Abtak Media Google News

અગાઉ રૂા.1250માં ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવતી હતી, હવે આ ભાવે વૃક્ષ વાવી તેનું ત્રણ વર્ષ સુધી જતન કરવાનો કોન્ટ્રાકટ સદ્ભાવના વૃદ્ધાશ્રમને અપાશે

ચોમાસાની સીઝનમાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવા માટે દર વર્ષે કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવતી હતી અને તેનું પર્યાવરણ પ્રેમીમાં વિતરણ કરવામાં આવતું હતું પરંતુ ધાર્યા પરિણામ મળતા ન હતા.

હવે ટ્રી-ગાર્ડ ખરીદવાને બદલે સીધો જ વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાકટ આપવા માટે મેયર ડો.પ્રદિપ ડવે જે વિચાર રજૂ કર્યો હતો તેને સફળતા સાંપડી છે. અગાઉ જે ભાવે ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવતી હતી હવે એ ભાવે વૃક્ષારોપણનો કોન્ટ્રાકટ આપવામાં આવશે.

જેમાં સંસ્થા દ્વારા માત્ર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે.

આ અંગે વધુમાં મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવે છે. લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરોના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સીઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનો વિચાર રજુ ર્ક્યો.

આ વિચારને શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે આવકાર્યા હતા. જેથી ચાલુ વર્ષે ગો-ગ્રીન યોજના અમલમાં મૂકી વૃક્ષારોપણ માટે સંબંધક વિભાગ દ્વારા નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સીઓના ભાવ આવ્યા હતા. બંને એજન્સી પૈકી માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃધ્ધાશ્રમ)ના લોએસ્ટ ભાવ આવ્યો હતો.

ટેન્ડરમાં બે પ્રકારની યોજનાની કામગીરી માટે ભાવ મંગાવવામાં આવેલ હતા. પ્રથમ યોજનામાં એજન્સી દ્વારા ખાડા-ખોદાણ, માટી, ખાતર, વૃક્ષારોપણ અને ટ્રી-ગાર્ડ સહિત લોએસ્ટ એજન્સીના પ્રતિ વૃક્ષ દીઠ રૂ.650/- તેમજ બીજી યોજનામાં ખાડા, માટી, ખાતર, વૃક્ષારોપણ વાવેતર પાણી અને ત્રણ વર્ષ નિભાવવાની જવાબદારી સાથે પ્રતિ વૃક્ષ દીઠ રૂ.1250/- આવ્યા છે.

બંને યોજના માટે શહેરના મુખ્ય માર્ગો સોસાયટીની શેરીઓ, કોમન પ્લોટ, સ્કુલના પટાંગણ કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં વિગેરે જગ્યાઓ પર ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણ બચાવવા તેમજ શહેર હરિયાળું બંને તે માટે મહાનગરપાલિકા કટીબદ્ધ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવેલ રામવન (અર્બન ફોરેસ્ટ)માં પણ 70 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.

બીજી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન પ્રસંગે વાગુદળ રોડ ખાતે મિયાવાંકી ફોરેસ્ટ અર્પણવિધિ પ્રસંગે તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ ફોરેસ્ટમાં 23725 વૃક્ષોનું વાવતેર પણ કરવામાં આવેલ છે-. હજુ પણ ખરાબાની જગ્યાઓ પર વધુ ને વધુ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને આવા ફોરેસ્ટ ઉભા થાય તેવું આયોજન હાથ ધરશે અને ચાલુ વર્ષે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવો નિર્ધાર કરેલ છે. પર્યાવરણની જતન થાય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કાર્બનમાં ઘટાડો થાય તેવો ઉદેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.