- ટ્રમ્પ છેલ્લા 35 વર્ષથી દેશમાં અમલમાં રહેલી વિઝા નીતિમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઘૂસણખોરોને રોક્યા છે. જો કે ટ્રમ્પ રાજકારણી હોવા પહેલા એક વેપારી છે. એટલે તેને મેનપાવરને પૈસામાં ક્ધવર્ટ કરવાનો રસ્તો શોધી લીધો છે.છેલ્લા 35 વર્ષથી દેશમાં અમલમાં રહેલી વિઝા નીતિમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ટૂંક સમયમાં, રોકાણકારોના મનપસંદ ઇબી-5 વિઝાને વધુ મોંઘા ’ગોલ્ડ કાર્ડ’ વિઝા દ્વારા બદલવામાં આવશે. ટ્રમ્પે મંગળવારે (25 ફેબ્રુઆરી) જાહેરાત કરી હતી કે તેઓ રોકાણકારો માટે છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વમાં રહેલા વિઝાને “ગોલ્ડ કાર્ડ” વિઝાથી બદલશે જે 5 મિલિયન ડોલર (લગભગ રૂ. 44 કરોડ) ના રોકાણ સાથે યુએસ નાગરિકત્વ મેળવવાની મંજૂરી આપે છે. “તેઓ શ્રીમંત અને સફળ થશે, ઘણા પૈસા ખર્ચશે, ઘણા કર ચૂકવશે અને ઘણા લોકોને રોજગાર આપશે,” ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું. અમને વિશ્વાસ છે કે આ યોજના ખૂબ જ સફળ થશે.
વાણિજ્ય સચિવ હોવર્ડ લેટકેનિકે મંગળવારે જાહેરાત કરી હતી કે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” વિઝા આગામી બે અઠવાડિયામાં ઇબી-5 વિઝાનું સ્થાન લેશે. નોંધનીય છે કે ઇબી-5 વિઝા 1990 માં યુએસ કોંગ્રેસ દ્વારા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ વિઝા એવા લોકો માટે ઉપલબ્ધ હતો જેમણે ઓછામાં ઓછા 10 લોકોને રોજગાર આપતી કંપનીમાં ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર (લગભગ રૂ. 8.3 કરોડ)નું રોકાણ કર્યું હતું.
લેટકેનિકે જણાવ્યું હતું કે “ગોલ્ડ કાર્ડ” મૂળભૂત રીતે ગ્રીન કાર્ડ (કાયમી કાનૂની રહેઠાણ) હશે જે રોકાણકારો માટે પ્રવેશ કિંમત વધારશે અને ઇબી-5 વિઝા કાર્યક્રમ સાથે સંકળાયેલ છેતરપિંડી અને “કચરો” દૂર કરશે. તેમણે કહ્યું કે અન્ય ગ્રીન કાર્ડની જેમ, આમાં પણ યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ શામેલ હશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની ઇમિગ્રેશન સ્ટેટિસ્ટિક્સ યરબુક અનુસાર, 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા 12 મહિનામાં લગભગ 8,000 લોકોને રોકાણકાર વિઝા મળ્યા છે. યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે 2021 માં એક અહેવાલ જારી કર્યો હતો જેમાં જણાવાયું હતું કે ઇબી-5 વિઝામાં છેતરપિંડી થવાની સંભાવના છે, ખાસ કરીને રોકાણ માટે વપરાતા ભંડોળ કાયદેસર રીતે મેળવવામાં આવે છે કે કેમ તે ચકાસવામાં.
રોકાણકાર વિઝા સમગ્ર વિશ્વમાં ખૂબ સામાન્ય છે. સલાહકાર કંપની હેનલી એન્ડ પાર્ટનર્સ અનુસાર, 100 થી વધુ દેશો શ્રીમંત વ્યક્તિઓને ’ગોલ્ડન વિઝા’ આપે છે. આમાં અમેરિકા, બ્રિટન, સ્પેન, ગ્રીસ, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇટાલીનો સમાવેશ થાય છે.
’ગોલ્ડ કાર્ડ’ વડે બજેટ ખાધ ઘટાડવાની યોજના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રોજગાર સર્જન માટેની જરૂરિયાતો અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી ન હતી. વધુમાં, જ્યારે ઇબી-5 વિઝાની સંખ્યા મર્યાદિત છે, ટ્રમ્પે સૂચવ્યું કે ફેડરલ સરકાર 10 મિલિયન “ગોલ્ડ કાર્ડ” વિઝા વેચીને બજેટ ખાધ ઘટાડી શકે છે. “તે મહાન હોઈ શકે છે, કદાચ તે મહાન બનશે,” તેમણે કહ્યું.
ટ્રમ્પે આગળ કહ્યું, તે ગ્રીન કાર્ડ જેવું છે, પણ વધુ અદ્યતન છે. આ નાગરિકતા મેળવવાના રસ્તા ખોલે છે, ખાસ કરીને શ્રીમંત અને પ્રતિભાશાળી લોકો માટે. આમાં, શ્રીમંત લોકો એવા પ્રતિભાશાળી લોકોને પૈસા આપશે જેમને તેઓ દેશમાં લાવવા માંગે છે. આનો અર્થ એ થયો કે કંપનીઓ પ્રતિભાશાળી લોકોને દેશમાં લાવવા અને તેમને લાંબા ગાળાના નિવાસસ્થાન પૂરું પાડવા માટે ચૂકવણી કરશે. જોકે યુએસ કોંગ્રેસ પાસે નાગરિકતા માટે પાત્રતા માપદંડ નક્કી કરવાની સત્તા છે, ટ્રમ્પ કહે છે કે “ગોલ્ડ કાર્ડ” માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર રહેશે નહીં.