Abtak Media Google News

ચાર શખ્સોએ પથ્થર, ધોકા અને છરી વડે આતંક મચાવી રૂ. ૪.૨૧ લાખની લૂંટ ચલાવી: એકની ધરપકડ, ત્રણની શોધખોળ

મોરબીથી નવલખી રોડ તરફ જતા માર્ગ પર અમરેલી ગામના પાટિયા નજીક ગઈકાલે શુક્રવારે રાત્રે ૯:૩૦થી ૧૦ વાગ્યા દરમ્યાન  ત્રણ-ચાર શખ્સોની બનેલી લૂંટારું ગેંગ ત્રાટકી હતી. રસ્તા પર ટાયરોની આડશ ગોઠવી માર્ગ પરથી પસાર થતા તમામ વાહન ચાલકોને રોકી, પથ્થર, ધોકા અને છરી વડે હુમલો કરી ડરાવી ધમકાવી જે કઈ મળે તે રોકડ કે મોબાઈલ સહિતની લૂંટ મચાવવાનું શરૂ કરતાં સનસનાટી મચી ગઇ હતી. હાઇવે રોબરીની આ વારદાતમાં ટ્રક ચાલકો સહિત મોરબી અપડાઉન કરતા લોકો લૂંટાયા હતા. જે પૈકી મોરબીમાં રહેતા અને નવલખી રોડ પર આવેલી પેપરમિલમાં કરિયાણાની દુકાન ધરાવતા યુવાને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ત્રણ કે ચાર લૂંટારું પૈકી એકને વાહનચાલકોની મદદથી પોલીસે  દબોચી લીધો હોવાના વાવડ વચ્ચે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ઉપરોક્ત બનાવની પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ પર અમરેલી ગામના પાટિયાથી નવલખી ફાટક બાજુ આશરે અડધો કિલોમીટર દૂર સલીમભાઈ નામના ધંધાર્થીની પંચરની કેબિન આવેલી છે. ત્રણ કે ચાર શખ્સોની બનેલી લૂંટારું ગેંગે સૌ પ્રથમ સલીમભાઈને ડરાવી ધમકાવી તેની કેબિનમાંથી જુના ટાયરો લઈને રોડ પર આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ જે કોઈ વાહનો ત્યાંથી નીકળે એને રોકી લૂંટફાટ શરૂ કરી હતી.

વાહન ચાલક પર પથ્થરો અને ધોકા વડે હુમલો શરૂ કરતાં થોડી જ વારમાં વાહનો એકઠા થઇ ગયા હતા. છરી જેવા હથિયારોથી અમુક વાહન ચાલકોને ડરાવી ધમકાવી તથા ઇજા કરી લૂંટફાટ કરવાનું શરૂ કરતાં જ વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ દરમ્યાન રવાપર રોડ, નિલ માધવ એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં રહેતા અને નેકસા પેપરમિલના કારખાના નજીક અનાજ-કારીયાણાની દુકાન ચલાવતા ૩૭ વર્ષીય પંકજભાઈ પ્રભુભાઈ બાવરવા તેના ભત્રીજા વિમલેશ વશરામભાઈ સાથે દુકાનેથી પરત મોરબી આવી રહ્યા હતા. વાહનો એકઠા થયેલા હોવાથી તેઓ સાઈડમાંથી રસ્તો કરતા કરતા આગળ વધતા હતા ત્યાંજ એક લૂંટારુએ તેના ગળા પર છરી રાખી દીધી હતી અને વેપારમાં આવેલા આશરે ૪ લાખ રૂપિયા ભરેલી બેગ કે જે પંકજભાઈએ ગળામાં લટકાવી હતી એ લૂંટી લીધી હતી.

શુક્રવારે આસપાસની ફેકટરીઓના શ્રમિકોનો પગાર થયો હોવાથી આખા મહિનાની ઉઘરાણી બેગમાં હતી. જે લૂંટાઈ જતા પંકજભાઈ હિંમત કરી બાઇક સાઈડમાં ઉભું રાખી લૂંટારુંની પાછળ ગયા હતા. આ દરમ્યાન લૂંટારું અન્ય વાહન ચાલકોને ધમકાવતો હતો. પંકજભાઈને પાછળ આવેલા જોઈ લૂંટારું છરી લઈ તેની પાછળ દોડતા પંકજભાઈ અમરેલી તરફના એક ખેતરમાં અડધોક કિલોમીટર ભાગ્યા હતા. ત્યાર બાદ લૂંટારું પાછળ આવતો ન હોવાનું સ્પષ્ટ થતા તેઓ મુખ્ય માર્ગ પર પરત આવતા તેઓને જાણ થઈ હતી કે, અન્ય બાઇકમાં તેની સાથે જ દુકાનેથી નીકળેલા તેના ભત્રીજા પાસેથી લૂંટારુઓએ વિવો કંપનીનો ફોન કિંમત ૫૦૦૦ લૂંટી લીધો હતો. જો કે પંકજભાઈનો ફોન બચી ગયો હતો જેમાંથી તેણે તત્કાળ પોલીસને બનાવની જાણ કરી હતી.

પોલીસ આવે એ દરમ્યાન રોડ પર એકઠા થયેલા વાહનચાલકો પાસેથી પંકજભાઈને જાણવા મળ્યું હતું કે, શનાળા રોડ પર દલવાડી સર્કલ નજીક, ઉમા ૨માં રહેતા રોહિતભાઈ દયાલજીભાઈને છરીથી ઇજાગ્રસ્ત કરી તેની પાસેથી લૂંટારુઓ રૂપિયા ૬૪૦૦ની લૂંટ ચલાવી હતી.

આ ઉપરાંત વાઘપર ગામના નવનીતભાઈ નાનજીભાઈ લોરીયાને માથામાં ઇજા કરી તેની પાસેથી ૧૦ હજાર રૂપિયાની કિંમતના ૨ મોબાઈલ લૂંટી લેવાયા હતા. (રોકડ તથા મોબાઇલ મળી કુલ ૪,૨૧,૪૦૦નો મુદ્દામાલ લૂંટયો હોવાનું બાદમાં જાણવા મળ્યું છે.) આ બન્ને લોકોને લૂંટારુઓ ઘાયલ કરતા હોસ્પિટલ ખસેડાયા હતા.

આ દરમ્યાન પોલીસ આવી જતાં લૂંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતા. જો કે, વાહનચાલકોની મદદથી એક લૂંટારુને પોલીસે દબોચી લીધો હોવાનું બિનઆધારભૂત સૂત્રો તરફથી જાણવા મળેલ છે. જેમની ૪ લાખથી વધુની રકમ લૂંટાઈ છે એ પંકજભાઈએ મોડી રાત્રે ૧૨:૩૦ કલાકે જ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ઉપરોક્ત બનાવને લઈને મોરબીની આસપાસના વિસ્તારોમાં લોડાઉન કરતા લોકોમાં રીતસર ફફડાટ ફેલાયો છે. ત્યારે મુખ્ય માર્ગ પર લૂંટફાટ મચાવનાર લૂંટારું ગેંગ જલ્દીથી ઝડપાઇ જાય એ માટે પોલીસની વિવિધ ટીમોએ રાતભર દોડાદોડી કરી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.