- ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં ફૈજલ ઉર્ફે કાલી અને અબ્દુલ લંજાને દબોચી લઈ આકરી સરભરા કર્તા ભાંભરડા નાંખી ગયાં : અન્ય છની શોધખોળ
ઝુલેલાલનગરમાં મોડી રાતે દહેશત ફેલાઈ હતી અને બાઈક ચલાવવા મામલે આઠ શખ્સોએ મકાન પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કર્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસે આઠ શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી ફૈજલ ઉર્ફે કાલી અને અબ્દુલ લંજાને દબોચી લઈ આકરી સરભરા કરી હતી.
બનાવ અંગે જુલેલાલનગર શેરી નં.5 માં રહેતાં આશિષ નેભાણી (ઉ.વ. 34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ફૈઝલ ઉર્ફે કાલી રહીમ ભાણુ, ઇરફાન રહીમ ભાણુ, અબ્દુલ દાઉદ લંજા અને હસન (રહે. તમામ સ્લમ કવા. લાખાબાપાની વાડી) તથા અજાણ્યા ચાર શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓને જુલેલાલ મંદિર સામે ગુરૂનાનક ડ્રીકીંગ વોટર નામનો મીનરલ વોટર પાણીનો પ્લાન છે ત્યા બેસી વેપાર કરે છે. ગઇ તા. 09 ના સાંજના આઠેક વાગ્યે એકટીવા લઇને સાંઢીયા પુલ પાસે તેમની ફ્રુટની લારીએ જવા માટે નીકળેલ અને ઘરથી 200 મીટર જેટલું ચાલેલ ત્યા સામેથી ફેજલ ઉર્ફે કાલી 2હીમ ભાણુ તેનુ એકસેસ લઇને આવતો હતો. ફરિયાદી પોતાનું બાઈક રોડ સાઇડમા ચલાવતો હતો ત્યા ફેજલ નજીક આવી કહેલ કે, કેમ મારી માથે તારી એકટીવા ગાડી નાખે છે, તેમ કહી ગાળો દેવા લાગેલ હતો અને મારી એકટીવા ગાડીની ચાવી કાઢી કહેલ કે, તને અહી જ છરીના ઘોદા મારી મારી નાંખીશ તારે જે કરવું હોય તે કરી લેજે.
તે દરમ્યાન યુવાનના ભાઈ વિજયભાઈ આવી જતા બંને જણા કારખાને જતા રહેલ હતા. તેમના ભાઈએ 100 નંબરમા ફોન કરેલ હોય જેથી પોલીસની ગાડી આવતા ત્યા કારખાને પાસે ઉભેલ હતા.ત્યારે વડીલો પણ આવી જતા કોઇ ફરીયાદ કરેલ ન હતી અને ઘરમેળે સમાધાન કરવાની વાત થયેલ હતી.
ત્યારબાદ રાત્રીના બે વાગ્યાના વખતે કાકાના દિકરા કમલેશભાઇના દીકરાની તબિયત સારી ન હોય જેથી તેના ઘરે ગયેલ હતો અને ત્યા તેમનો ભાઈ વિજય પણ ત્યા હતો. કમલેશભાઇએ જણાવેલ કે, મારે હમણા અબ્દુલભાઇ લંજા સાથે ફોનમા વાત થયેલ અને તેને સમાધાન માટે કેમ ન આવ્યા તેમ પુછતા તે બોલાચાલી કરવા લાગેલ હતાં.
દરમિયાન રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના વખતે કમલેશભાઈના ઘરે ડેલીમા કોઇએ ઘા કરેલ હોય તેવો અવાજ આવેલ અને તેઓ ઉપરના રૂમમા હતા ત્યા સોડા બાટલીના ઘા આવતા તેમના ભાઇ વિજયભાઈ જે બાલકનીમા ઉભેલ હતો તેને સોડા બાટલ ઘા છાતીમા વાગી ગયેલ હતો. યુવાને બારીમાથી બહાર જોયેલ તો ફૈઝલ ઉર્ફે કાલી ભાણુ, ઈરફાન ભાણુ, અબ્દુલ લંજા તથા હસન અને ચાર અજાણ્યા માણસો હતા, જે બધા ચાર બાઈક લઇને આવેલ અને બધાના હાથમા પાઈપ તથા લોકડાના ધોકા હતા. ધોકા પાઈપ વડે ઘર પાસે શેરીમા રાખેલ અમારા બાઈક તોડતા હતા.
અમુક શખ્સો સોડા બોટલોના ઘા કમલેશભાઇના ઘર પર કરતા આગળના ભાગે રેલીંગના કાચ તુટી ગયેલ હતા અને દરવાજામા પણ ધોકા પાઈપ મારી નુકશાન કરેલ હતુ. બાઇકમાં પણ નુકશાન કરેલ હતુ. બાદમાં આરોપી નાસી છૂટતાં બહાર નીકળી જોતા મકાન અને વાહનમાં નુકશાન કરેલ હતું. તેમજ તેઓ પોતાના ઘરે ગયેલ ત્યા જોયેલ તો અમારા ઘર પાસે તેમની બહેનનુ મકાન છે ત્યા સ્વીફટ કાર પાર્ક કરેલ હતી તેમા પણ ધોકા પાઈપ ઘા ઝીંકી નુકશાન કરી ગાડી તોડી નાંખેલ હતી.
બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનાની ગંભીરતા દાખવી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયા દ્વારા આરોપીને પકડવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર અને ટીમે ગણતરીની કલાકોમાં જુલેલાલનગરમાં ભય ફેલાવનાર ફૈજલ ઉર્ફે કાલી રહીમ ભાણુ (ઉ.વ.25, રહે-સ્લમક્વાર્ટર નં-114 જામનગર રોડ), અબ્દુલ દાઉદ લંજા (ઉ.વ.30), (રહે.લાખાબાપાની વાડી મફતીયાપરા સ્લમ ક્વાર્ટરની સામ) ને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.