- લઘુભારતી આયોજીત ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના પ્રથમ દિવસે 10,000 લોકોએ લીધી મુલાકાત: રેલવે વિભાગ દ્વારા સ્થાનિક ઉદ્યોગપતિ સાથે કાલે વેન્ડર મિટીંગ
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત ચાર દિવસના ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-2025નો મંત્રીઓ, લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત તથા રાષ્ટ્રીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. પહેલાં જ દિવસે દસ હજાર જેટલાં મુલાકાતીઓ પધાર્યા હતા અને સરકારી તંત્ર સાથે ધંધો કરવા જરૂરી એવુ જેમ (ગવર્મેન્ટ ઈમાર્કેટ)માં બસો જેટલાં વેપારીઓએ વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આગામી બુધવાર સુધી ચાલનારએ એક્સ્પો વેપાર કુંભ સમાન હોવાનું અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને અનેક રીતે લાભદાયી બની રહેશે. એવી લાગણી ઉદ્યોગપતિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને એક્સ્પોના ચેરમેન ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.
ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીલ ફેર-2025ના આજ પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં પધારેલાં કેન્દ્રના મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યુ હતું કે આજથી અહીં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ માટે ઔદ્યોગીક મેળો શરૂ થયો છે ત્યારે કેન્દ્ર સરકારના બજેટમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે અનેક લાભાદાયી જોગવાઈઓ કરવામાં આવી છે. તેનો લાભ લઈ બધા ઉદ્યોગો વિકાસ પામે એ જરૂરી છે. તેમણે સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહોને ખાસ સરકારી યોજનાઓના લાભ લેવા અને આવા મેળામા માધ્યમથી પોતાના ધંધા સાથે દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
એકસ્પોના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના આયોજનો થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે ઓળખ અપાવી છે. છેલ્લાં વાઈબ્રન્ટ ગુજરાતના કારણે રાજ્યમાં 98 હજારથી વધુ એમ.ઓ.યુ. થકી 45 લાખ કરોડનું રોકાણ આવ્યુ છે. તેમણે વર્તમાન બજેટમાં કરવામાં આવેલ વિવિધ જોગવાઈઓ અને સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આપણા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રના ઉદ્યોગ ગૃહો વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરશે. એવી આશા વ્યક્ત કરી હતી.
લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્રજીએ જણાવ્યું હતું કે, આ એકસ્પો દરમિયાન જે તે પ્રોડકટના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને ગુણવત્તા સારી બને, ટેકનોલોજીના ઉપયોગ અને ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુટ વગેરે મુદા પર વિસ્તૃત ચર્ચા થશે. આયાત ઘટે અને નિકાસ કેમ વધી શકે એ બાબત પર ભાર મુકવામાં આવશે. તેમણે ઉદ્યમી મહિલાઓને પ્રોત્સાહન મળે એ રીતે ઉદ્યોગકારો એક બીજાના સહકારથી આગળ વધે અને દેશની આયાત શક્ય એટલી ઓછી થાય એવા પ્રયાસો કરવા સુચન હતું.
ચેરમેન ગણેશભાઈ ઠુંમરે જણાવ્યુ હતું કે લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ આયોજીત આ એક્સ્પો આગામી તા.5 ફેબ્રુઆરી સુધી રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે. પ્રથમ દિવસે દસ હજાર જેટલાં મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. વોટર પ્રુફ અને ફાયર પ્રુફ એવા આઠ ડોમમાં 250 જેટલાં ખાનગી ઉદ્યોગ ગૃહોના સ્ટોલ સહિત 350થી વધુ સ્ટોલ છે. ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લઈ રહ્યા હોય તેના માટે ત્રણ હજાર મીટરનો અલાયદો ડોમ છે. સરકાર સાથે ધંધો કરવા જરૂરી એવા જેમ (ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ) દ્વારા વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે છે. જેનો લાભ લઈ આજે બસો જેટલાં વેપારીઓએ પોતાના રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને હજુ આગામી બુધવાર સુધી એક્સ્પોમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન થઈ શકશે. તેમના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે દ્વારા આવતીકાલ સવારે 10.30 વાગ્યે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે ખાસ મીટીંગ રાખવામાં આવી છે. જેમાં રેલવેની જરૂરીયાતો અને તેને માલ સપ્લાયને લગતી વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, ગુજરાતના કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદજી, આર.એસ.એસ.ના પશ્ર્ચીમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેશીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક આર. સુંદરમજી, વેસ્ટર્ન રેલવેના ચીફ વર્કશોપ એન્જીનિયર મનિષ પ્રધાન, વેસ્ટન રેલવે-રાજકોટના એ.ડી.આર. એમ. કૌશલકુમાર ચોબેજી, જેમ (ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ) ના એડીશ્નલ સી.ઈ.ઓ. અજીત ચૌહાણ, લઘુ ઉદ્યોગ ભારતીના અખીલ ભારતીય મહામંત્રી ઓમપ્રકાશ ગુપ્તા, અખિલ ભારતીય મહિલા મહામંત્રી શ્રીમતિ અંજુજી બજાજ, પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. મહાનુભાવોએ એક્સ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપ્યુ હતું.
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેના તમામ વિભાગ ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે આ એક્સ્પોમાં ભાગ લે છે ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો એકસ્પોની મુલાકાત લઈ શક્ય એટલો વધુ લાભ લે અને રેલવેની વિવિધ જરૂરીયાતની આઈટમોના ઉત્પાદન ક્ષેત્રે આગળ વધે એ જરૂરી છે. આપણા ઉદ્યોગ ગૃહો સારી કવોલીટી સાથે વ્યાજબી કિંમતે તમામ માલ સપ્લાય કરવા સક્ષમ છે. ફક્ત તેને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની અને એ માટે અમોએ આ પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે. હવે આપણા સ્થાનીક ઉદ્યોગ ગૃહોની જવાબદારી છે કે તેઓ આગળ આવે અને મળેલી તક ઝડપી લઈ પોતાના ધંધાના વિકાસ સાથે દેશના વિકાસમાં યોગદાન આપે.
આઈ.આઈ.એફ.-2025ના આયોજન માટે લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા, ચેરમેન ગણેશભાઈ ઠુંમર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના મહામંત્રી જયભાઈ માવાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે.
પહેલી વખત ઇન્ડિયન રેલવે લઘુ ઉદ્યોગ ફેરમાં જોડાયો: સિનિયર પીઆરઓ સુનિલ સિંગ
અબતક સાથેની વાતચીતમાં રેલવે વિભાગના સિનિયર પી.આર.ઓ સુનીલ સિંગએ જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગનો ઇન્ડસ્ટ્રીયલ ફેરનું છઠ્ઠી વખત આયોજન કરવામાં આવ્યું છે. પહેલીવાર ઇન્ડિયન રેલવે લઘુ ઉદ્યોગ ફેરમાં ભાગ લીધો છે. લઘુ ઉદ્યોગના ફેરમાં જોડાવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ અને એમ એસ એમ ઈ સાથે જોડાઈ અને તે પણ ભારતીય રેલવેની જરૂરિયાતને સમજી શકે. લઘુ ઉદ્યોગ ફેરમાં ભારતીય રેલવેના પવેલિયન છે જેમાં કુલ 18 સ્ટોર કરવામાં આવ્યા છે. ભારતીય રેલવેના ભારતમાં જે યુનિટ ફેલાયેલા છે. જેમાંથી ચેન્નઈમાં યુનિટ આવેલ છે તે વંદે ભારત ટ્રેન બનાવે છે. એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ અહીં જ છે. ઘણી વસ્તુઓ વેન્ડર્સ પાસેથી લેતા હોય છે જેમાં હેન્ડલ, ગ્લાસ, મિરર વગેરે જેવી અનેક વસ્તુઓ છે. મેન્યુફેક્ચર્સ ભારતીય રેલવેની સ્ટાન્ડર્ડ મુજબની પ્રોડક્ટ બનાવી શકે અને ભારતીય રેલવે ને સપ્લાય કરી શકે. રાજકોટ એક મેન્યુફેક્ચરિંગ છે જેમાં મેટલ વર્કસ વધુ થાય છે. રાજકોટમાં ઘણા પાર્ટ્સ પણ બનાવે છે જે ભારતભરમાં સપ્લાય કરવામાં આવે છે. રેલવેની ઇન્ડસ્ટ્રીઝ પેસિફિક પાર્ટ્સ ની જરૂરિયાત હોય છે જે લોકો ભારતીય રેલવે સાથે જોડાવા માંગતા હોય તેને અહીં પૂરતું નોલેજ આપવામાં આવે છે. તેનાથી ભારતીય રેલવે ને નવા મેન્યુફેક્ચર્સ અને કોમ્પિટિશન મળશે. ભારતીય રેલવેને વધુમાં વધુ સારા પાર્ટ્સ મળી શકશે.
દેશનું આયાત ભારણ ઘટાડવું એજ લઘુ ભારતીનું મુખ્ય લક્ષ્ય: હંસરાજ ગજેરા
અબતક સાથેની વાતચીતમાં હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ઉદ્યોગકારોની ખૂબ જ સારી કાબિલિયત છે. ઉદ્યોગકારો ગવર્મેન્ટની ખરીદી થતી હોય છે તેનાથી અવેર થાય. રેલવે,ડિફેન્સ, સીપીગ આ બધાની સાથે આપણા ઉદ્યોગકારો જોડાયેલા નથી. ભારતમાંથી રેલવેના તમામ યુનિટ અહીં આવેલા છે. ઉદ્યોગકારો અને રેલવેનું જોડાણ થાય તેવા અમારા પ્રયાસ છે. બજેટમાં સરકારે અઢી લાખ કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. રેલવે ક્ષેત્રે ઘણી બધી ક્રાંતિઓ આવેલ છે. એક્સપોમાં 300 જેટલી કંપનીઓ જોડાયેલી છે. એક અબજ કરોડથી વધુનું ઈમ્પોર્ટ ચાઇનાનું થાય છે તેને કઈ રીતે રોકવું તેવો લઘુ ઉદ્યોગ ભારતીનો પ્રયાસ છે. 500 થી વધુ આયાત થતી વસ્તુઓ અહીં રાખવામાં આવી છે. લઘુ ઉદ્યોગકારોને ખૂબ જ ફાયદો થાય તેવો પ્રયાસ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ત્રણ લાખથી પણ વધુ લઘુ ઉદ્યોગો છે.ભારતમાં પ્રથમ વાર 3000 મીટરમાં ભારતીય રેલવેના બધા જ યુનિટો અહીં લાવવામાં આવ્યા છે.