- મોરબી ડીવાયએસપી અને ક્રાઇમ બ્રાંચ ટીમે સયુક્તમાં ઓપરેશન હાથ ધરી કુલ રૂ.72.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: સુત્રધારની શોધખોળ
મોરબી જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળયુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી ડીવાયએસપી અને એલસીબીની સયુક્ત ટીમ દ્વારા માળીયા(મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી 2500 લીટર અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી સહિત ત્રણ વાહન ઇલેકટ્રીક ફ્યુલ પંપ સહિત 72.25 લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ એવો મોરબીનો શખ્સ દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લા એલ.સી.બી. પીઆઇ એમ.પી.પંડયા સહિતની ટીમ ઉપરોકત કામગીરી કરવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી.ટીમના ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ ડેલામાં ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળયુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ફિલ કરી આપી વેચાણ કરે છે, અને હાલે આ ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલુ છે જે હકીકત આધારે ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડાના કબજા ભોગવટા વાળા પીપળીયા ચોકડીથી માળીયા(મી) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં ક્રાઇમ બ્રાંચ પોલીસે રેઇડ કરી હતી.
ઉપરોક્ત રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી પેટ્રોલીયમ પ્રવાહી 2500 લીટર કિ.રૂ.1,75,000/-, એક નાનું ટેન્કર કિ.રૂ.10 લાખ, ટ્રક જીજે-18-એએક્સ-5206 કિ.રૂ.30 લાખ, બીજો ટ્રક રજી.નં. જીજે-23-એટી-5074 કિ.રૂ.30 લાખ તથા ઇલેક્ટ્રીક ફ્યુઅલ પંપ કિ.રૂ.50 હજારનો બીલ આધાર પુરાવા વગરનો કુલ કિ.રૂ. 72,25,000/- ના મુદ્દામાલ સાથે આરોપી રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર ઉવ.38 રહે.અયોધ્યાકુંજ કોલોની ધોલપુર રાજસ્થાન તથા આરોપી વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર ઉવ.40 રહે.દેવગઢ તા.બહા જી.આગ્રા (યુ.પી)વાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર નહીં મળી આવેલ માસ્ટર માઈન્ડ આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબીવાળાને ફરાર દર્શાવી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.