રાજસ્થાનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો

૪૩૭૧ બેઠકોમાંથી ભાજપે ૧૯૮૯ સીટ પર કબજો મેળવ્યો જ્યારે કોંગ્રેસે ૧૮૫૨ સીટ પર જીત મેળવી: અપક્ષ ઉમેદવારોએ ૪૩૯ સીટ પર કબ્જો કર્યો

રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપે મોટાભાગની સીટો પોતાના નામે કરી છે. રાજસ્થાનની પંચાયત સમીતીની ૪૩૭૧ બેઠકોમાંથી ભાજપને ૧૯૮૯ અને કોંગ્રેસને ૧૮૫૨ સીટ મળી છે. જ્યારે ડાબેરીઓની ૨૬ બેઠક પર જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ૪૩૭૧ પંચાયત સમીતીની બેઠકોમાંથી ભાજપે ૧૯૮૯ પર કબજો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ૧૮૫૨ પંચાયત સમીતી સીટ પર જીત મળી છે. સ્થાનિક પંચાયતની ચૂંટણીના ચારેય તબક્કાના બધા જ પરિણામો જાહેર થઈ ચૂકયા છે. જેમાં સીપીઆઈએ ૨૬ બેઠકો પર જીત મેળવી છે. આરએલપીને ૬ બેઠકો મળી છે. બસપાએ ૫ જ્યારે અપક્ષ ઉમેદવારોએ ૪૩૯ પંચાયત સમીતી સીટ પર કબજો કર્યો છે. જ્યારે દરેક જિલ્લા પરિષદીય સ્તરે ભાજપે ૬૩૫ માંથી ૩૫૩ પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે પણ ૨૫૨ પર કબજો કરી લીધો છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ૨૧ જિલ્લાઓ પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં માત્ર એકનું જ પરિણામ જાહેર કરવાનું બાકી છે. ભાજપના ઉમેદવારોએ હવે ૧૩ જિલ્લા પંચાયતમાં બહુમત પર છે ત્યારે આરપીએલની મદદથી વધુ એક પર જીત ભાજપે મેળવી લીધી છે. કોંગ્રેસને બાકીની પાંચ જિલ્લા પંચાયતો પર જીત મળી હતી.

રાજસ્થાનમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ત્યાંના સીએમ અશોક ગેહલોતને મોટી નિરાશા સાપડી છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો પર કબજો કરી લીધો છે. પંચાયતની ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણાવવામાં આવી રહ્યો છે. આ હાર બાદ ગેહલોત વિરુધ્ધ કોંગ્રેસમાં અવાજ તેજ થાય તેવી શકયતા છે.રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૧ જિલ્લામાં અજમેર, ભીલવાડા, બાસવાડા, બાડમેર, બીકાનેર, બુંદી, ચિતોડગઢ, ચુરુ, હનુમાનગઢ, જેલમેર, જાલોર, ઝાલાવાડ, નાગોર, પાલી, પ્રતાપગઢ, રાજસમદ, સીકર, ટોક તથા ઉદયપુર જિલ્લા પરિષદ સભ્યો તથા પરિષદ સભ્યો અને પંચાયત સમીતીના સભ્યોની મત ગણતરી ભારત બંધને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. અન્ય ૧૨ જિલ્લા પંચાયત સમીતીની તથા જિલ્લા પરિષદની ચૂંટણીની તારીખો આવાની હાલ બાકી છે.