Abtak Media Google News

રમતમાં હારજીત થતી હોવાથી બાળકમાં હાર પચાવવાની આદત પડે છે તેમજ જીતવા માટે  સાહસ પણ જન્મે છે

આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિ તણાવ વચ્ચે જીવતી હોય છે. આ તણાવ વ્યક્તિને અંદરને અંદર કોરી ખાય છે. જો દિવસ દરમિયાન આપણે થોડી વાર પણ મુક્ત મને રમત રમીએ તો તણાવ દૂર થાય છે અને સંઘર્ષમય જીવન સરળ બને છે, તેમજ આત્મવિશ્વાસ માં વધારો થાય છે.

આજે 6 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે. દુનિયાના દેશોનો વિકાસ થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે “આંતરરાષ્ટ્રીય રમત દિવસ” મનાવાય છે. એથેન્સમાં 6 એપ્રિલ 1896 ના દિવસે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતો નું ઉદઘાટન થયું હતું. આથી સંયુક્ત રાષ્ટ્ર એ 23 ઓગસ્ટ 2013 ના દિવસે 6 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રમત દિવસ મનાવવાની ઘોષણા કરી, ત્યારે દુનિયાના ઘણા દેશોએ આ દિવસ મનાવવાનો સંકલ્પ કર્યો હતો. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય રમત દિવસ 2014માં મનાવાયો હતો. આજે 10 મો આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે.

આપણા દેશમાં 29 ઓગસ્ટે “રાષ્ટ્રીય રમત દિવસ” મનાવાય છે. ઓલિમ્પિકમાં ભારત દેશનું નામ રોશન કરતી હોકી ટીમમાં મેજર ધ્યાનચંદ નો ફાળો અમૂલ્ય છે. મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર કહેવાતા હતા. 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદ નો જન્મદિવસ હોવાથી આ દિવસને “રાષ્ટ્રીય રમત દિવસ” તરીકે મનાવાય છે.રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમત દિવસ મનાવવા પાછળનો હેતુ સ્વસ્થ અને શાંતિમય જીવન છે. રમત રમતા બાળકો કેટલા નિર્દોષ દેખાય છે.

રમતો રમવાથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે તેમજ શારીરિક વિકાસ પણ થાય છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે, એ પ્રમાણે રમત રમવાથી બૌદ્ધિક વિકાસ પણ થાય છે.

આજકાલ ના બાળકો વિડીયો ગેમ્સ ના રવાડે ચડી ગયેલા દેખાય છે. મમ્મીઓ પણ બાળકને બહાર રમવા જવા દેવા કરતા ઘરમાં પોતાની નજર હેઠળ વિડીયો ગેમ રમવા આપી દે છે, પરિણામે બાળકની બુદ્ધિ તો ખીલે છે પરંતુ બાળક એકાંકી તેમજ ચીડીયા સ્વભાવનું બની જાય છે. સમૂહમાં રમત રમવાથી બાળકનો માનસિક વિકાસ થાય છે. ધૈર્ય અને સહનશીલતા જેવા ગુણો પ્રગટે છે.અત્યારે ઘણી બધી સ્કૂલોમાં કે સરકાર દ્વારા વિકસિત સ્પોર્ટ્સ સેન્ટરોમાં રમત પ્રત્યે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

બાળકોને જેટલી જરૂર ભણવાની છે તેટલી જ જરૂર રમવાની પણ છે. રમત રમતો બાળક હંમેશા ખેલદિલી ની ભાવના વાળો હોય છે. સાથે સાથે રમતમાં એકાગ્રતા વધવાથી અભ્યાસમાં પણ રુચિ વધે છે.ટોળાઓમાં રમવાથી દરેકના અલગ અલગ ગુણ જોવા જાણવા મળે છે પરિણામે ભાઈચારો પણ પેદા થાય છે. ઘરમાં બેઠા બેઠા વિડીયો ગેમ્સ રમવાથી સ્કિલ અને ટેલેન્ટ જેવા શબ્દો, શબ્દો જ બની રહે છે તેને ક્યારેય પોતાના જીવનમાં વણી શકાતાં નથી.

ગુજરાતીમાં કહેવત છે કે “જ્ઞાન સાથે ગમ્મત”, આ કહેવત અનુસાર સતત ભણતો વિદ્યાર્થી સ્ટ્રેસ અનુભવે છે, પરંતુ ભણતરની સાથે ખેલકૂદ કરવાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. માણસ હંમેશા મનથી જ નબળો હોય છે તનથી ક્યારેય નબળો હોતો નથી. જો તનથી નબળો હોય તો પેરાઓલિમ્પિક જેવી રમતો રમાતી જ ન હોત, બરાબરને? જો નબળા મનના માણસને પરાણે મેદાનમાં ખેંચી જવામાં આવે અને સામેની ટીમ તેના પર હાવી થવા લાગે ત્યારે તે માણસ પરિસ્થિતિનો સામનો કરવા અજાણતા જબરો બની જાય છે.

રમતમાં હારજીત થતી હોવાથી બાળકમાં હાર પચાવવાની આદત પડે છે તેમજ જીતવા માટે સાહસ પણ જન્મે છે, જે જીવનમાં અત્યંત જરૂરી છે.રમતનું મહત્વ જીવનમાં હવા પાણી અને ખોરાક જેટલું જ છે. સ્વસ્થ જીવન જીવવા માટે રમતનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. રમત રમ્યા વિનાની વ્યક્તિ મનને સાચવી શકતી નથી. રમત એ વ્યક્તિ માટે ઉત્તમ મનોરંજન છે.

બાલ્યાવસ્થામાં રમતો રમીને બાળક પોતાના બાળપણને તો ખીલવી શકે છે, સાથે સાથે તેનો શારીરિક વિકાસ પણ કરી શકે છે, જુવાનીને જોશીલી બનાવી શકે છે અને પ્રોઢાવસ્થામાં શરીરને સશકત રાખી શકે છે. રમત ક્યારેય ઉંમર ઉપર આધીન હોતી નથી, દરેક ઉંમરની વ્યક્તિ રમત રમીને હળવી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.