પ્રકૃતિક સોંદર્યનો ખજાનો ગુજરાતનું ગોવા એટ્લે દ્વારકાનું શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ

ઓખામંડળ એટલે ભગવાન શ્રી કૃષ્ણ-દ્વારકાધીશના પોતાના જ આભામંડળ માંથી રચાયેલો ભૂ મંડળનો ભાગ ગુજરાતને પ્રાપ્ત ૧૬૦૦ કિલોમીટરના સાગર તટમાં દ્વારકા અને તેની આસપાસના ટાપુઓ અને કિનારાઓ આમ જુઓ તો પ્રાકૃતિક સૌંદર્યની ખાણ  જ છે, કારણકે સમુદ્રની અંદર વૈવિધ્યસભર જીવસૃષ્ટિ અને સુંદર તટીય વિસ્તાર આકર્ષણ જગાવે છે. શિવરાજપુર બીચ કે જેણે બ્લુ ફલેગ બીચનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે તેનું કારણ જ સ્વચ્છ નિર્મળ દરિયાનું પાણી, શ્વેત ધવલ બારીક રેતી અને પારદર્શક છિછરો કિનારો ઉપરાંત મધ્યમાં ઊંડાણ ધરાવતો દરિયા કિનારો. વૈવિધ્યતા પૂર્ણ સમૂદ્રી જીવસૃષ્ટિ તો એવી કે જાણે પવિત્ર દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગયા પછી તેનાં રત્નો એ ફેલાઈને જાણે આ જીવસૃષ્ટિનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય! બ્લુ ફ્લેગ બીચનું બહુમાન મળ્યા પછી શિવરાજપુર બીચ પર તમામ વર્ગનાં લોકો અને વિદેશીઓ જેની પાછળ દિવાના થયા છે એવી બધી જ વિશેષતા ધરાવે છે. ખાસ કરીને મહિલા સાહસિકો અને સંશોધનકર્તાઓ પણ આ તટીય વિસ્તાર પર આફરીન છે.

પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનું નંબર વન સ્થળ છે. મંગેતરને સરપ્રાઈઝ ગિફ્ટમાં શિવરાજપુર ફરવા લઈ જાઓ તો યાદગાર સાબિત થાય. નવપરિણીત યુગલ થી માંડીને સિનિયર સિટીઝન પણ અહીં મન ભરીને પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માણી શકે! હાથમાં હાથ નાખીને લટાર મારી શકે કે પછી દોડીને પણ રોમાંચિત થઈ શકે! છબ છબીયાથી માંડીને ડૂબકી મારીને તળિયા સુધી જઈ આવવાની સુવિધા તેમજ ટેન્ટમાં રહેવાની જમવાની અને જીવનનાં સૌથી યાદગાર દિવસો વિતાવવાની ઈચ્છા અહીં પૂરી કર્યા પછી આ સંસ્મરણો જીવનનું સંભારણું બની જાય તેમ ચોકસ કહી શકાય! શિવરાજપુર દરિયાકિનારાની અંદરની જીવસૃષ્ટિ દુનિયાની સૌથી મોટી પરવાળાની ખીણ “ગ્રેટ બેરિયર રીફ જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે તેની યાદ અપાવે છે. આપણો દેશ યુવાઓનો દેશ છે યુવાનો હાલ પ્રાણીશાસ્ત્ર, જંગલ સફારી, પર્યાવરણ રક્ષા અને સમૂદ્રી જીવસૃષ્ટી (મરીન લાઈફ) જેવા વિષયો પ્રત્યે જાગૃત બન્યા છે. તેઓને આ દરિયા કિનારો જરૂર લલચાવે છે. બ્લુ ફ્લેગનાં બહુમાન પછી વધતી જતી સુવિધાઓ એ સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા છે. કિનારા પર થતી દરિયાઈ વેલ જે ગાંડી વેલ તરીકે ઓળખાય છે તે કિનારાની રેતીને વધુ સુશોભિત કરે છે. પૂનમના ચંદ્ર ઉદય અને ચાંદની રાતનાં દ્રશ્યો શરદ ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ટુંકમાં તહેવાર, રજા કે કોઈ ખાસ પ્રસંગને યાદગાર બનાવીને માણવો હોય તો લોકો આ શિવરાજપુર બીચ પર આવવાનું પસંદ કરે છે. ખુબ જ ટુંકાગાળામાં વિકાસ પામતું આ બીચ હજુ પણ  નવી ઉંચાઈ એ પહોંચવા થનગની રહ્યુ છે!

શિવરાજપુર બ્લુ ફલેગ બીચની વિશિષ્ટતા

  • દરિયાનું સ્વચ્છ પાણી અને અતિ સ્વચ્છ કિનારો
  • વિવિધતા સભર દરિયાઈ જીવ સૃષ્ટિ
  • સૂર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યો જે કવિઓ, યુગલો, તસ્વીરકારો અને ચિત્રકારો માટે તેમજ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
  • ગોતા ખોરી એટલે કે સ્કુબા ડાઈવિંગની અનુકૂળતા
  • દરિયાઈ જીવસૃષ્ટિના ચાહકો સંશોધકો તેમજ યુવાન સાહસિકોને આકર્ષે એવી તમામ અનુકૂળતાઓ