કાલે દેવ દિવાળી: સૌરાષ્ટ્રમાં ગામે-ગામ થશે તુલશી વિવાહ

દેવ ઉઠી અગિયારશે તુલશીજી અને શાલીગ્રામની પુજા અને વિવાહનું અનેરૂં મહાત્મ્ય રહ્યું છે

અબતક-રાજકોટ

દિવાળીના તહેવારની રંગચંગે ઉજવણી કર્યા બાદ આવતીકાલે કારતક સુદ અગિયારશને રવિવારે આખો દિવસ અને રાત્રિ એકાદશી તિથિ છે. આ દિવસે દેવ દિવાળી ઉજવાશે. આપણા સૌરાષ્ટ્ર-કચ્છમાં રિવાઝ મુજબ અગિયારશના દિવસે દેવ દિવાળી ઉજવાય છે તથા આજ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. સોમવારથી લગ્નના શુભ મૂહુર્તો શરૂ થશે.પરંતુ ઉત્તર ભારતમાં આ ઉત્સવ પાંચ દિવસનો મનાવાય છે અને પૂનમના દિવસે ત્યાં દેવ દિવાળી મનાવાય છે. આ વર્ષે બે બારશ હોવાથી ઉત્તર ભારતમાં બારશના અર્થાત સોમવારથી દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાશે જ્યારે આપણા સૌરાષ્ટ્ર-કચ્છમાં રિવાઝ મુજબ રવિવારે દેવ દિવાળી ઉજવાશે. કાલે તુલશી પુજા અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામની પુજાનું મહત્વ વધારે છે. રવિવારે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ તુલસીજીની પુજા કરવી તુલસીજીની આજુબાજુ બે શેરડીના સાઠાનો મંડપ બનાવો નીચે તુલસીજી રાખવા ત્યારબાદ સાથે તેમા શાલીગ્રામ પધરાવા તથા તુલસીજીને ચુંદડી ઓઢાડી ચાંદલો-ચોખા શાલિગ્રામ અને તુલસીજીને કરવા, અબીલ-ગુલાલ, કંકુ, ફૂલ પધરાવા તથા ધૂપ દિપ અર્પણ કરી નૈવેદ્યમાં મીઠાઇ અર્પણ કરી આરતી ઉતારવી એકાદશીની કથા વાંચવી.

આમ રવિવારે પ્રબોધિની એકાદશી દેવ દિવાળીના દિવસે આ પૂજન સવારના અથવા સાંજના કરવું. વિધિવત તુલસી વિવાહ પણ સાંજના સમયે કરી શકાય છે. જે લોકોને દાંમ્પત્ય જીવનમાં વારંવાર ઝઘડા થતા હોય તો શેરડીના મંડપ નીચે તુલસી વિવાહ કરવાથી દાંમ્પત્ય જીવનમાં મીઠાસ આવે છે. જેના વિવાહ થતા ન હોય તેવોએ તુલસી વિવાહ કરવાથી વિવાહના યોગ બને છે.ખાસ કરીને જેને ઘરે કુંવારી ક્ધયા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ કરવામાં આવે છે.દેવ દિવાળીના દિવસે દેવતાઓ જાગે છે અને આજ દિવસથી વિવાહ જેવા શુભ પ્રસંગની શરૂઆત થાય છે. દેવ દિવાળીના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી તુલસી વિવાહ ઉત્તમ અને શુભફળ આપનાર છે.સતી વૃંદાએ રૂકમણીરૂપે અવતાર લીધો અને વિષ્ણુ ભગવાન કૃષ્ણરૂપે અવતર્યા આમ રૂકમણી અને કૃષ્ણના વિવાહ. ખાસ કરીને દેવ દિવાળીના દિવસે શેરડીના સાઠાનો મંડપ બનાવી અને તુલસી વિવાહનું મહત્વ વધારે છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે.