ગૃહિણીઓની પરેશાની: અનેક કોશિષ કરવા છતાં બજાર જેવુ ઘાટુ મલાઇદાર દહીં નથી જામતું

 ‘દહીં’ ઉનાળામાં શરીરને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે: દહીંના સેવનથી પાચનક્રિયા સુદ્રઢ બને છે

કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, લૈકટોઝ, વિટામીન-ડી, બી-1ર અને બી-6 નો સ્ત્રોત

દહીં આપણા ભોજનમાં સામેલ જરૂરી આહાર પૈકીનો એક ઉત્તમ આહાર છે. ઉનાળામાં તો દહીંનું ખાસ સેવન કરવું જોઇએ, કારણ કે દહીં પ્રાકૃતિક ઠંડક ધરાવે છે. દહીં આપણા શરીરને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. દહીંના સેવનથી પાચનક્રિયા સુદ્રઢ બને છે. એ સિવાય દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, લૈકટોઝ, વિટામીન ડી, બી-1ર, બી-6 વગેરે પોષકતત્વો સામેલ છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. એક રિસર્ચ અનુસાર દૂધની સાપેક્ષે દહીંનું સેવન કરવાથી બાળકોનો વિકાસ બહેતર થાય છે.

આ તો થયા દહીંના સ્વાસ્થય સંબંધી ફાયદાઓ પરંતુ આ સિવાય પણ દહીં રસોઇ ઘરની જરુર ચીજો પૈકીનું એક છે. રાયતુ, કઢી, દહીંવડા, લસ્સીથી લઇને દહીંનો પ્રયોગ દરેક સબ્જીઓનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. અને એ પણ છે કે કોઇપણ વ્યંજનનો સ્વાદ દહીં જમાવવા પર નિર્ભર કરે છે.

આમ તો ગૃહિણીઓ ઘરમાં પણ દહીં જમાવે છે, તેમ છતાં બજાર જેવું તાજુ અને ઘાટુ દહીં નથી જામતું એવી લગભગ દરેક ગૃહિણીઓની ફરીયાદ હોય છે. એટલે કે આપણે કયાંકને કયાંક દહીં જમાવવાની રીતમાં કયાંકને કયાંક ભૂલ કરીએ છીએ. તો ચાલો આજે આપણે ઘાટુ દહીં જમાવવાની રીત વિશે જાણીએ.

ઘેર દહીં જમાવતી વખતે થતી ભૂલ લગભગ દરેક ઘરમાં દહીં જમાવતી વખતે આ ભૂલ કરવામાં આવે છે. આપણે દહીં જમાવતી વખતે હુંફાળા દૂધમાં આશરે અડધી અથવા પા  ચમચી દહીં ભેળવીએ છીએ. ત્યારબાદ તેને વારંવાર હલાવીએ છીએ, અને બાદમાં તેને જમાવવા મૂકી રાખીએ છીએ. આપણી આ ભૂલના કારણે ઘાટુ પાણી રહિત દહીં નથી જામતું, અને કયારેક વધુ પડતું ખાટુ પણ થઇ જાય છે તથા તેમાંથી પાણી છૂટે છે.

આ છે દહીં જમાવવાની સાચી રીત

બજાર જેવું ઘટ્ટ દહીં જમાવવા માટે અલગથી દૂધ લઇ લો અને દૂધને ગરમ કર્યા બાદ એ દૂધનો દહી જમાવવા માટે જ ઉપયોગ કરો. એટલે કે તેમાંથી મલાઇને અલગ ન તારવો. જયારે દૂધ સાવ હુંફાળા હોય, ત્યારે જ તેમાં એક વટાણાના દાણા બરાબર તાજુ દહીં આ મલાઇદાર દૂધમાં ભેળવી દો ત્યારબાદ એ જમાવેલા વાસણને એવી જગ્યા પર મૂકી દો જયાં તેને કોઇ હલાવે નહીં. દહીં જમાવતી વખતે એ ખાસ યાદ રાખવું કે દૂધને વલોવવાનું એટલે કે મેળવણ નાખ્યા બાદ હલાવવાનું નથી. અને તેને કોઇ અન્ય વાસણમાં અલગ કાઢવાનું નથી. માત્ર જમાવેલા દહીંના વાસણને એક જગ્યાએ 6 થી 8 કલાક મૂકી રાખવાનું છે. અને જયારે દહીં જામી જાય ત્યારબાદ તેને બિલકુલ હલાવ્યા વગર ફ્રિઝમાં આશરે બે કલાક સુધી મૂકી દેવું, આ રીત પ્રમાણે દહીં જમાવવાથી એકદમ બજાર જેવું ઘાટુ મલાઇદાર અને તાજુ દહીં તૈયાર થાય છે.