મોરબીના બે યુવકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવનાર બે શખ્સો પકડાયા : મહિલા સહિત બેની શોધખોળ

વાણીયાવાડીમાં રહેતી મહિલાએ ૧૦ હજારમાં યુવતી સાથે વન નાઇટ સ્ટેન્ડની ઓફર કરી રાજકોટ બોલાવ્યો : યુવાન અને તેનો મિત્ર રાજકોટ આવ્યા બાદ બેડી ફાટક પાસે કાર રોકી પોલીસનો ડર બતાવી બે લાખ માંગ્યા: યુવાન પાસેથી રૂ.૨૬૫૦૦ પડાવી લીધા’તા

ગોંડલના શેમળાથી ભેંસ જોવા રાજકોટ આવેલા પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ રાજકોટમાં વધુ એક હનીટ્રેપનો બનાવ સામે આવ્યો છે. મોરબીમાં રહેતા યુવાનને ૧૦  હજારમાં એક રાત્રી માટે યુવતીની વ્યવસ્થા કરી આપવાનું કહી વાણીયાવાડીની મહિલાએ રાજકોટ બોલાવ્યો હતો.રાજકોટ આવ્યા બાદ અન્ય ત્રણ શખ્સોએ યુવાન અને તેના મિત્રને પોલીસનો ડર બતાવી બે લાખની માંગણી કરી હતી અને રૂા.૨૬૫૦૦ પડાવી લીધા હતાં. આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.જ્યારે મહિલા સહિત બેની શોધખોળ હાથ ધરી છે.

હનીટ્રેપના બનાવ અંગે  હાલ મોરબીમાં ભાડે મકાનમાં રહેતા મૂળ મેંદરડા ગામના વતની દીપ સંજયભાઇ ગાજીપરા (ઉ.વ.૨૧) નામના યુવાને કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય બાબુભાઇ ઉર્ફે નાગજણભાઇ ગરચર (રહે.ભગવતીપરા), ગુણવંત રાજુભાઇ મકવાણા (રહે.વાણીયાવાડી) દિવ્યાબેન ગુણવંતભાઇ મકવાણા (રહે.વાણીયાવાડી) અને અશોક કોળી (ભગવતીપરા બોરીચા સોસાયટી)ની સામે  ફરિયાદ નોંધાવી હતી. પી.એસ.આઈ એચ.બી.વડાવીયાની ટીમે આઇપીસી ૪૫૨, ૪૩૬, ૫૦૪ , ૩૩૬, રાયોટની કલમો હેઠળ ગુનો નોંધયો હતો

જે ગુનામાં કુવાડવા પી.આઈ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ બી.પી.મેઘલાતર, એ.એસ.આઈ હિતેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદ મકવાણા, જયંતિ એસ.ગોહિલની ટીમે આરોપી વિજય બાબુ ઉર્ફ નાગજી ગરચર ( રહે. ભગવતીપરા ) , ગુણવંત રાજુ મકવાણા ( વાણીયા વાડી મેઈન રોડ ) ની ધરપડકડ કરી છે. જ્યારે વાણીયા વાડીમાં રહેતી દિવ્યા ગુણવંત મકવાણા, ભગવતીપરાના અશોક કોળીની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી દિવ્યાએ ફરિયાદી દીપને રાત્રીના છોકરીની વ્યવસ્થા કરી આપવા માટે રૂા.૧૦ હજાર નક્કી કર્યા હતા અને યુવાનને મોરબી જકાતનાકે બોલાવ્યો હતો.યુવાન અહીં આવ્યા બાદ દિવ્યા તેની કારમાં બેઠી હતી. આ સમયે ફરિયાદી દીપનો મિત્ર શૈલેષ પણ સાથે હતો. દિવ્યાએ તુરંત જ નક્કી થયેલા રૂા.૧૦ હજાર લઇ લીધા હતા. થોડે આગળ જતા બેડી ફાટક પાસે કાચા રસ્તે, વિજય ગુણવંત અને અશોક ઉભા હતા. તેણે કાર રોકાવી છોકરી સાથે છે પોલીસમાં પકડાવી દઇશું કહી વિજયે યુવાનના ગળા પર છરી રાખી મોતનો ડર બતાવી સેટલમેન્ટ માટે રૂા.બે લાખની માંગણી કરી હતી. યુવાને એક લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. જેથી દિવ્યા તથા અશોક બાઇક પર નીકળી ગયા હતાં. બાદમાં વિજય તથા ગુણવંતે યુવાન પાસેથી ૬૫૦૦  લઇ લીધા હતા અને બાકીના નાણાનીવ્યવસ્થા કરવા માટે યુવાનના મિત્ર શૈલેષને કાર લઇ જવા દીધો હતો અને ફરિયાદીને બાઇકમાં ફેરવી એટીએમ પર લઇ જઇ વધુે ૧૦ હજાર પડાવી લીધા હતાં. આમ આરોપીઓએ કુલ રૂા ૨૬૫૦૦ યુવાન પાસેથી પડાવી લીધા હતા.