- ખોડીયાર કોલોનીમાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો: 10 તોલા સોનું 1.15 લાખની રોકડ ઉઠાવી ગયા
- મકાન માલિક ભાણેજના લગ્નમાં ગઢડા ગામે ગયા હતા, દરમિયાન પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લીધું
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં આવેલા એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી 10 તોલા સોનું અને 1.15 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા નું જાણવા મળી રહ્યું છે. મકાન માલિક ભાણેજ ના લગ્નમાં બહારગામ ગયા હતા, પાછળથી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલ ચૌહાણ કે જેઓ ગત 16મી તારીખે પોતાના મકાનને તાળું મારીને ગઢડા ગામે પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાંથી તેઓ પરત ફર્યા, ત્યારે તેઓના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને રૂમમાં રહેલા કબાટના લોક તોડી તિજોરી વગેરે માંથી આશરે 10 તોલા સોનું જેમાં સોનાનું બિસ્કીટ, પેન્ડલ,બંગડી, વીટી, હાર સહિતના ઘરેણા ઉપરાંત રૂપિયા એક લાખ પંદર હજારની રોકડ રકમ સહિતની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
મકાનમાલિક દ્વારા આ મામલે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કરવામાં આવ્યો છે, અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તસ્કરો અને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ દોડધામ શરૂ કરાઈ છે.
અહેવાલ : સાગર સંઘાણી