજથી સાફ પોતાને સોંપવામાં આવેલા બુથનો હવાલો સંભાળી લેશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબકકામાં 1 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે અને પ ડિસેમ્બરના રોજ 93 બેઠકો માટે મતદાન થવાનું છે. તમામ 18ર બેઠકો માટે 8મી ડીસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે ગત 14મી નવેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચુઁટણી પ્રચાર અને પ્રસારની કામગીરી વેગવંતી બની હતી. મતદારો કોને મત આપવો તે એકાગ્રતાથી વિચાર કરી શકે, કોઇપણ રાજકીય પક્ષ કે ચુંટણી લડતા ઉમેદવારો દ્વારા અપાતી લોભ લાલચની તેના પર અસર ન પડે તે માટે ચુંટણી પંચના નિયમનુસાર મતદાન પૂર્ણ થવાના આડે 48 કલાકનો સમય બાકી હોય ત્યારે ચુંટણી પ્રચાર બંધ કરી દેવાનો રહે છે.

પ્રથમ તબકકાનું મતદાન 1 ડીસેમ્બર અર્થાત ગુરુવારે સવારે 8 થી સાંજના પ વાગ્યા સુધી યોજવાનું હોય આવતીકાલે મંગળવારે સાંજે પાંચ કલાકથી પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે.

દરયિમાન મતદારોને પોતાની તરફ ખેંચવા માટે તમામ રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારો દ્વારા આવતીકાલ સાંજ થી ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે આ અભિયાન પણ એકદમ ગુપ્ત રીતે ચલાવાશે.  બુધવારની રાત કતલની રાત ગણાશે કારણ કે અંતિમ કલાકોમાં મતદારોને પોતાની તરફ ખેચી લેવાના તનતોડ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

બીજી તરફ જે પ્રચારકો, કાર્યકરો કે રાજકીય આગેવાનો પોતા જે વિસ્તારના મતદાન નથી અને ત્યાં ચુંટણી પ્રચારની કામગીરી કરી રહ્યા છે તેઓએ આવતીકાલે સાંજે મત વિસ્તાર છોડી દેવાનો રહેશે.

બીજી તરફ ભારતીય ચુંટણી પંચે મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે પૂર્વે મંજુરી ન હોય તેવી કોઇપણ રાજકીય જાહેરાત અખબારોમાં પ્રસિઘ્ધ કરવા પર પ્રતિબંધ મૂકયો છે.

ભારતીય ચુંંટણી પંંચના ઘ્યાનમાં આવ્યું છે કે, ચુંટણી પ્રચારના આખરી તબકકામાં અખબારોમાં ભ્રામક અપમાનજનક જાહેરાતો પ્રસિઘ્ધ થવાથી ચુંટણીની પ્રક્રિયા તથા ઉમેદવારો પર નકારાત્મક અસર પડતી હોય છે. ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ભારતીય ચુંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનના દિવસ તથા તેના એક દિવસ પહેલાના દિવસે કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસથા કે વ્યકિત પૂર્વ પ્રમાણિક કરાવ્યા વગરની જાહેરાત અખબારોમાં છપાવી શકશે નહીં.

આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબકકા માટે તા. 30 નવેમ્બર અને તા. 1 ડીસેમ્બરના રોજ તથા બીજા તબકકા માટે તા. 4 ડીસેમ્બરન અને તા. પ ડીસેમ્બરના રોજ એમ ઉપરોકત બે-બે દિવસ દરમિયાન એમ.સી.એમ. સી (મીડીયા સટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટી) દ્વારા પૂર્વ પ્રમાણિત (પ્રિ-સર્ટીફીકેટ) કરી ન હોય તેવી કોઇપણ રાજકીય જાહેરખબરો રાજયમાં પ્રકાશિત થતાં કોઇપણ અખબારમાં પ્રસિઘ્ધ કરી શકાશે નહીં.

ભારતીય ચુંટણી પંચે મતદાનના દિવસે તથા મતદાનના આગળના દિવસે એમ બે દિવસોમાં કોઇપણ પ્રકારની રાજકીય પક્ષોની જાહેરાત માટે એમ.સી.એમ.સી. ની મંજુરી ફરજીયાત બનાવી છે. એમ.સી.એમ. સી. પાસેથી પૂર્વ પ્રમાણિત કરી ને સર્ટીફીકેટ લેવામાં આવ્યું હોય એવી જ જાહેરાત પ્રસિઘ્ધ કરી શકાશે. મતદાનના દિવસે કે તેના એક દિવસ પૂર્વે જે જાહેરાત પ્રસિઘ્ધ કરવાની છે તેની પૂર્વ મંજુરી માટે તે જાહેરાત પ્રકાશિત કરવાના સુચિત દિવસના બે દિવસ પહેલા સમક્ષ અરજી કરવાની રહેશે.

  • “આપ” વધુ એક ફટકો: અબડાસાના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો !
  • સુરત બાદ આમ આદમી પાર્ટીમાં કચ્છમાં પણ ભંગાણ પડ્યું

ગુજરાતની જનતાને ત્રીજો રાજકીય વિકલ્પ આપવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનના ચાર દિવસ પૂર્વ વધુ એક ફટકો પડ્યો છે. કચ્છની અબડાસા બેઠક પર આપના પ્રતિક ઝાડુ નિશાન પરથી ચૂંટણી લડી રહેલા વસંતભાઇ ખેતાણીએ અચાનક હથિયાર હેઠા મુકી દીધા છે અને ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે.

આ અગાઉ સુરત ઉતરતી બેઠકના આપના ઉમેદવારે પણ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા મતદાન પૂર્વ જ આમ આદમી પાર્ટી એક બેઠક હારી ગયું હતું. દરમિયાન ગઇકાલે કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર વસંતભાઇ ખેતાણીએ ગઇકાલે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ટેકો જાહેર કરી દીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું તે પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સારૂ એવું વજન જોવા મળતું હતું. જો કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા અને ટિકિટ ફાળવણી બાદ આપનું ઘર સળગ્યું છે. આપના અનેક ઉમેદવારોએ હથિયાર હેઠા મૂકી દીધા છે. માત્ર નામ પૂરતો જ પ્રચાર કરી રહ્યા છે. અબડાસા બેઠકના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવારને સમર્થન પણ જાહેર કરી દીધું છે.