- બંને રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂકતી ચર્ચાઓ કરાઇ
બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ વાતચીતની જાણકારી આપી છે. જેમાં કહેવાય છે કે બંને નેતાઓએ સહકાર વધારવા અને ગાઢ બનાવવા પર ચર્ચા કરી હતી.
જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધારવા, ટેકનોલોજી, વેપાર અને સંરક્ષણને આવરી લેવા અંગે ચર્ચા કરી. મોદીએ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના ફોકસમાં ભારતની અમેરિકન સુરક્ષા સાધનોની ખરીદી અને વાજબી વેપારનો સમાવેશ થાય છે. તેઓએ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને આયોજિત પરસ્પર મુલાકાતો જેવા મુદ્દાઓને પણ સંબોધ્યા હતા. તેમજ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે કામ કરવાનું વચન આપ્યું. ભારત અને અન્ય જગ્યાએથી આયાત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ધમકી, તેમજ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર સંભવિત ઘર્ષણ અંગે ભારતમાં ચિંતાઓ વચ્ચે, મોદીએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને પક્ષો પરસ્પર ફાયદાકારક અને વિશ્વાસપાત્ર ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે.
આ અંગે વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતે અમેરિકન નિર્મિત સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અને “વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો” તરફ આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વ્હાઇટ હાઉસના રીડઆઉટમાં જણાવાયું હતું કે, “આપણા રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા અને વ્યૂહાત્મક સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂકતા વડા પ્રધાન મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાતની યોજનાઓ પર નેતાઓએ ચર્ચા કરી હતી.”
આ અંગે મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન. અમે પરસ્પર ફાયદાકારક અને વિશ્વાસપાત્ર ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું,”
ત્યારે આ અંગે ભારત સરકારે એક રીડઆઉટમાં જણાવ્યું હતું કે, મોદી અને ટ્રમ્પે વ્યાપક દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી અને ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઉર્જા અને સંરક્ષણના ક્ષેત્રો સહિત તેને આગળ વધારવાના પગલાં લીધા હતા. બંને નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને ટૂંક સમયમાં મળવા માટે સંમત થયા હતા.