Abtak Media Google News

 

આશુતોષ હોસ્પિટલના ડો.દર્શના પંડ્યા દ્વારા જટીલ સર્જરી

અબતક-રાજકોટ

આશુતોષ મેટરનીટી હોમના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડ્યા દ્વારા ખૂબ જટીલ કહી શકાય એવી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, રાજકોટના એક મહિલાના ગર્ભાશયમાંથી 124 જેટલી નાની-મોટી ગાંઠ કાઢવામાં આવી છે. ઓપરેશન બાદ મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. રાજકોટના આ મહિલા દર્દીને જન્મ જાત કિડનીની બિમારી છે અને તેની સારવાર વરસોથી ચાલે છે, તેમજ આ દર્દી બે વખત કોરોના પોઝીટીવ થયા બાદ સ્વસ્થ થયા હતા.શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડ્યાએ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યું છે કે હોસ્પિટલમાં એક મહિલા દર્દી માસિકની તકલીફ તથા વારંવાર પેશાબ અટકવાની તકલીફ સાથે આવ્યા હતાં. અગાઉ આ મહિલા દર્દીની બે ડિલીવરી અમારી હોસ્પિટલમાં જ થઈ હતી અને બન્ને ડિલીવરી નોર્મલ હતી, બીજી ડિલીવરી વખતે બ્લડપ્રેશરની તકલીફ થતા તેમની તપાસ કરતાં તેમને જન્મજાત કિડની અને લીવરની બિમારી હોવાનું નિદાન થયુ હતું.

કિડની અને લીવરમાં એક થી વધારે પરપોટા ‘પોલીસીટીક ડિસીઝ ઓફ કિડની એન્ડ લીવર’નું નિદાન થયા બાદ રાજકોટના નેફ્રોલોજીસ્ટ પાસે તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી જે નિયમીત ચાલુ છે. કિડની અને લીવરની બિમારીની ફેમીલી હિસ્ટ્રી ધરાવતા આ મહિલા દર્દીનું ઓપરેશન ખૂબ જટીલ અને જોખમી ગણી શકાય.તેમનું નિદાન કરતાં ગર્ભાશયમાં એક થી વધારે ફાઈબ્રોઈડની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું.

આજે આ મહિલા દર્દીનું લેપ્રોસ્કોપિક ઓપરેશન કરવામાં આવતાં તેમના ગર્ભાશયમાંથી 124 જેટલી નાની મોટી ગાંઠ નિકળી હતી. જન્મ જાત તકલીફ વાળા દર્દીના ઓપરેશનમાં એનેસ્થેસીયા આપવુ ઘણુ કપરૂ કામ છે અને તેમની સર્જરી પણ ખૂબ જટીલ છે. આ પ્રકારની સર્જરી રેર કહી શકાય એવી સર્જરી ગણાય છે.

કિડની અને લીવરની જન્મ જાત બિમારીવાળા આ મહિલા દર્દી બે વખત કોરોના પોઝીટીવ પણ થયા હતા અને બન્ને વખત કોરોનામાંથી સાજા થયા છે. તેમણે 2016થી ગર્ભાશયના ફાઈબ્રોઈડની સારવાર નિયમીત ચાલુ રાખી છે. આજે 43 વરસની ઉંમરે ગર્ભાશયમાં ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેમના ગર્ભાશયમાંથી પ મી.મી. થી લઈને 15 મી.મી. સુધીની 124 જેટલી ગાંઠ કાઢી હતી. આજે દૂરબીનથી ગાંઠ સાથે ગર્ભાશય કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે, હાલ મહિલાની તબીયત ખૂબ સારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.