Abtak Media Google News

અબતક-રાજકોટ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષ યોજાવાની છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો મિજાજ જાણવાનો રાજકીય પક્ષો પાસે અંતીમ તક છે. સૌરાષ્ટ્રની 1945 સહિત રાજ્યની 8684 ગ્રામ પંચાયતો માટે આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા મતદાન યોજાશે. આજે ચૂંટણી સ્ટાફે મોટાભાગના મતદાન મથકોનો હવાલો સંભાળી લીધો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી ઇવીએમ દ્વારા નહીં પરતું બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે. કાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વ ગ્રામ્ય જનતાનો મિજાજ જાણવાનો અંતીમ અવસર 

સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવતું નથી. પક્ષ પ્રત્યે સમર્પીત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે. રાજ્યમાં આવતા વર્ષે અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વ ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મિજાજ જાણવાનો રાજકીય પક્ષો માટે અંતીમ તક છે. પરિણામ બાદ ઇવીએમ પર હંમેશા આક્ષેપો કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઇવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવાનો હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

રાજ્ય સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રામ્યમાં વધારો કરવામાં આવી હોવા છતાં ધાર્યા મુજબ પંચાયતો સમરસ બની નથી.

સૌરાષ્ટ્રની 1945 સહિત રાજ્યની 8684 ગ્રામ પંચાયતો માટે કાલે સવારે
7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન: મંગળવારે મતગણતરી 

સૌરાષ્ટ્રની 1945 ગ્રામ પંચાયતો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેમાં 35 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 11926 વોર્ડ અને 1918 સરપંચની પસંદગી કરવા માટે મતદારો મતદાન કરશે. રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતના 2455 વોર્ડ સભ્યો અને 410 સરપંચ પદ માટે, જૂનાગઢ જિલ્લાની 338 ગ્રામ પંચાયતોમાં 1882 વોર્ડ-સભ્યો અને 333 સરપંચ પદ, જામનગર જિલ્લાની 129 ગ્રામ પંચાયતના 688 વોર્ડ-સભ્યો અને 125 સરપંચ, અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતના 2438 વોર્ડ-સભ્યો અને 385 સરપંચ, પોરબંદર જિલ્લાની 86 ગ્રામ પંચાયતના 704 વોર્ડ-સભ્યો અને 97 સરપંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 128 ગ્રામ પંચાયત 791 વોર્ડ-સભ્યો અને 97 સરપંચ, મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતના 1169 વોર્ડ-સભ્યો અને 195 સરપંચ, જ્યારે ગીર સોમનાથ જિલ્લાની 249 ગ્રામ પંચાયતોના 1799 વોર્ડ-સભ્યો અને 191 સરપંચ પદના ઉમેદવારોને ચૂંટવા મતદાન હાથ ધરવામાં આવશે.

શુક્રવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થયા બાદ હવે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો વચનોની લ્હાણી કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર સ્ટાફ પહોંચી જશે અને મતપેટીઓ પણ પહોંચાડી દેવામાં આવશે. આવતીકાલે સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને સ્ટોરરૂમમાં સીલ કરી દેવામાં આવશે.

મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. બેલેટ પેપરથી મતદાન થવાનું હોય પરિણામ આવતા-આવતા મોડી રાત થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.