Abtak Media Google News
  • વન મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે: સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે: 11,000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે 21 લાખથી વધુ નાગરિકો સહભાગી થશે.
  • સહના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વીડિયો, ટેક્સ્ટ મેસેજ, માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. 10 ઓગસ્ટના રોજ સવારે 10.00 કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે. વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. 10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે. એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ 1990માં ગુજરાતમાં 284 સિંહોની વસ્તી હતી. તે વર્ષ 2020ની ગણતરી મુજબ તે વધીને અંદાજે 674 સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે.

નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ 2016 થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે. વન વિભાગના જણાવ્યા મુજબ 10મી ઓગસ્ટે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે.

જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000 થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે 21 લાખથી વધુની લોકભાગીદારી થશે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવશે. આના સુચારૂ આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, તાલુકા શિક્ષણ અધિકારીઓ તથા તેમના તાબાના બી.આર.સી., સી.આર.સી., એસ.વી.એસ., કયુ.ડી.સી., એમ.આઇ.એસ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કો-ઓર્ડીનેટરની સાસણ ગીર ખાતે ખાસ કાર્યશાળાઓ યોજી કાર્યક્રમ વિશે સમજૂતી અને વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા છે.

એશિયાઇ સિંહ ગુજરાતનું ગૌરવ હોવાથી સિંહ પ્રત્યેના ભાવ સાથે ભૂજ, વ્યારા, નવસારી, ભરૂચ, અમદાવાદ, વડોદરા અને કચ્છ જિલ્લાની એન.જી.ઓ. દ્વારા પણ આ વિસ્તારની શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ભાવનગર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ’સિંહ દિવસ’ નિમિત્તે પીએલઓ, નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા આવતીકાલે સવારે 09.00 કલાકે સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણ રજૂ કરવામાં આવશે. આ ઉજવણી તમામ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વીડિયો, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે ‘ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.