Abtak Media Google News

અદાલતમાં ટીપ્પણી થઈ હોય તેવા સમાચારો પ્રસિધ્ધ કરી શકાય

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પરિપક્વ લોકશાહીના ચાર સ્થંભોમાં ચૂંટાયેલી સરકાર, વહીવટી તંત્ર, સૈન્ય અને અખબારી આલમના ચાર સ્થંભમાં સમાચાર માધ્યમોને ચોથા સ્થંભનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે પરિપક્વ, સંતુલીત અને મજબૂત લોકતંત્ર માટે આ ચારેય સ્થંભ સ્વાયત રીતે કાર્ય કરવા જેમ બને તેમ વધુ સક્ષમ હોય તેમ લોકતંત્ર વધુ સુદ્રઢ બને છે. માધ્યમોની સ્વાયતતા પણ લોકતંત્ર માટે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચ અંગે કરેલી ટીપ્પણીમાં કહ્યું હતું કે, ચૂંટણીના કાર્યક્રમો બાદ કોરોના વાયરાથી મૃત્યુ પામેલા લોકોની જવાબદારી ચૂંટણીપંચની હોવી જોઈએ અને તેમના પર હત્યાનો મુકદમો દાખલ કરવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણી અંગે ચૂંટણીપંચ નારાજ થયું હતું અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

પંચે એવી દાદ માગી હતી કે, અદાલતની ટીપ્પણીઓને સમાચારો બનાવનાર માધ્યમો પર નિયંત્રણ હોવું જોઈએ. તેની સામે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સમાચાર માધ્યમો લોકશાહીનું ચોથુ સ્થંભ છે અને તે સમાચારો માટે સ્વાયત છે. 1950માં જ્યારે આંગળીને વેઢે ગણાય તેટલા અખબારો હતા ત્યારે આચારસંહિતા બની હતી. આજે આ સંખ્યા વધી છે. સાથે સાથે ઈલેકટ્રોનિક મીડિયા પણ જોડાયું છે ત્યારે સમાચાર માધ્યમની સ્વાયતતાની જાળવણી થવી જોઈએ. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એમ.વાય.શાહની ખંડપીઠે જણાવ્યું હતું કે, અમે કોર્ટની ટીપ્પણીઓના સમાચાર બનાવતા માધ્યમોને રોકી ન શકીએ. આ બંધારણીય અધિકાર છે. પરંતુ માધ્યમોએ પોતાની આચાર સંહિતા જાળવવી જોઈએ તેમ કહી સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની માધ્યમો ઉપર ટીપ્પણી અંગેના નિયંત્રણની માંગ ખારીજ કરી દીધી હતી.

ચૂંટણીપંચ વતી ધારાશાસ્ત્રી રાકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે ધારાશાસ્ત્રી તરીકે ન્યાયમૂર્તિઓ દ્વારા કરવામાં આવતી ટીપ્પણીને આવકારીએ છીએ અને માધ્યમોને તે પ્રસિધ્ધ કરવાની ના પણ ન પાડી શકીએ પરંતુ તેની રજૂઆત યોગ્ય હોવી જોઈએ. તેની સામે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, અદાલતની ટીપ્પણી સમાજને દર્પણ બતાવવા માટે હોય છે. અમે માધ્યમોને તે પ્રસિધ્ધ કરતી રોકી ન શકીએ. ચૂંટણીપંચને મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની મહામારીમાં ચૂંટણી યોજી અને વાયરો વકરવાના મુદ્દે જવાબદાર ઠેરવી ટીપ્પણી કરી હતી કે, આવા બનાવમાં પંચને જવાબદાર ઠેરવીને હત્યાનો ગુનો નોંધવો જોઈએ.

સહાનુભૂતિ ખરી પણ ‘ડોન્ટ ટચ મી’નું વલણ અસ્વીકાર્ય

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચ અંગે કરેલી ટીપ્પણીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોરોનાની બીજી લહેર વકરવામાં પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈનનું પાલન ન થવાથી મહામારીમાં વિસ્ફોટ થયો હતો અને અનેકના મોત નિપજયાના બનાવમાં દાખલ થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં મદ્રાસ હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે, ચૂંટણીપંચ સામે હત્યાની કલમ લગાવવી જોઈએ.

પંચે આ અંગે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા આ બનાવ અંગે ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એમ.આર.શાહે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે જરૂરી છે. અમે ચૂંટણીપંચની દુભાયેલી લાગણી સમજીએ છીએ પણ હાઈકોર્ટ અને ન્યાયતંત્રની કામગીરીનું રક્ષણ થવું જોઈએ. ચૂંટણીપંચ સાથે સહાનુભૂતિ છે પરંતુ પંચનું ‘ડોન્ટ ટચ મી’નું વલણ યોગ્ય ન ગણાય. પંચ પણ બંધારણીય સંસ્થા છે તેના કાર્યમાં કોઈ વિક્ષેપ જ કરી શકે તેવું વલણ યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.