ગુલામીપણાની માનસિકતાનો પૂર્ણ ખાત્મો જ સાચી લોકશાહી

21મી સદીનું વિશ્ર્વ લોકશાહીને એક આદર્શ શાસન વ્યવસ્થા તરીકે સર્વ સ્વિકૃત માની ચુક્યું છે, ત્યારે લોકશાહીની સાચી પરિભાષા અને તેનો સાચો મર્મ સમજવો જ રહ્યો. ‘લોકશાહી દિવસ’ની ઉજવણી માત્રને લોકશાહીને જીવંત રાખવાના પ્રયાસ માનીને બેસી ન રહેવું જોઇએ.

ખરેખર સ્વતંત્રતા શું છે તે સારી રીતે સમજાય તો જ લોકશાહીના ફળ દરેકને મળે, અને તેનો અનુભવ થાય. સ્વતંત્રતા તો માનવીનો જન્મસિધ્ધ અધિકાર છે. હા તેમાં ફેરફાર અને પરિવર્તન સાથે સ્વતંત્રતાનો વ્યાપ સતતપણે વધતો રહેવો જોઇએ. સાથેસાથે સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય તેનો વિવેક પણ રહેવો જોઇએ. સ્વતંત્રતાનો ઉદ્ભવ ક્યાંથી થાય ? તેની પરિભાષા શું ? તેની ફળશ્રુતિ, અમલ અને તેની સામેના પડકારો ક્યાં ક્યાં ? તેનું નિવારણ શું ? જેવા પ્રશ્ર્નો માનવ સભ્યતામાં સતત ચર્ચાતા આવ્યા છે.

સમિક્ષાઓ થતી રહી છે અને અવિરત થતી રહેશે. સ્વતંત્રતાની સાથેસાથે સ્વતંત્રતા અને સ્વચ્છતા વચ્ચેની પાતળી ભેદરેખા પણ સમજવી રહી. સ્વતંત્રતાનો ઉદ્ભવ દરેક વ્યક્તિના મનથી થાય છે. મનુષ્ય પોતાના વિચારો મુજબ જીવન ચલાવી શકે ત્યારે સાચી સ્વતંત્રતા ગણાય. વળી મળેલી સ્વતંત્રતાનો અવિવેકી દૂરઉપયોગ અને સમજદારી પૂર્વકની સાજીસને સ્વતંત્રતા ગણવાની ભૂલ ન થાય તે માટે પણ સાવચેતી રાખવી જોઇએ.

ખરી સ્વતંત્રતા સ્વમરજી અને ધાર્યુ કરવામાં નહિં પણ બીજાની સ્વતંત્રતાની વિકૃતિ અને સામેની વ્યક્તિને સ્વતંત્રતા આપો તેનું જતન કરો તો જ સ્વતંત્રતા પ્રાપ્ત થાય. સામેના વ્યક્તિની સ્વિકૃતિ જ સ્વયંમનો સ્વિકાર કરાવે છે. મન, મગજમાંથી જ સ્વતંત્રતાનો આરંભ થાય છે. પ્રકૃતિએ માનવીને એકને જ સ્વતંત્રતાનો હક્ક આપ્યો છે. સાચી મનની સ્વતંત્રતાથી જ નમ્રતાનો ભાવ જાગે છે અને આથી જ જ્યાં મનથી પોતાની અને અન્યની સ્વતંત્રતાનો સ્વિકાર થયો હોય તેવી સાચી લોકશાહીમાં ક્યાંય અસમાનતા, ધિક્કાર, અસંતોષ, અધુરપ, રાગ-દ્વેષ, શત્રુભાવ કે પ્રતિસ્પર્ધા જેવા અશાંતિ પ્રેરક પરિબળોનો લેશ માત્ર ઉદ્ભવ શક્ય નથી પરંતુ સમજદારી પૂર્વકની સાજીશને સ્વતંત્રતા ન ગણવી જોઇએ.

સાચી રીતે સ્થપાયેલી લોકશાહીમાં ક્યાંય હિંસા, વાદ-વિવાદ, યુધ્ધ, ખેંચતાણ ન જ હોય ત્યારે એક વિચાર અવશ્યપણે કરવો રહ્યો કે અત્યારે મોટાભાગ ની દુનિયામાં હાલ વર્તમાન યુગમાં લોકશાહી શાસન વ્યવસ્થાની દાવેદારી કરવામાં આવી રહી છે. તેવા ઉભા કરાયેલા સંજોગો વચ્ચે પણ દુનિયામાં અત્યારે ઠેર-ઠેર રાજકીય સ્પર્ધાઓ સત્તા માટેની ખેંચતાણ, વર્ગ વિગ્રહ, માનવ-માનવ વચ્ચેની દુશ્મનીનો જે માહોલ ઉભો થયો છે.

તેનાથી એક વાતની તો સ્વિકૃતિ રહી જ કે સાચી સ્વતંત્રતા બીજાની સ્વિકૃતિમાં અને મનની સ્વતંત્રતામાં રહેલી છે તો અત્યારની પરિસ્થિતીમાં ક્યાંકને ક્યાંક સ્વતંત્રતાની પરિભાષા સમજવામાં સમાજે થાપ ખાધી છે. બીજાની સ્વિકૃતિએ સ્વતંત્રતાની પ્રથમ શરત હોય તો ક્યારેય સ્પર્ધા જન્મે જ નહિં. સંતુલન જળવાય રહે પરંતુ લોકશાહી અને સ્વતંત્રપણા માટે સૌથી વધુ જોખમી માનસિક ગુલામીપણાની સ્થિતિને કારણભૂત માનવામાં આવે છે.

ગુલામીપણાની માનસિકતાનો ખાત્મો ત્યારે જ આવે જ્યારે બીજા સ્વિકૃતિ અને સામેના વ્યક્તિને ફ્રીડમ આપો તો જ સ્વતંત્રતાનો ખરો માહોલ ઉભો થાય. માનવીના મન, મગજમાંથી સ્વતંત્રતા શરૂ થાય છે. મનની સ્વતંત્રતા ઉજાગર થાય, સ્વને સક્ષમ બનવાનું વાતાવરણ ઉભું થાય તો આપોઆપ લોકશાહી અને સ્વતંત્રતા મજબૂત બને. ફ્રીડમ લેવા અને આપવામાં ભારે હિમ્મત જોઇએ. આ હિમ્મત જ્યારે પૂર્ણ રીતે ખીલી ઉઠે ત્યારે સ્વતંત્રતા અને લોકશાહી સોળે કલાએ ખીલી ઉઠે. દરેક વ્યક્તિ ગુલામીપણામાંથી બહાર નીકળી જાય એટલે લોકશાહી અને સ્વતંત્રતા ખરાં અર્થમાં પ્રાપ્ત થઇ ગણાશે.