ત્રંબાને શૈક્ષણિક હબ બનાવાશે: ભુપત બોદર

જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક પર ભાજપનાઉમેદવાર ભુપતભાઇ બોદરનો 5611 મતથી ઝળહળતો વિજય ભવ્ય વિજય સરઘસ નીકળ્યું: કાર્યકરોમાં હરખની હેલી

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો જાદુ ચાલી જતા 26 બેઠકો ઉપર કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કસ્તુરબાધામ બેઠક ઉપરથી પણ કોંગ્રેસે હાથ ધોવાનો વારો આવ્યો છે. આ બેઠક ઉપર લોકપ્રિય એવા ભાજપના ઉમેદવાર ભુપતભાઇ બોદરનો ભવ્ય વિજય થયો છે. તેઓએ જંગી લીડથી વિજય હાંસલ કરતા ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકરોમાં પણ હરખની હેલી છવાઈ હતી.

કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભુપતભાઇ બોદરનો ભવ્ય વિજય થયો છે. સામે રહેલા કોંગ્રેસના પંકજભાઈ લાલજીભાઈ નસીત નામના ઉમેદવારને 5377 મત મળ્યા હતા. જ્યારે ભુપતભાઇને 10,988 મત મળતા 5611ની જંગી લીડથી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. આ વેળાએ ભુપતભાઈ બોદરે જણાવ્યું કે તેઓ ગ્રામજનોના પ્રશ્નો ઉપર પૂરતું ધ્યાન આપી તેને વાચા આપશે. સરકાર  દ્વારા મળતી લાખો અને કરોડોની ગ્રાન્ટથી હવે કસ્તુરબાધામનો પુરજોશમાં વિકાસ થશે. વધુમાં તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાંચ લાખ લોકો રોજી મેળવે છે. તેમ અહીં પણ વધુ સંખ્યામાં લોકોને રોજી મળે તે માટે ફિલ્મ સ્ટુડિયો સ્થાપવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.

અંતમાં તેઓએ જણાવ્યું કે ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે તેઓના વિસ્તારને શૈક્ષણિક હબ બનાવવા માટે પૂરતા પ્રયાસો પણ કરવામાં આવશે.