- મવડીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધાને દવાખાનાનું સરનામુ બતાવવાના બહાને ઘેની ચા-સોડા પીવડાવી બેભાન કરી સોનાની બુટી, દાણો, રોકડની લૂંટ
- નાગરિક બેંક ચોકમાં 65 વર્ષીય જાનાબેન ખીમસુરીયાન લચ્છી, સરબત પાઇ અર્ધબેભાન કરી લાફા મારી રૂ.80,500ના દાગીના-રોકડની લૂંટ
- નાથીબેન પરમારને ચક્કરને તમારા દિયરને ઓળખું છું કહી લચ્છીમાં ઘેની પદાર્થ ભેળવી રૂ. 1.70 લાખના દાગીના લૂંટી લેવાયા’તા
શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃદ્ધાઓને ટાર્ગેટ કરી ખાવા-પીવાના પદાર્થમાં ઘેની પદાર્થ ભેળવી પીવડાવી દઈ દાગીના-રોકડ લૂંટી જનારા એક મહિલા સહીત બે લૂંટારુઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંનેએ મવડી, જ્યુબેલી, માધાપર સહિતના વિસ્તારોમાં વૃદ્ધાઓને ટાર્ગેટ કર્યાનું જાણવા મળ્યું છે. મામલામાં યુનિવર્સીટી પોલીસે બેલડીને ઝડપી લઇ આકરી પૂછપરછ કરતા ચાર વૃદ્ધાને લૂંટી લીધાની કબૂલાત આપી છે. આ મામલે તાલુકા પોલીસમાં એક, એ-ડિવીઝનમાં બે અને ગાંધીગ્રામ પોલીસમાં એક ગુનો દાખલ થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરાયણના દિવસે મવડી કણકોટ રોડ પર અવાવરૂ જગ્યાએ રેતીના ઢગલા પાસેથી વૃધ્ધા અર્ધબેભાન મળ્યા હતાં. તેમને ઠગ સ્ત્રી-પુરૂષે ઘેની પદાર્થ ભેળવી પીણું પીવડાવી, તમાચા મારી દાગીના લૂંટી લીધાનું ખુલ્યું હતું. તેરમીએ આ વૃધ્ધાને ઘેની ચા-સોડા પીવડાવાતાં તેઓ છેક 14મી સુધી રેતીના ઢગલા પાસે સુતા રહ્યા હતાંં. પરિવારજનો તેમને શોધવા નીકળ્યા બાદ તેમની સાથે લૂંટ થયાની ખબર પડી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે મવડી કણકોટ રોડ પર શીવ ટાઉનશીપ સામે લાલુભાઇ પારેખ ટાઉનશીપ સી-વીંગ બ્લોક નં. 203માં રહેતાં પુષ્પાબેન લાલજીભાઇ નકુમ (ઉ.વ.62)ની ફરિયાદ પરથી અજાણ્યા મહિલા-પુરૂષ સામે ગુનો નોંધ્યો છે.પુષ્પાબેનને જણાવ્યું છે કે હું સંક્રાંતિના રોજ રામધણ આશ્રમે દર્શન કરવા એકલી ઘરેથી સવારે અગિયારેક વાગ્યે ચાલીને જવા નીકળી હતી. ત્યાં દર્શન કર્યા બાદ બાજુમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરે ગઇ હતી. ત્યાંથી મારે દવાખાને જવું હોઇ ચાલીને નીકળી ત્યારે સાવન ચોક ખાતે બે બાપા બેઠા હોઇ તેમને મેં સરકારી દવાખાનુ આજુબાજુમાં ક્યાંય છે કે કેમ? તે પુછતાં તેમણે બપોરના અઢી વાગી ગયા હોઇ દવાખાનુ બંધ હશે તેમ કહેતાં હું ત્યાં આગળ ઉભી હતી.
દરમિયાન એક અજાણી મહિલા આવી હતી અને તેણે મને ચાલો હું તમને દવાખાને લઇ જાવ તેમ કહેતાં હું તેની સાથે ચાલતી થઇ હતી. આ મહિલા સાથે અન્ય એક પુરૂષ પણ હતો. થોડે આગળ જતાં ચાની કેબીન આવતાં મને આ બંનેએ ચા પીવાડવી હતી. થોડીવાર બાદ મારુ માથું ભારે થવા માંડયું હતું. એ પછી હું એ બહેનની પાછળ ચાલવા લાગી હતી. તેની સાથેનો શખ્સ પાછળ પાછળ ટુવ્હીલર વાહન લઇને આવતો હતો. આ બંને મને મવડી તરફ લઇ ગયા હતાં. આગળ જતાં એ ભાઇએ મને સોડા પીવડાવી હતી. એ પછી મને વધુ માથુ દુ:ખવા માંડયું હતું. બાદમાં મહિલાએ મને મવડી કણકોટ ડ્રીમ સીટી ચોક નજીક અવાવરૂ જયયાએ રેતીના ઢગલા પાસે બેસાડી થોડીવાર નીંદર કરી લેવાનું કહ્યું હતું.
પરંતુ મે ના પાડતાં અજાણી મહિલાએ મને લાફા મારી લીધા હતાં. ત્યારબાદ હું અર્ધબેભાન જેવી થઇ જતાં આ બંને જણા મારા કાનમાંથી બુટી, નાકનો દાણો, પાકીટમાંથી ચારસો રોકડા લઇ ભાગી ગયા હતાં. હું ભાનમાં આવી હતી ત્યારે આસપાસમાં કોઇ દેખાતુ ન હોઇ ઘેન ચડી જતાં ફરી સુઇ ગઇ હતી. છેક બીજા દિવસે સવારે સાડા દસેક વાગ્યે ભાનમાં આવી હતી પણ ઉભી થઇ શકતી નહોતી. રાહદારી નીકળતાં 108 બોલાવી મને સારવાર માટે ખસેડી હતી. મને ઘેની ચા-સોડા પાઇ અર્ધબેભાન કરી લાફા મારી 16 હજારની બુટી, પાંચસોનો દાણો અને રોકડા 400 લૂંટી લીધા હતાં. બાદમાં મેં પોલીસને જાણ કરી હતી.
બીજા ગુનો એ-ડિવીઝન પોલીસમાં નોંધાયો છે. જેમાં માધાપર આંબેડકરનગર-1માં રહેતાં નાથીબેન ડાયાભાઇ પરમાર (ઉ.વ.63) તા. 23/12ના વિધવા પેન્શન બંધ થઇ ગયું હોઇ જેથી એકલા માધાપરથી રિક્ષામાં બેસી જુની કલેક્ટર કચેરીએ આવ્યા હતાં. અહિ કામ પુરુ કરી ચાલીને મોચીબજાર ચર્ચ સામે આવતાં મને ચક્કર આવતાં નજીકમાં હનુમાનજીના મંદિર પાસે બેસી ગયા હતાં. એ પછી તેમના દિયર હીરાભાઇ સાથે ફોનમાં વાત કરતાં હતાં ત્યારે અજાણ્યા એક બહેન અને એક ભાઇ મારી પાસે આવ્યા હતાં અને કહેલુ કે-ડોસીમા તમને ચક્કર આવતા હોય તો બેસો તેમ કહી અજાણ્યા શખ્સે હું તમારા દિયર હીરાભાઇને ઓળખુ છું કહી વાત કરી હતી. બાદમાં તે નજીકની દુકાનેથી લચ્છી લાવ્યો હતો અને પીવડાવી હતી.લચ્છી પીધાબાદ નાથીબેન અર્ધબેભાન થઇ ગયા હતાં.
પછી અજાણી મહિલાએ મારા કાનમાંથી બુટીયા ખેંચી કાઢવા બળજબરી કરતાં મેં તેને અટકાવતાં મને લાફા મારી લીધા હતાં. એ પછી હું સાવ બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવ્યા બાદ હું હોસ્પિટલમાં હતી. મારા કાનમાંથી સોનાના 60 હજારના બુટીયા-નખલી, ચાંદીના 20 હજારના સાંકળા અને મારો મોબાઇલ ફોન ગાયબ હતાં. કુલ 1,07,000ની મત્તા અજાણ્યો પુરૂષ અને મહિલા લૂંટી ગયા હતાં. મારા દિયરને મેં વાત કરી હતી અને અમે શોધખોળ કરતાં હતાં. એ પછી પોલીસને જાણ કરી હતી.
જ્યારે ત્રીજો બનાવ પણ એ-ડિવીઝન પોલીસની હદમાં બન્યો છે. આ અંગે મોચી બજાર તીલક પ્લોટ-1 આઇપી મિશન સ્કૂલ પાસે રહેતાં જાનાબેન હરિભાઇ ખીમસુરીયા (ઉ.વ.65)એ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહું છે. મારા પતિ હયાત નથી. 13/1/25ના બપોરે દોઢેક વાગ્યે હું ઘરેથી જ્યુબીલી શાક માર્કેટમાં બકાલુ લેવા ગઇ હતી. નાગરિક બેંક પાસે દેનાબેંક નજીક બકાલુ લેતી હતી ત્યારે અજાણી મહિલા આવી હતી અને કહેલુ કે તું મારી દિકરી છે, મારે તને ઠંડુ પીવડાવવું છે. આમ કહી મને લચ્છી અને ગુલાબ સરબત પીવડાવ્યા હતાં.ઠંડા પીણા પીધા બાદ હુ અર્ધબેભાન થઇ ગઇ હતી.
બાદમાં આ મહિલાએ મારા કાનમાંથી બળજબરીથી બુટીયા ખેંચતા મેં અટકાવતાં મને ફડાકા મારતાં હું બેભાન થઇ ગઇ હતી. એ પછી ભાનમાં આવી ત્યારે સિવિલ હોસ્પિટલમાં હતી. મેં તપાસ કરતાં કાનમાંથી 60 હજારના દસ ગ્રામના બે બુટીયા, પાકીટમાં રાખેલી રૂા. 20 હજારની સોનાની બુટી અને રોકડા 500 મળી 80500ની મત્તા ગાયબ હતી. ભાનમાં આવી મેં બનાવની જાણ મારા દિયર દિનેશભાઇ ખીમસુરીયાને કરતાં અમે તપાસ કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી. આ બંને બનાવમાં પીએસઆઇ ડી. વાય. મહંતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આવો જ એક ગુનો ગત ડિસેમ્બર મહિનામાં ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયો હતો. આ ચારેય ગુનાની તપાસ તાલુકા પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને એ-ડિવીઝન પોલીસ તથા એલસીબી દ્વારા હાથ ધરાઇ હતી. દરમિયાન તાલુકા પોલીસને સફળતા મળી છે. શકમંદ જણાતા સ્ત્રી-પુરૂષને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.