રાજકોટમાં ડાઘીયાઓનો ત્રાસ : ડોગ બાઈટના રોજ 40 થી વધુ કેસ

છેલ્લા એક સપ્તાહમાં 283 લોકોને કૂતરાએ બચકા ભર્યા : તાવ, શરદી-ઉધરસ, ઝાડા ઉલ્ટીનાં 460 કેસો નોંધાયા

શ્ર્વાન ખસીકરણ પાછળ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેનાં ધાર્યા પરિણામો મળતા નથી. શહેરમાં ડાઘીયા કૂતરાઓનો ત્રાસ યથાવત છે. ડોગ બાઈટના રોજ 40 થી વધુ કેસો નોંધાઈ રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન તાવ, શરદી ઉધરસ, ઝાડા ઉલ્ટીના 460 જેટલા કેસ નોંધાયા છે.

આજે આરોગ્ય શાખા દ્વારા રોગચાળા સાપ્તાહીક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગત સપ્તાહે ડેંગ્યુ તાવના 11 કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે ડેંગ્યુનાં કુલ 424 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે ચીકનગુનિયાના 2 અને મેલેરીયાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી, ઉધરસના 223 કેસ, સામાન્ય તાવના 189, ઝાડા ઉલ્ટીનાં 48 કેસ, ડોગ બાઈટના 283 કેસો નોંધાયા છે.

સપ્તાહ દરમ્યાન 18570 ઘરોમાં કોરોનાશક કામગીરી કરવામાં આવી હતી. 3184 ઘરોમાં દવાનો છંટકાવ કરાયો હતો. બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ અને ભંગારના ડેલા સહિત કુલ 852 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતી સબબ 5950નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.