Abtak Media Google News

કોરોના વેકિસનનો એક ડોઝ પણ નહી લેનાર વેપારીઓ રવિવારથી દુકાન નહી ખોલી શકે: ખોલશે તો ધરપકડથી આકરી કાર્યવાહીની જોગવાઈ: સરકાર મૂદતમાં વધારો કરે તેવી સંભાવના

વેપારીઓએ કોરોના વેકિસનનો ઓછામાં ઓછા એક ડોઝ 31મી જુલાઈ સુધીમાં લઈ લેવાનો રહેશે અન્યથા 1લી ઓગષ્ટથી તેઓ દુકાન નહી ખોલી શકે અને વેકિસન વિના ધંધો કરનાર વેપારી સામે ધરપકડ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત રાજય સરકાર દ્વારા અગાઉ કરવામા આવી છે. દરમિયાન રાજયમાં વેપારીઓ માટે વેકિસન લેવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આવામાં રાજય સરકાર દ્વારા વધુ એક વખત વેકિસન લેવાની મૂદતમાં એક પખવાડીયાનો વધારો કરવામાં આવે તેવી પ્રબળ શકયતા હાલ વર્તાય રહી છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વ રાજયમાં 100 ટકા નાગરીકો વેકિસનનો પ્રથમ ડોઝ લઈ લે તેવા લક્ષ્યાંક સાથે સરકાર કામગીરી કરી રહી છે. વેપારીઆએ, વ્યાવસાયીક એકમોના સંચાલકો અને સ્ટાફે વેકિસન લેવી ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ વેપારીઓ માટે વેકિસન લેવાની મૂદત 30મી જૂન નિયત કરાય હતી જેમા પ્રથમવાર 10 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. બાદમાં વેકિસનની અછતના કારણે વેપારીઓ માટે વેકિસન લેવાની મૂદત વધારી 31મી જૂલાઈ કરવામાં આવી હતી આવતીકાલે આ મૂદત પૂર્ણ થઈ રહી છે. વેપારીઓને વેકિસન મળી રહે તે માટે ગત રવિવારે પણ વેકિસનેશનની કામગીરી ખાસ વેપારીઓ માટે ચાલૂ રાખવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને પૂરતા પ્રમાણમાં વેકિસનનો જથ્થો ફાળવવામાં આવતો નથી જેના કારણે રાજયમાં વેકિસનેશનની કામગીરી પર અસર પડી રહી છે. હજી 40 ટકા જેટલા વેપારીઓ વેકિસન લેવામાં બાકી છે. વેકિસનેશન સેન્ટરો પર કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા અને રોજેરોજ ધકકા ખાવા છતા તેઓને વેકિસન મળતી નથી આવામાં રસીની રામાયણનાં કારણે રાજય સરકાર દ્વારા વેપારીઓ માટે ફરજીયાત વેકિસન લેવાની મૂદતમાં 15મી ઓગષ્ટ સુધીનો વધારો કરે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. રાજકોટ સહિત રાજયભરમાં રોજબરોજ વેકિસન માટે માથાકૂટ સર્જાય છે. રાજય સરકાર દ્વારા વેપારીઓ માટે વેકિસન લેવાનીમૂદતમાં વધારાની જાહેરાત આજ સાંજ સુધીમાં કે આવતીકાલે કરે તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં 50 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કરાયા સુરક્ષિત વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ગુરુવાર સુધીમાં રાજ્યમાં 50 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, 77 લાખ 57 હજાર 619 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર રાજ્યમાં ગુરુવાર સુધીમાં 4 લાખ 39 હજાર 045 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે તા. 29મી જુલાઇ સુધીમાં 3 કરોડ 26 લાખ 14 હજાર 461 ડોઝ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં તા.29મી જુલાઇ સુધીમાં જે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,66,506 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, 4પથી વધુ વયના 1,20,71,902 તેમજ 18 થી 44 વયજૂથના 1,08,18,434 લોકોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.