- રેસકોર્સ રિંગ રોડ પર પથરાયેલા રંગોના થરના કારણે વાહન ચાલકોને પરેશાની: સવારથી સ્ટાફને કામે લગાવી દેતાં દંડક મનિષ રાડિયા, હોળીની રાખ ઉપાડવાનું પણ યુદ્વના ધોરણે શરૂ કરાયું
હમેંશા સમય જ બળવાન હોય છે. ક્યારેય વ્યક્તિ બળવાન હોતી નથી. ગઇકાલે ધૂળેટીના પર્વમાં જે રંગોની બોલબાલા હતી તે આજે કચરો બની ગયા છે. શહેરના હાર્દ સમા રેસકોર્ષ રિંગ રોડ પર શહેરભરના રંગ રસીયાઓ ધૂળેટીના પર્વમાં રંગે રમવા માટે ઉમટી પડતાં રિંગ રોડ પર રિતસર રંગોના થર જામી ગયા છે. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. પવનની લહેરખી સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે સવારથી કોર્પોરેશનના શાસક પક્ષના દંડક અને વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઇ રાડીયાએ રેસકોર્ષ રિંગ રોડ પરથી રંગોનો કચરો ઉપાડી લેવાની કામગીરી શરૂ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હોળીની રાખ પણ ઉપાડવાનું આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
ધૂળેટીના દિવસે ગઇકાલે સવારથી રેસકોર્ષ રિંગ રોડ પર મોટી સંખ્યામાં શહેરીજનો રંગે રમવા માટે ઉમટી પડ્યા હતા. એક તબક્કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રેસકોર્ષ સંકુલની અંદર જતાં લોકોને અટકાવી દેવામાં આવતા હતા. રેસકોર્ષ રિંગ રોડ પર રંગોના થર જામી ગયા છે. પવનની સામાન્ય લહેરખીમાં પણ રંગોની ડમરી ઉડીને વાહનચાલકોની આંખમાં પડે છે. જેના કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આજે સવારથી કોર્પોરેશનના દંડક મનિષભાઇ રાડીયાએ સફાઇ કામદારો મારફત રેસકોર્ષ રિંગ રોડની સફાઇ શરૂ કરાવી દીધી છે. અહિં રંગના થર ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે રેસકોર્ષ રિંગ રોડ ઉપરાંત રેસકોર્ષ સંકુલમાં પણ રંગના થર ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, શહેરીજનોએ હજુ બે-ત્રણ દિવસ સુધી રેસકોર્ષ રિંગ રોડ પર રંગોની ડમરી ઉડવાની સમસ્યાનો સામનો કરવો પડશે. એટલી હદે કલર ઉડ્યા છે કે ડામરનો કાળો રંગ અલગ-અલગ રંગોમાં રૂપાંતરિત થઇ ગયો છે.
શહેરમાં હોળીના દિવસે 200થી વધુ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી. હાલ ચોકે-ચોકે હોળીની રાખના ઢગલા પડ્યા છે. જેના કારણે અકસ્માત ન સર્જાય તે માટે આજે સવારથી કોર્પોરેશન દ્વારા હોળીની રાખ ઉપાડવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે દિવસમાં હોળીની રાખ ઉપાડવાની કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. ગઇકાલે જે રંગોની બોલબાલા હતી તે રંગો આજે કચરાના ઢગલા બની ગયા છે. જેના માટે ગઇકાલે પડાપડી થતી હતી તે રંગોના ઢગલાને રોડ પરથી તાકીદે હટાવવા માટે લોકોમાંથી અવાજ ઉઠી રહ્યો છે.