અબતક, રાજકોટ

વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં 22મું સ્થાન ધરાવતા રાજકોટ મહાનગરપાલિકાનો આવતીકાલે 49મો સ્થાપના દિન છે. આ અવસરે મહાપાલિકા દ્વારા એક નવી પહેલનો આરંભ કરવામાં આવશે. જેમાં સ્વચ્છતા અંગે સહયોગ આપનાર નાગરિકોને ઈ-સર્ટીફિકેટ ઈસ્યુ કરી તેની સરાહના કરવામાં આવશે. સ્થાપના દિન નિમિતે આજે કોર્પોરેશનની કચેરીમાં રંગોળીઓ બનાવવામાં આવી હતી. દિવાળી પર્વએ યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતાને પણ આવતીકાલે ઈનામ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ રંગોળી સ્પર્ધાના આયોજન અનુસંધાને આવતીકાલે સવારે 10:30 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ રૂમ ખાતે રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે જેમાં સ્વચ્છતા અંગે નોંધપાત્ર કામગીરી કરતા નાગરિકોને ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની એક નવી પહેલની શુભારંભ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.

સ્થાપના દિન નિમિતે કર્મચારીઓ દ્વારા કોર્પોરેશન કચેરીમાં પુરાઈ નયનરમ્ય રંગોળીઓ: સ્વચ્છતા અંગે સહયોગ આપનાર નાગરિક કોર્પોરેશનની વેબસાઈટ પર ફોટો મુકશે તો તેઓને ઈ-સર્ટીફિકેટ અપાશે

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનિટેશન સમિતિ ચેરેમેન અશ્વિનભાઈ પાંભર તથા જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ અન રંગોળી સ્પર્ધાના સ્પર્ધકો વિગેરે ઉપસ્થિત રહેશે.

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આપણા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં “વોકલ ફોર લોકલ” અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા તેમજ કલાપ્રેમી જનતાના આનંદ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે તા.03-11-2021 થી 05-11-2021 દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે “રંગોળી સ્પર્ધા” આયોજન કરવામાં આવેલ હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યક્તિગત કેટેગરીમાં 408 અને ગ્રુપ કેટેગરીમાં 67 એમ કુલ 475 સ્પર્ધકોને માટે રંગોળીના બ્લોક ફાળવવામાં આવેલ હતાં. જેમાંથી નાગરિકોના ઈ-વોટિંગના મદદથી વ્યક્તિગત કેટેગરીનાં પાંચ વિજેતાઓ અને ગ્રુપ કેટેગરીનાં પાંચ વિજેતાઓના તેમજ વ્યક્તિગત કેટેગરીના પ્રોત્સાહન પુરષ્કાર મેળવનાર વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતાની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપનાર પ્રત્યેક નાગરિક તંત્રને મદદરૂપ થવાની સાથે જ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે. મહાપાલિકાની વેબસાઈટ પર મુકેલ એક લિંક થકી સ્વચ્છતા અનુસંધાને પોતે આપેલ સહયોગ અને કરેલ વિગતો રજુ કરવાની રહેશે જેની ચકાસણી કરી જે-તે નાગરિકને ઈ-સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. નાગરિકોના આવા ઉમદા અભિગમની સરાહના કરવા માટે, રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતાની આ ઝુંબેશમાં વ્યક્તિગત રૂપે યોગદાન આપી રહેલ પ્રત્યેક નાગરિક ને એક ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. સ્વચ્છતા અંગેની આ નવી પહેલનો પ્રારંભ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.