Abtak Media Google News
  • અકસ્માત સર્જાતા આગ ફાટી નીકળી: આશરે 20થી વધુ ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને મફત સારવાર તેમજ મૃતકોના પરિજનોને રૂ.5-5 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાસિકમાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત થયો જેમાં 12 લોકોના દર્દનાક મોત થયા. યવતમાલથી મુંબઈ જઈ રહેલી બસ વહેલી સવારે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. ભર ઊંઘમાં સૂઈ રહેલા મુસાફરો જીવતા આગમાં ભૂંજાઈ ગયાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં ગોઝારો અકસ્માત થયો છે. એક બસ આગની ભીષણ જ્વાળાઓમાં લપેટાઈ જતા 12 લોકો જીવતા ભૂંજાયા છે.આ અકસ્માતમાં આશરે 20 લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગ પર ખુબ જદ્દોજહેમત બાદ કાબૂ મેળવી લેવાયો છે. આગ લાગવાના કારણની હજુ જાણકારી મળી શકી નથી.

મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની આ બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ બસ ઔરંગાબાદના કૈલાશનગર વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. આ કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે.

એવું કહેવાઈ રહ્યું છે કે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાના કારણે મૃતદેહોને સિટી બસમાં રાખવા પડ્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ ભેગી થઈ અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ બની ગયો હતો. પોલીસની ટીમો અકસ્માતના કારણની ભાળ મેળવી રહી છે. જો કે હજુ સુધી કઈ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બસમાં આખરે આગ લાગી કેવી રીતે? ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુ:ખ જતાવ્યું છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ ઘાયલોની મફત સારવાર કરાવવાની પણ વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.