Abtak Media Google News

સાતમ આઠમના તહેવારોમાં જિલ્લાના ફરવા લાયક સ્થળો ઉપર ચિક્કાર માનવમેદની

ગુજરાત સહિત સમગ્ર દેશના લાખો ભાવિકોએ જુનાગઢ અને સોરઠની પરિવાર સાથે મુલાકાત લઈ પ્રકૃતિ અને પરમેશ્વરના દર્શન કરી, ધન્યતા અનુભવાની સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો. જો કે, ભારે હવામાનના કારણે રોપે બંધ રહેતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ હતી અને હોટલો તથા રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ જતા અનેક પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ ખાનગી વાહન ચાલકો અને અમુક ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા વાહન ભાડામાં ભાવ વધારો જીકી દેવાતા પ્રવાસીઓને ના છૂટકે, ના ઈલાજે વધુ ભાડું ચૂકવવા પડ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો સંભળાઈ રહી હતી.

સોરઠનું પાટનગર જુનાગઢ સૌંદર્ય, સંસ્કૃતિ અને સર્વે દેવી-દેવતા, સંત -મહંતોના બેસણા ધરાવતી પાવન પવિત્ર ભૂમિ છે. ત્યારે સાતમ -આઠમની રજા દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢને જોવા, જાણવા, માણવા અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જુનાગઢ શહેરના તમામ રાજમાર્ગો પર સતત પાંચ દિવસ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, રીક્ષા તથા ખાનગી ચાલકો અને ખાણીપીણીના ધંધાર્થીઓને વેપારમાં તડાકો પડી જવા પામ્યો હતો.

જો કે, ખરાબ વાતાવરણના કારણે ઉષા બ્રેકો કંપની દ્વારા તા. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ એટલે કે ગઈકાલે રવિવાર સુધી રોપવે બંધ રાખવામાં આવ્યો હતો. જેને લઈને રોપવે દ્વારા ગિરનારની સફર કરવા આવેલા અને પ્રવાસીઓમાં નારાજગી વરતી હતી. જો કે ઉષા બ્રેકો કંપનીના હેડ દિપક કલ્પીશે જણાવ્યું હતું કે, આવક કરતા અમારા માટે પ્રવાસીઓની સુરક્ષા વધુ મહત્વની હોવાના કારણે રોપવે બંધ રાખ્યો હતો.

જ્યારે સાતમ આઠમના તહેવાર નિમિત્તે જુનાગઢના સક્કરબાગ ઝૂમાં તા. 18 થી 21 એમ ચાર દિવસો દરમિયાન 48,571 બાળકો, સિનિયર સિટીઝન, મહિલાઓ અને યુવક સહિતના પ્રવાસી ઓએ મુલાકાત લીધી હતી. જેના કારણે 4 દિવસ સુધી સકરબાગમાં હૈયે હૈયું દળાય તેવી પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી હતી.

આ સાથે જુનાગઢ જિલ્લાના પવિત્ર ધામ એવા સતાધાર, પરબ ધામ, ખોરાસા વેંકટેશધામ, મઢડા, માણેકવાડા ના માલબપા મંદિર સહીતના ધાર્મિક સ્થાનો તેમજ સિંહના નિવાસ્થાન એવા સાસણ ખાતે પણ હજારોની સંખ્યામાં ગુજરાત ભરના પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, અને સોરઠની પ્રકૃતિ સાથે દેવી-દેવતાઓના દર્શન કર્યા હતા.

એસ.ટી.ને 1.86 કરોડની આવક

દરમિયાન એસ.ટી વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, સાતમ -આઠમના પર્વ દરમિયાન જુનાગઢ વિભાગીય એસટીને 4 દિવસમાં રૂ. 1.86 કરોડની આવક થવા પામી હતી. એસટીના ડિવિઝનના ટ્રાફિક ઓફિસર રજની પીલવાઈકરના જણાવ્યા અનુસાર, રાંધણ છઠ્ઠથી નોમના દિવસ એટલે કે ચાર દિવસ દરમિયાન 42,809  મુસાફરોએ એસટી દ્વારા મુસાફરી કરી હતી અને જેને લઈને એસટીને 1,86,30,926 ની આવક ઊભી થવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.