Abtak Media Google News

જામનગર ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે મીઠોઈ ગામના પાટિયા પાસે મોટરકાર અકસ્માતમાં કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મૃત્યુ

ગાંધીનગર ખાતે આજે યોજાયેલ સ્વચ્છતા અભિયાન સંદર્ભે કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ કાર મારફતે જઈ રહ્યા હતા. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ સિંગરખીયા સહિતના કર્મચારીઓ આજે વહેલી સવારે બલેનો મારફતે ગાંધીનગર જવા નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા – જામનગર હાઈવે પરથી આશરે પંદર કિલોમીટર દૂર મીઠોઈ ગામના પાટિયા પાસે કંપની નજીકના ડાઈવર્ઝન નજીક સીંગલ રસ્તો હોવાથી સામેથી આવી રહેલી એક અર્ટીગા કાર સાથે આ બલેનોની ટક્કર થઈ હતી. જેમાં બેઠેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં કારમાં ફસાયેલા નીતિનભાઈ કાગડીયાનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને વધુ સારવાર અર્થે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ સિંગરખીયાનું પણ અવસાન થયું હતું.

આ અકસ્માત બાદ તેની પાછળ આવી રહેલી એક ટાવેરા પણ ટકરાઈ હતી. જેમાં મહિલાઓ સહિત પાંચેકને નાની-મોટી ઇજા થઇ હતી. આ મુસાફરોને પણ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આ માર્ગ પરથી પસાર થયેલા ખંભાળિયા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢાએ ઘવાયેલાઓને જરૂરી સારવાર આપવા માટે જરૂરી મદદ કરી, ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પાલિકાના સીનીયર કલાર્ક જે.બી. ડગરા દ્વારા કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગર પહોંચાડવામાં આવ્યા હતા. આ બાબત રાવલ નગરપાલિકા સ્ટાફને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ બનાવની કરૂણતા તો એ હતી કે બંને મૃતક યુવાનો નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા. અને ગાંધીનગર ખાતે મીટીંગ હોવાથી નીકળેલા આ કર્મચારીઓની અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ બનાવની જાણ થતા રાવલ નગરપાલિકાના રાકેશભાઈ થાનકી તથા અન્ય કર્મચારીઓ મૃતદેહને વતન લઈ જવા માટે ખંભાળિયા તથા જામનગર પહોંચ્યા હતા. આ બનાવે રાવલ નગરપાલિકા સ્ટાફ સાથે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.