Abtak Media Google News

વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિતના આગેવાનોએ શોક સંદેશ પાઠવ્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદભાઈ પટેલના નિધન પછી દરેક રાજ્યના કોંગ્રેસ હેડ ક્વાર્ટરને પાર્ટી કાર્યાલય પર ૩ દિવસ સુધી ધ્વજ અડધી કાઠીએ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દેશના નેતાઓ અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ , બરોડા , સુરત સહિતના શહેરોમાં કોંગ્રેસની સાથે સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવ્યા છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા.

સોનિયા ગાંધીએ શોક સંદેશામાં જણાવ્યું હતું કે, મેં એવા સહયોગીને ગુમાવી દીધા છે, જેમણે તેમનું આખું જીવન કોંગ્રેસને સમર્પિત કરી દીધું છે. તેમની વિશ્વસનીયતા, કામ પ્રત્યે સમર્પણ, બીજાને મદદ કરવાનો ગુણ તેમને અન્ય લોકો કરતાં અલગ બનાવે છે.

મૃદુ સ્વભાવ, હસતો ચહેરો અને રાજકારણના અજાતશત્રુ એટલે અહેમદભાઈ પટેલની ખોટ કદી પુરી નહીં શકાય: અશોકભાઈ ડાંગર

Vlcsnap 2020 11 25 13H07M02S101

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે કહ્યું હતું કે, અહેમદભાઈને જો ટૂંકમાં વર્ણવા હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે, મૃદુ સ્વભાવ, હંસતો ચહેરો અને રાજકારણમાં અજાતશત્રુ એટલે અહેમદભાઈ પટેલ. તેઓ બે વાર લોકસભામાં ચૂંટાયા, આશરે ૭ વાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પરંતુ ક્યારેય તેઓ સતાની દોડમાં શામેલ થયા નહીં. જો અહેમદભાઈએ એકવાર પણ મંત્રીપદની માંગણી કરી હતી તો કોઈ તેમને ના પાડી શકે તેમ ન હતું પરંતુ આજ સુધી ક્યારેય તેમણે સતાની લાલશા સહેજ માત્ર પણ બતાવી નહીં. કોંગ્રેસમાં આજે ખૂબ જ ઓછા નેતાઓ છે જેમને અજાતશત્રુ કહી શકાય તે પૈકી એક અહેમદભાઈ પટેલ હતા. ભાજપ હોય કે, બસપા, એઆઇડીએમકે, સપા કે અન્ય કોઈ પક્ષના નેતા હોય તમામ સાથે તેઓ તંદુરસ્ત સબંધ ધરાવતા હતા. મારા અને અહેમદભાઈના સંબંધબી શરૂઆત વર્ષ ૧૯૮૬માં થઈ હતી. તે સમયે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા અને હું દાદાની આગેવાનીમાં કાર્યરત હતો. તે જ સમયે મને નગરસેવકની ચૂંટણીમાં પ્રથમવાર ટીકીટ આપવામાં આવી હતી અને ત્યારથી જ અહેમદભાઈ મને નામ જોગ ઓળખતા થયા હતા. તે બાદ તો અવાર નવાર એક અથવા બીજા કારણોસર મળવાનું થતું અને જેટલી વાર હું તેમને મળ્યો દર વખતે સંબંધ વધુ ગાઢ બન્યો. છેલ્લી વાર હું તેમને દિલ્હી ખાતે મળ્યો હતો. મેં જ્યાં સુધી અહેમદભાઈને જાણ્યા છે તેના આધારે હું કહી શકું કે, નાનામાં નાની વ્યક્તિને સરળતાથી મળવું, સહજતાથી સાંભળવા અને મુસ્કુરાહટ સાથે જવાબ આપવો તેમની પ્રકૃતિ હતી. અહેમદભાઈની ખોટ પુરી શકાય નહીં. હું ઈશ્વરને તેમની દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.

રાજકીય જીવનની આગવી છાપ છોડનાર અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવતા સીઆર પાટીલ

Srd

કોંગ્રેસના સિનિયર નેતા અને રાજયસભાના સાંસદ અહેમદભાઈ પટેલના થયેલા નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, સફળ રાજનેતા, મૃદુભાષી, વિનમ્ર વ્યક્તિત્વ, પોતાના રાજકીય જીવનની એક આગવી છાપ છોડનારા શ્રી અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. પાટીલે વધુમાં જણાવ્યું છે કે, હેમદભાઈ પટેલે ગુજરાતના નાના વિસ્તારથી તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી અને તેમની કાબેલિયતના કારણે તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના મહત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. સફળ રાજનેતા, મૃદુભાષી, વિનમ્ર વ્યક્તિત્વ, પોતાના રાજકીય જીવનની એક આગવી છાપ છોડનારા શ્રી અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.

એક અહેમદભાઈ સમયનું કોંગ્રેસ અને બીજું તેમના સિવાયનું કોંગ્રેસ તેમ બે અધ્યાય લખવા પડે: ડો. હેમાંગ વસાવડા

Vlcsnap 2020 11 25 13H07M08S667

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગભાઈ વસાવડાએ કહ્યું હતું કે, રાજકારણમાં બિન સાંપ્રદાયિકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે અહેમદભાઈ પટેલ. આજે ભરૂચ – અંકલેશ્વરનો જેટલો વિકાસ થયો છે તેની પાછળ ફક્ત એક જ વ્યક્તિનો ફાળો છે જે અહેમદભાઈ પટેલ છે. અંકલેશ્વર વિસ્તારનો જે વિકાસ થયો છે તેનો શ્રેય ફક્ત અહેમદભાઈને જાય છે પછી તે ઓવરબ્રિજનું તાત્કાલિક નિર્માણ હોય કે પછી ટોલ પ્લાઝાનું પુન:નિર્માણ હોય. અહેમદભાઈની ખાસિયત એ કે નાનામાં નાની વ્યક્તિને સરળતાથી ગમે તે સમયે મળવું અને સહજતાથી જવાબ આપવો. કચ્છના ભૂકંપ સમયે ફક્ત ગુજરાત કોંગ્રેસ નહીં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એક તાંતણે બાંધી જરૂરીયાતમંદની વ્હારે આવવાનું કામ અહેમદભાઈએ કર્યું છે. દુષ્કાળના સમયમાં અબોલ પશુઓ માટે જ્યારે ઘાસચારા અને પાણીની અછત વર્તાઈ ત્યારે તેમણે ઠેક ઠેકાણે ઢોરવાડા શરૂ કરી લાખો અબોલપશુઓને ભૂખ્યા મરતા અટકાવી જીવનદાન પણ આપ્યું છે. જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ લખવામાં આવશે તો ત્યારે તેને બે ભાગમાં વિભાજીત કરવું પડશે. એક અહેમદભાઈ સમયનું કોંગ્રેસ અને બીજું અહેમદભાઈ વિનાનું કોંગ્રેસ. ગુજરાત કોંગ્રેસ અહેમદભાઈ વિના અધૂરું હતું અને રહેવાનું તે વાસ્તવિકતા છે. તેમની ખોટ પુરી કરવામાં લાંબો સમય લાગી જશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી.

અહેમદભાઈ પટેલનું નેતૃત્વ સામાજિક દ્રષ્ટિકોણનું હતું: જીતુભાઈ ભટ્ટ

Vlcsnap 2020 11 25 13H56M02S449

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધરોહર કહી શકાય તેવા અહેમદ પટેલનું  આજે નિધન થયું છે. ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છું, અહેમદ પટેલ કોંગ્રેસમાં નાની ઉંમરથી જોડાયેલા હતા. તેઓ નાની ઉંમરમાં સાંસદ બન્યા હતા. તેઓ યુવા કોંગ્રેસના પ્રમુખ રહ્યાં ત્યારથી ‘હું તેમની બોડીમાં સાથે રહ્યો છું, ઈ.સ.૧૯૮૦માં મારો પરિચય તેમની સાથે થયો હતો. છેલ્લા ૪૫ વર્ષથી અમે તેમની સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા હતાં. સમાજમાં બે પ્રકારના નેતૃત્વ હોય એક દબંગ પ્રકારનું અને એક સામાજીક દ્રષ્ટિકોણ વાળું.  અત્યારે દરેક પાર્ટીમાં દબંગ પ્રકારનું નેતૃત્વ જોવા મળે છે. અહેમદભાઈ પટેલનું નેતૃત્વ એક સામાજીક દ્રષ્ટિકોણનું હતું. તેઓ સમાજના દ્રષ્ટિકોણ તેમની પિડા, સમાજના પ્રશ્ર્નો તેને ધ્યાનમાં રાખી અહેમદભાઈ નેતૃત્વ કરતા હતા. હું ૧૯૮૫-૮૬માં જે દુષ્કાળ પડ્યો ત્યારે અહેમદભાઈ પટેલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ત્રણ વર્ષ સુધી મોરબી તાલુકાના રફાળેશ્ર્વર ગામમાં ગાયોનો કેમ્પ ઊભો કરેલ અને તેમાં એક લાખ જેટલી ગાયોને લોકો મૂકી જતા હતા. ત્યારે તેમણે ત્રણ વર્ષ સુધી કેમ્પ ચલાવી ગાયોની સેવા કરી હતી. ગાંધી પરિવાર સાથે તેમનો અંગત નિકટનો સંબંધ પહેલેથી રહ્યો છે. તેઓ પોલીટીકલ એડવાઈઝર પણ હતા. તેમને ગુજરાત માટે કોંગ્રેસ પક્ષ માટે ઘણા કામો કરેલા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ધારાશાસ્ત્રી ડો.પરકીન રાજાની અશ્રુભીની શ્રધ્ધાંજલી

Img 20201125 Wa0010

કોંગ્રેસના દિગ્ગજ નેતા સન્માનીય અહેમદ પટેલના દુ:ખદ અવસાન પર અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરતા કોંગ્રેસી અગ્રણીને ધારાશાસ્ત્રી ડો. પરકીન રાજાએ જણાવ્યું છે કે, જાણે એક અણિશુદ્ધ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિના યુગનો અંત આવ્યો હોય તેવુ લાગે છે. તેમના અજાતશત્રુ સ્વભાવ અને પક્ષ પ્રત્યેની અડીખમ વફાદારી અને વિરોધીઓને પણ પોતાના કરવાની ઉમદા આવડત માટે દિર્ઘકાલીન જાહેર જીવનમાં યાદ રહેશે. જાહેર જીવનમાં એક અણમોલ રત્ન ઓછુ થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છુ અને તેમના પરિવારને આ વજ્ઘાત સહન કરવા પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના કરું છુ.

ગુજરાત યુવક કોંગ્રેસમાં કારોબારીમાં અહેમદભાઈએ મને સ્થાન આપ્યું હતું: પિયુષભાઈ મહેતા

Surnad Standy 4.5 X 7.7 Feet 1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પિયુષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, અહેમદભાઈ પટેલ સાથે મારે છેલ્લા ૪૦ વર્ષથી નીકટના સંબંધ છે. અહેમદભાઈ પટેલને  રાજીવ ગાંધીએ ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા ત્યારે તેમણે મને ગુજરાતની કારોબારીમાં સ્થાન આપ્યું હતું. નવનિર્માણના સમય પછી કોંગ્રેસથી ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓ વિમુખ થઈ ગયા હતા તે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને ફરી પાછા કોંગ્રેસમાં લાવવા માટે રાજીવ ગાંધીએ અહેમદ પટેલને કામ સોંપેલ ત્યારે તેઓ ફરી ગુજરાતભરમાં નવયુવાનોને ફરી પાછા કોંગ્રેસ લાવ્યા અને કોંગ્રેસને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યારથી મારે તેમની સાથેના નિકટના સંબંધ હતા. તેમના ગામ હું અવાર-નવાર તેમને મળવા જતો હતો, તેઓ ખુબજ નાની વયમાં સંસદ સભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા. ૧૯૮૬માં રાજકોટમાં પાણી દુકાળ થયો હતો ત્યારે તેમણે નક્કી કરેલ કે સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાં ગાયો માટે કેમ્પ, પાણીની વ્યવસ્થા કરવી છાશ માટેના કેન્દ્રો કરવા. તેમની આ તમામ કામની જવાબદારી મને સોંપેલ, તેમના માર્ગદર્શન હેઠળ મેં આ કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. મારી આ કામગીરીના તેમણે વખાણ કર્યા હતા, હું તેમને અનેક પ્રશ્ર્નોને લઈને મળવા જતો હતો. તેઓ અંગ રસ લઈ તેનો જવાબ આપતા હતા, તેઓ સત્તા પર ન હતા ત્યારે પણ લોકોના કામ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.